શિવરાત્રિ : ગુજરાતમાં માઘ (ઉત્તર ભારતમાં ફાલ્ગુન) માસની કૃષ્ણ ચતુર્દશીએ ઊજવાતું શિવરાત્રિ વ્રતપર્વ. આને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે શિવ અને પાર્વતીનાં લગ્ન થયાં હતાં. હસ્તમેળાપ વિષ્ણુ ભગવાને કરાવ્યો હતો અને બ્રહ્માજીએ પૌરોહિત કાર્ય સંભાળ્યું હતું. આ તિથિએ શંકરે તાંડવનૃત્ય કર્યું હતું અને પોતાના ડમરુથી સર્વત્ર જ્ઞાન-વિજ્ઞાનને ફેલાવ્યું હતું.
શિવ સર્વમાન્ય દેવતા છે. તેમની સામે કોઈ ઊંચું કે નીચું નથી. તેમને રાજા કે રંક સહુની પૂજા સ્વીકાર્ય છે. આથી શિવરાત્રિનું વ્રત સહુ લોકો કરી શકે છે. દિવસે વ્રત રાખીને રાત્રે જાગરણ કરવાનો મહિમા છે. દિવસના ચાર પ્રહરોમાં ક્રમશઃ દૂધ, દહીં, ઘી અને મધથી શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપૂજા કરવામાં આવે છે.
ભારતમાં જુદાં જુદાં બાર જ્યોતિર્લિંગ જ્યાં જ્યાં પૂજાય છે ત્યાં શિવરાત્રિના દિવસે મેળા ભરાય છે. બીજાં શિવમંદિરોમાં શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે.
પ્રવીણચંદ્ર પરીખ