શિવરામ, એમ. (. 1905, બૅંગલોર; . 1984) : કન્નડ વાર્તાકાર, નવલકથાકાર અને હાસ્યરસજ્ઞ. તેમને તેમની વિજ્ઞાન અને મનોવિજ્ઞાન-વિષયક કૃતિ ‘મનમંથન’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

તેમણે મૈસૂર યુનિવર્સિટીની યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાંથી મેડિસિન અને સર્જરીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડૉક્ટરના વ્યવસાયમાં એક નિષ્ણાત ડૉક્ટર તરીકે તેમજ તેમની વિનોદી સ્વભાવ, સજ્જનતા અને ભલમનસાઈને કારણે તેમના દર્દીઓના વિપુલ સમુદાય તરફથી ઘણો આદર પામ્યા હતા.

તેમણે કન્નડમાં 25 ગ્રંથો આપ્યા છે. તેમાં નવલકથા, વાર્તાસંગ્રહો, રેડિયોનાટકો, પ્રહસનો, બાયૉ-મેડિકલ અને વિજ્ઞાનને લગતા ગ્રંથોનો સમાવેશ થાય છે. ‘તુટી મીરિડુડુ’, ‘તલૌકુ તુનુકુ’ તેમના વિનોદરસિક નિબંધો છે. ‘કેનાકોનુ બરા’ વિનોદરસિક કાવ્યસંગ્રહ છે. ‘ઇન્દનોન્ડુ કલાદલ્લી’, ‘કોરાવંજી કન્ડા નાગુ દરબારીગલુ’, ‘મૃગશિરા’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘મધિવંડલ્લીમેલ’, ‘પોન્તિયાનો કાર્તિક સોમવરા’ તેમની નવલકથાઓ છે; જ્યારે ‘કાર્લ’, ‘મનોનંદન’, ‘મનમંથન’, ‘રેમિનિસન્સ : કૈલાસમ્ ઍન્ડ આઇ’ (અંગ્રેજી) તેમના મનોવિજ્ઞાન અને વિજ્ઞાન-વિષયક ઉલ્લેખનીય ગ્રંથો છે.

તેઓ હાસ્યરસના સામયિક ‘કોરવંજી’ના 25 વર્ષ સુધી સ્થાપક-સંપાદક રહ્યા. તેમને કન્નડ ઉપરાંત અંગ્રેજી, તમિળ, સંસ્કૃત અને ઉર્દૂ સહિત ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. તેઓ કર્ણાટક સાહિત્ય અકાદમીના પ્રમુખ હતા.

પુરસ્કૃત કૃતિ ‘મનમંથન’ કન્નડનો ઉદાહરણાત્મક કેસ-રેકર્ડવાળો મનોચિકિત્સાનો ગ્રંથ છે. કન્નડમાં તો આ પ્રકારનો પ્રથમ ગ્રંથ છે; જે ફક્ત ખ્યાતનામ અને અનુભવી ડૉક્ટરની જ નહિ; પરંતુ કન્નડમાં જાણીતા હાસ્યમર્મજ્ઞ અને લેખકની કૃતિ છે. તેમાં સર્જકે પ્રસન્ન ચિત્તે વૈજ્ઞાનિક વિષય-વસ્તુની અલભ્ય ભેટનું સાહિત્યિક સ્વરૂપે સુંદર નિરૂપણ કર્યું છે. તેમાં ચિંતાનાં લક્ષણો, ગળાની તકલીફો, વળગાડનાં લક્ષણો, માનસિક વિકૃતિથી થતો ખિન્નતાનો વ્યાધિ, ખંડિત મનસ્કતા, સ્મૃતિભ્રંશ અને શારીરિક માંદગીને કારણે આવતી માનસિક બીમારી જેવા મુદ્દાઓનું પૃથક્કરણ પ્રથમ ભાગનાં 8 પ્રકરણોમાં વણી લઈને નવમા પ્રકરણમાં તેના ઉપાયો ને સારવારનાં સૂચનો કરાયાં છે. બીજા ભાગમાં મન અને શરીર વચ્ચેના સંબંધોની સુદીર્ઘ ચર્ચા દ્વારા પતંજલિના યોગસૂત્રનું વિવરણ કરીને સમાપન કર્યું છે.

‘મનમંથન’ કૃતિએ તેની પરિપક્વ સાહિત્યિક શૈલી, વિષયભૂત બાબતોને સૌંદર્યપરક બનાવવાની ક્ષમતા તેમજ કેસ-હકીકતોને સુંદર ટૂંકી વાર્તાઓમાં રૂપાંતરિત કરવાની નિરૂપણશક્તિને કારણે કન્નડ સાહિત્યમાં અનોખી ભાત પાડી છે. તેમને તેમના સાહિત્યિક પ્રદાન બદલ કન્નડ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા રાજ્ય સરકારનો ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા