શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન (Shivpuri National Park)

January, 2006

શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન (Shivpuri National Park) : મધ્યપ્રદેશ રાજ્યના શિવપુરી જિલ્લામાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. તે મુંબઈ-આગ્રા મુખ્ય માર્ગ પર ગ્વાલિયર શહેરની દક્ષિણે આશરે 116 કિમી. અંતરે આવેલો છે અને 158 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે વિંધ્ય હારમાળાના પ્રદેશમાં હોવાથી તેનું ભૂપૃષ્ઠ ટેકરીઓ તથા ખીણોથી બનેલું છે. અહીં જોવા મળતી વનસ્પતિમાં સાલ, સાગ, ખેર તથા ઘાસના પ્રદેશનો સમાવેશ થાય છે. ઉદ્યાનના વિસ્તારમાં વિચરતાં પ્રાણીઓમાં વાઘ, દીપડા, લંગૂર, શિયાળ, હરણ, જંગલી ભુંડ, સાબર, જંગલી મરઘાં, બટેર, બસ્ટર્ડ જોવા મળે છે. અહીં આશરે 12 કિમી. ઘેરાવાવાળું માનવસર્જિત સરોવર(સખ્યસાગર અથવા કાંડપાથ)નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં નૌકાવિહારની તેમજ ઉજાણીગૃહોની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ક્યાંક ક્યાંક બંધ કૅબિનોમાંથી વિચરતા વાઘની તસવીરો ઝડપી શકાય છે.

જૂના ગ્વાલિયરના દેશી રાજ્ય વખતે તત્કાલીન દેશી રાજાઓએ તેમની શિકારભૂમિ માટે આ જગા રાખેલી. 1955માં મધ્ય ભારત રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે તેની સ્થાપના કરવામાં આવેલી. આજનું શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન નામ 1959માં અપાયું છે.

ગિરીશભાઈ પંડ્યા