શિવસાગર : આસામના પૂર્વભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 59´ ઉ. અ. અને 94° 39´ પૂ. રે.ની આજુબાજુનો 2,668 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દિબ્રુગઢ જિલ્લો, પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ (રાજ્ય), દક્ષિણે નાગાલૅન્ડ તથા પશ્ચિમે જોરહટ જિલ્લો આવેલા છે. જિલ્લામથક શિવસાગર જિલ્લાના પશ્ચિમ ભાગમાં લગભગ મધ્યમાં આવેલું છે.

શિવસાગર જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : સમગ્ર જિલ્લાનું ભૂપૃષ્ઠ લગભગ મેદાની છે. અહીં ચરાઈદેવ અને નેઘ્રેટિંગ નામની બે ટેકરીઓ આવેલી છે. ચરાઈદેવ અહોમના પાટનગરનું તેમજ અહોમના રાજવીઓનું અને શાહી દરજ્જો ધરાવતા મહાનુભાવોના શબોને દફનાવવાનું સ્થળ હતું. નેઘ્રેટિંગ મહાદેવના મંદિર માટે જાણીતું છે.

જિલ્લાની આશરે 60,000 હેક્ટર ભૂમિમાં જંગલો આવેલાં છે. આ જંગલોમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટેનાં તથા ઇંધન માટેનાં લાકડાં મળી રહે છે.

જિલ્લાની ઉત્તર તરફ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી બ્રહ્મપુત્ર નદી પસાર થાય છે. દક્ષિણ તરફથી આવતી દિહિંગ, દિસાંગ, દિખુ, ઝાંઝી, ભોગદાઈ, કાકાડોંગા અને ધનસીરી તેની સહાયક નદીઓ છે. જિલ્લામાં ઘણાં તળાવો આવેલાં છે; તે પૈકી શિવસાગર, જયસાગર અને ગૌરીસાગર મુખ્ય છે.

ખેતી-પશુપાલન : ડાંગર આ જિલ્લાનો મુખ્ય પાક છે અને વર્ષમાં ત્રણ વાર તેની ઊપજ લેવાય છે. આ ઉપરાંત અહીં ઘઉં, મકાઈ, બાજરી, કઠોળ, તેલીબિયાં તેમજ અન્ય ધાન્ય પાકોનું વાવેતર થાય છે. જિલ્લામાં ચાના બગીચા પણ આવેલા છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા-ટટ્ટુ, ડુક્કર, મરઘાં-બતકાં વગેરે અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. આ ઉપરાંત માછીમારી તથા રેશમના કીડાઓનો ઉછેર પણ થાય છે. પશુઓ માટે પશુદવાખાનાં તેમજ પશુચિકિત્સાલયોની સુવિધા છે.

ઉદ્યોગો-વેપાર : અહીંની મુખ્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાના બગીચા તથા તેલના કૂવા સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, લાકડાં અને લાકડાંની પેદાશો, કાગળ અને કાગળની પેદાશો, ખનિજતેલ અને કોલસાની પેદાશો, રસાયણો અને તેની પેદાશો, રબર, પ્લાસ્ટિક, ધાતુપેદાશો, અધાતુ ખનિજ પેદાશો વગેરેના એકમો તથા હાથસાળ-તાલીમકેન્દ્રો, વણાટ-વિસ્તરણ-સેવાકેન્દ્રો તેમજ અન્ય ગૃહઉદ્યોગો પણ આ જિલ્લામાં આવેલા છે. વેપાર, વાણિજ્ય અને જિલ્લા બહારની આયાત-નિકાસ માટે વાણિજ્ય અને ગ્રામીણ બૅંકોની સગવડો પણ છે.

પરિવહન : જિલ્લામથક શિવસાગર રાષ્ટ્રીય ધોરી માર્ગથી બસસેવા દ્વારા ગુવાહાટી સાથે જોડાયેલું છે. જિલ્લામાં રાજ્ય પરિવહન નિગમની તેમજ ખાનગી ક્ષેત્રની બસસેવા ઉપલબ્ધ છે. નજીકનાં હવાઈ અને રેલમથક અનુક્રમે જોરહટ અને સિમલાગુડી ખાતે આવેલાં છે.

પ્રવાસન : (1) શિવસાગર : જિલ્લામથક તથા જિલ્લાનું અગત્યનું શહેર. ભૌગોલિક સ્થાન : 26° 59´ ઉ. અ. અને 94° 39´ પૂ. રે.. આ શહેર ગુવાહાટી સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગથી બસસેવા દ્વારા જોડાયેલું છે. વળી આજુબાજુનાં નગરો સાથે ખાનગી ક્ષેત્રની બસો દ્વારા તે સંકળાયેલું છે.

આ સ્થળ જૂના અહોમ રાજ્યનું પાટનગર હતું. બ્રિટિશ શાસન અગાઉ તત્કાલીન રાજવીઓએ અહોમ પર લગભગ 600 વર્ષ સુધી શાસન કરેલું. આ સ્થળનું નામ શિવસાગર અહીં આવેલા 129 એકરમાં પથરાયેલા તળાવ (સાગર) અને તેને કાંઠે આવેલા શિવમંદિર પરથી પડેલું છે. ઇતિહાસમાં જણાવ્યા મુજબ 1733માં અહોમની રાણી અમ્બિકાદેવીએ તેના પતિ રાજા શિવસિંઘની યાદમાં તત્કાલીન પાટનગર રંગપુર ખાતે 257 એકર જેટલી જગાને ખોદાવીને વિશાળ સરોવરનું નિર્માણ કરાવેલું. ત્યાં આવેલા શિવમંદિર પરથી આ સ્થળનું નામ શિવપુર રાખેલું, જે વખત જતાં શિવસાગર થયેલું છે. આ તળાવ શહેરની મધ્યમાં આવેલું છે અને તેના જળની સપાટી શહેરની ભૂમિસપાટી કરતાં ઊંચી છે. તળાવને કિનારે શિવદોલ, વિષ્ણુદોલ અને દેવીદોલ નામનાં ત્રણ મંદિરો આવેલાં છે. તે રાજા શિવસિંઘની રાણી મદામ્બિકાએ 1734માં બંધાવેલાં છે. અહીંનું શિવદોલ મંદિર ભારતનાં અન્ય કોઈ પણ શિવમંદિર કરતાં વધુ ઊંચાઈ પર આવેલું છે, તેની ઊંચાઈ 31 મીટર અને તળભાગનો ઘેરાવો 58.50 મીટર જેટલો છે.

આજનું શિવસાગર શહેર જિલ્લામથક હોવાથી ઝડપથી વિકસતું જાય છે. ચા અને ખનિજતેલ અહીંની મુખ્ય પેદાશો છે. તેલ અને કુદરતી વાયુપંચ(ONGC)ની પ્રાદેશિક કચેરી અહીંથી થોડાક કિમી. અંતરે આ જિલ્લાના નઝિરા ખાતે આવેલી છે.

(2) કારેંગ ઘર અને તલાતલ ઘર : જિલ્લામથક શિવસાગરથી માત્ર છ કિમી.ને અંતરે રાજા રુદ્રસિંઘે (1696-1714) સાત માળનો મહેલ બંધાવેલો. તેના ત્રણ માળ ભોંયતળિયાથી નીચે તરફ છે, જે તલાતલ ઘર નામે તથા ઉપરના ચાર માળ કારેંગ ઘર નામે ઓળખાય છે. તલાતલ ઘરને દિખાઉ નદી સાથે અને ગરગાંવ મહેલ સાથે જોડતાં બે ભૂગર્ભીય ભોંયરાં પણ હતાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભોંયરાં પુરાવી દીધેલાં.

(3) રંગઘર : રાજા પ્રમત્તસિંઘે (1744-1751) બંધાવેલો બે માળનો મંડપ રંગઘર નામથી ઓળખાતો હતો. તે કારેંગ ઘરની નજીકમાં જ છે. અહીં બેસીને શાહી કુટુંબના સભ્યો હાથીની લડાઈ તેમજ રમતગમતો જોવાની મજા માણતા.

(4) ગરગાંવ મહેલ : શિવસાગરથી આશરે 13 કિમી.ને અંતરે આવેલું ગરગાંવ અહોમનું મુખ્ય નગર હતું. તે અહોમ સામ્રાજ્યના પંદરમા રાજા સુકલેનમંગે 1540માં બાંધેલું. અહીં જે જૂનો મહેલ હતો તેને પાડી નાખીને રાજા રાજેશ્વરસિંઘે 1762માં સાત માળનો નવો મહેલ બનાવડાવેલો.

(5) જયસાગર તળાવ અને મંદિરો : શિવસાગરથી પાંચ કિમી.ને અંતરે આવેલા રંગપુર ખાતે 1697માં રુદ્રસિંઘે પોતાની દેશભક્ત શહીદ માતા જયમતીની યાદમાં 318 એકર ભૂમિને આવરી લેતું સરોવર બંધાવેલું. તેને કાંઠે 1698માં જયદોલ (વિષ્ણુમંદિર); શિવદોલ અને દેવીદોલ નામનાં ત્રણ મંદિરો પણ રુદ્રસિંઘે બંધાવેલાં.

(6) ગૌરીસાગર તળાવ અને મંદિર : રાણી ફૂલેશ્વરી દેવી(1722-1991)એ ગૌરીસાગર તળાવ બંધાવીને દેવી દુર્ગાને અર્પણ કરેલું. તેનો વિસ્તાર 150 એકર જેટલો છે. તેને કાંઠે પણ વિષ્ણુદોલ, શિવદોલ અને દેવીદોલનાં મંદિરો આવેલાં છે. ગૌરીસાગર તળાવ શિવસાગરથી 12 કિમી.ને અંતરે આવેલું છે.

(7) રુદ્રસાગર તળાવ અને મંદિર : રાજા લક્ષ્મીસિંઘે તેમના પિતા રુદ્રસિંઘની યાદમાં 1773માં રુદ્રસાગર તળાવ બંધાવેલું. શિવસાગરથી આ સ્થળ 8 કિમી.ને અંતરે આવેલું છે. તેને કાંઠે શિવમંદિર આવેલું છે.

(8) નામડેંગ પાષાણપુલ : આ પુલ શિવસાગરથી 12 કિમી.ને અંતરે નામડેંગ નદી પર આવેલો છે. તે એક જ પાષાણમાંથી કોરીને બનાવાયેલો છે. રાજા રુદ્રસિંઘના શાસનકાળ દરમિયાન 1703માં બંગાળથી કારીગર બોલાવીને તે તૈયાર કરાવવામાં આવેલો. આજે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 37 આ પુલ પરથી પસાર થાય છે.

(9) ચરાઈદેવ : શિવસાગર શહેરથી પૂર્વમાં 28 કિમી. અંતરે આ સ્થળ આવેલું છે. અહોમ વંશના સ્થાપક સુકાફાએ 1253માં અહોમ રાજાઓ માટે મૂળ પાટનગર તરીકે તેની સ્થાપના કરેલી. આ સ્થળ રાજાઓ તેમજ શાહી કુટુંબના સભ્યોને દફનાવવા માટે જાણીતું છે.

(10) આજાન પીર દરગાહ શરીફ : શિવસાગરથી 22 કિમી.ને અંતરે સારાગુરી ચપોરી ખાતે દરગાહ આવેલી છે. આજાન પીર અહીંના સર્વપ્રથમ મુસ્લિમ સંત હતા. તેમણે આસામી ભાષામાં (1,600 જેટલી) ‘ઝિકિર’ની રચનાઓ કરેલી આ મુસ્લિમ સંત સમાજ-સુધારક હતા. તેમને અંજલિ આપવા ઉર્સને દિવસે હજારો મુસ્લિમો અહીં ભેગા થાય છે.

અન્ય સ્થળો અને ધાર્મિક સ્થળો અહીં ઘણાં છે. તે પૈકી વૈષ્ણવ મંદિરો, મુસ્લિમોની દરગાહો, બૌદ્ધ અને શાક્ત મંદિરો, 500 જેટલાં તળાવો, અહોમના, મણિપુરીના, જેંતિયાના અને શાન રાજકુમારોના અને કાચારી રાજાઓના ઘણા કિલ્લાઓ પણ છે. વારતહેવારે અહીં ઘણા ઉત્સવો અને મેળા ભરાય છે, નૃત્યો યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 10,53,000 જેટલી છે. તે પૈકી ગ્રામીણ શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 91 % અને 9 % જેટલું તથા પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 52 % અને 48 % જેટલું છે. અહીં હિન્દુ (90 %), મુસ્લિમ (7 %), ખ્રિસ્તી (2 %) અને શીખ, જૈન, બૌદ્ધ વગેરેનું પ્રમાણ 1 % જેટલું છે. સાક્ષરતાનું પ્રમાણ અંદાજે 52 % જેટલું છે. આસામી અહીંની મુખ્ય ભાષા છે, બંગાળી, હિન્દી અને ઊડિયા ભાષાઓ પણ બોલાય છે, જ્યારે ચાના બગીચાઓના શ્રમિકો તમિળ, તેલુગુ, ઊડિયા, સંથાલ અને મુંદારી ભાષાઓ બોલે છે. અહીંનાં નગરો સિવાય જિલ્લાનાં 756 ગામોમાં શિક્ષણની સગવડો છે; જિલ્લામાં 14 કૉલેજો છે. 120 જેટલાં ગામોમાં તબીબી સેવાની સગવડો ઉપલબ્ધ છે. જિલ્લામાં હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, ચિકિત્સાલયો, ગ્રામીણ કુટુંબકલ્યાણ આયોજનકેન્દ્રો તથા ઉપકેન્દ્રો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગો, 7 મંડળો અને 6 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 5 નગરો અને 886 (13 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : અંગ્રેજો દ્વારા આસામનો પ્રદેશ બ્રિટિશ શાસનમાં મુકાયો ત્યાં સુધી અહોમના સમર્થ સામ્રાજ્યે આસામ પર છ સદી સુધી શાસન કરેલું; ત્યારે પણ શિવસાગર તેનું પાટનગર રહેલું. ચાના બગીચાઓ અને તેલક્ષેત્રોના વિકાસની સાથે સાથે શિવસાગર પણ આધુનિક બનતું ગયું. અહીં જોવા મળતાં સંખ્યાબંધ સ્મારકો, મંદિરો અને મહેલો આસામના ભૂતકાળની જાહોજલાલીની તથા શિલ્પસ્થાપત્યની સાક્ષી પૂરે છે.

1826માં સર્વપ્રથમ ઍંગ્લો-બર્મીઝ યુદ્ધ થયેલું, તેને પરિણામે પૂરણસિંઘે આસામ પર વર્ચસ્ જમાવેલું; તેની કુનેહ જોઈને ઈસ્ટ ઇંડિયા કંપનીએ અહોમ સામ્રાજ્યની પડતીના સમયે 1833માં પૂરણસિંઘને ઉત્તર આસામનો વહીવટ સોંપેલો. તે જ વર્ષની 16મી સપ્ટેમ્બરે કર્નલ ઍડમ વ્હાઇટની ત્યાંના પૉલિટિકલ એજન્ટ તરીકે નિમણૂક કરી. 1839માં આસામ વિસ્તારને શિવસાગર અને લખીમપુર નામના બે જિલ્લામાં વિભાજિત કરવામાં આવ્યો. તે વખતે શિવસાગર જિલ્લાની પશ્ચિમ સીમા ધનસિસ નદીથી અને પૂર્વ સીમા નામિયાંગ તિપામ પર્વતથી નિર્ધારિત કરેલી હતી. 1981 સુધી આ જિલ્લાના  શિવસાગર, જોરહટ, ગોલાઘાટ અને માજુલી નામના ચાર ઉપવિભાગો રાખેલા; પરંતુ પછીથી વહીવટી કારણોસર શિવસાગર, જોરહટ અને ગોલાઘાટના ત્રણ વિભાગો રાખ્યા છે.

ગિરીશભાઈ પંડ્યા