શિવપ્રકાશ, એચ. એસ.

January, 2006

શિવપ્રકાશ, એચ. એસ. (. 15 જૂન 1954, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1976) અને પીએચ.ડી.(1998)ની ડિગ્રી મેળવી. બૅંગલોરની મહારાણી આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક. હાલ (2002માં) કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અંગ્રેજી મુખપત્ર ‘ઇન્ડિયન લિટરેચર’ના તંત્રી.

તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1983, ’86, ’88;  દિનકર પ્રશસ્તિ પુરસ્કાર, 1994; રાજ્ય નાટક અકાદમી ઍવૉર્ડ, 1995; નાટ્યલેખન માટે કેન્દ્રીય સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, 1997.

માતૃભાષા તમિળ છે અને કન્નડ તથા અંગ્રેજીમાં લખે છે. તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘મિમારેળ’ (1976), ‘મલે બિદ્ધા નેલાહલ્લી’ (1983), ‘સૂર્યજલા’ (1995)  એ તમામ કાવ્યસંગ્રહો; ‘મહા ચૈત્ર’ (1986), ‘સુલતાન ટિપ્પુ’ (1990), ‘માદારી મદાપ્યા’ (1992), ‘મંટેસ્વામી કથા પ્રસંગ’ (1991), ‘શેક્સપિયર સ્વપ્ન નૌકે’  એ તમામ નાટકો; ‘કિંગ લિયર’ (1988) એ અનુવાદ; ‘મારાનાયકાના દ્રુશ્તનચા’ (1991)  અને ‘મલ્લામના માને હોટલુ’ (1995)  એ બંને રૂપાંતર. વિવિધ ભારતીય કવિઓ અને વિશ્વકવિઓની કવિતાનું તેમણે કન્નડમાં ભાષાંતર કર્યું છે. નવી દિલ્હી અને ભોપાલ ખાતેના અખિલ ભારતીય કવિસંમેલનમાં તેમણે ભાગ લીધો હતો (1987, 89).

મહેશ ચોકસી