શિવરુદ્રપ્પા, જી. એસ. (જ. 7 ફેબ્રુઆરી 1926, શિકારીપુરા, જિ. શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. (1953) તથા પીએચ.ડી.(1960)ની ડિગ્રી મેળવી. નિવૃત્ત પ્રાધ્યાપક અને નિયામક, સેન્ટર ઑવ્ કન્નડ સ્ટડિઝ, બૅંગલોર યુનિવર્સિટી. 2002થી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં રોકાયેલા રહ્યા છે.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : પ્રમુખ, કર્ણાટક સાહિત્ય અકાદમી (1987-90); યુજીસીના રાષ્ટ્રીય અધ્યાપક (1983-84); મુલાકાતી પ્રાધ્યાપક, કુવેમ્પુ વિદ્યાસન, મૈસૂર યુનિવર્સિટી (1994-95); કન્વીનર, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના કન્નડ માટેનું સલાહકાર બૉર્ડ (1998-2002).
તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ, 1973; કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1984; કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1984; કર્ણાટક રમતોત્સવ ઍવૉર્ડ, 1985.
તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘દીપદા હે જે’ (1959), ‘ચક્રગતિ’ (1992) (એ બંને કાવ્યસંગ્રહો); ‘કાવ્યાર્થચિંતન’ (1983) (અલંકારશાસ્ત્ર); ‘કર્મયોગી’ (1956) (નવલકથા); ‘સૌંદર્યસમીક્ષા’ (1965) (સંશોધન); ‘વિમર્શ : પૂર્વ-પશ્ચિમ’ (1961), ‘કન્નડ સાહિત્ય-સમીક્ષા’ (1975) (બંને વિવેચનસંગ્રહો); ‘ચતુરંગ’ (1986) (આત્મકથા).
મહેશ ચોકસી