શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન)
January, 2006
શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન) (જ. 10 નવેમ્બર 1759, માર્બેક, વૂર્ટેમ્બર્ગ, જર્મની; અ. 9 મે 1805, વીમાર, સેક્શ) : જર્મન નાટ્યકાર, કવિ અને વિવેચક. ‘ડાય રૉબર’ (1781, ધ રૉબર્સ), ‘ધ વૉલેનસ્ટાઇન’ (નાટ્યત્રયી) (1800-01), ‘મારિયા સ્ટુઅર્ટ’ (1801) અને ‘વિલ્હેમ ટેલ’ (1804) તેમનાં યશસ્વી નાટકો છે. 1802માં તેમને ‘વૉન’ના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા.
પિતા લેફ્ટનન્ટ જૉન કાસ્પર શિલર અને માતા ડોરોશિયા. પિતા બવેરિયન, ફ્રેન્ચ અને સ્વેબિયન રેજિમેન્ટમાં લશ્કરી સેવા આપતા હતા. પાછળથી બાગાયતના નિષ્ણાત તથા બગીચાઓ અને ખાસ વાવેતરના અધ્યક્ષ તરીકે તેમની નિયુક્તિ થયેલી. ફ્રેડરિકનું શિક્ષણ વ્યવસ્થિત ચાલતું હતું તેવામાં 13 વર્ષની વયે રાજના હુકમથી તેમને મિલિટરી અકાદમી(ધ કાર્લશ્યૂટ)માં મોકલવા પડ્યા. અહીં તેમને કાયદાશાસ્ત્રનું અધ્યયન કરવાનો મોકો મળેલો. પાછળથી આયુર્વિજ્ઞાન(medicine)ના અભ્યાસ માટે તે ગયેલા. આઠ વર્ષ સુધી મિલિટરી અકાદમીના કડક અનુશાસનને લીધે તેઓ સ્વાભાવિક રીતે જ પરિવાર અને બાહ્ય સમાજથી લગભગ અલગ થઈ ગયેલા. પછી તેમણે સ્ટુટગાર્ટ રેજિમેન્ટમાં આસિસ્ટન્ટ મેડિકલ ઑફિસર તરીકે સેવા આપેલી. શિલરને સત્તાધીશના જુલમનો અનુભવ થયેલો. તેથી જ તેમનાં નાટકોમાં સત્તાનો દુરુપયોગ અને નિરંકુશતા વિશેના સચોટ સંઘર્ષનું વસ્તુ વારંવાર દેખા દે છે. શરૂઆતનાં કાવ્યોમાં પણ આ બાબતની અભિવ્યક્તિ થઈ છે. ‘ડાય રૉબર’ (1781 : ‘ધ રૉબર્સ’, 1792) નાટકમાં જડ પરંપરા અને ભદ્ર વર્ગમાં ચાલતી લાંચ-રુશવતની હૂબહૂ રજૂઆત થઈ છે. સમાજમાં એક ભલો માણસ કેવી રીતે ગુનાઇત માનસવાળો બને છે તેનું હૃદયંગમ ચિત્ર આ નાટકમાં ખડું થાય છે. જર્મન રંગભૂમિ પર આ નાટકે ઊંચાં ચડાણો સર કરેલાં. ડ્યૂકની રજાની પરવા કર્યા સિવાય શિલર આ નાટકની પ્રથમ રજૂઆત વખતે મૅનહિમ ગયેલા. આ વાસ્તે ડ્યૂકે તેમને જેલવાસ આપ્યો; એટલું જ નહિ, પરંતુ તે પછી નાટક લખવાનો તેમને નિષેધ કરવામાં આવ્યો. શિલરે આ બધાંથી ત્રાસી જઈ કમાણી, આજીવિકા કે પરિવાર તરફની પોતાની અંગત લાગણીને બાજુ પર મૂકી કોઈ પણ ભોગે સાહિત્યને ખોળે માથું મૂકી સર્જનપ્રવૃત્તિને ચાલુ રાખવાનો દૃઢ નિર્ધાર કર્યો. એક સંગીતકાર મિત્ર એન્ડ્રિયસ સ્ટ્રીચરના સહારે તે સ્ટુટગાર્ટ રાજ્યની સરહદ છોડીને મૅનહિમ તરફ જવા નીકળી પડ્યા. હેરિબર્ટ બૅરન વૉન ડેલબર્ગ રંગભૂમિના મોટા ગજાના દિગ્દર્શક હતા. તેમના શરણે જવા શિલરે મનસૂબો કર્યો. ‘ડાય વર્શવૉરંગ દે ફીસ્કો ઝુ જેનુઆ’ (1783) અને ‘ફીસ્કો : ઑર ધ જૅનોઝ કૉન્સ્પિરસી’ (1796) નાટકોની હસ્તપ્રત ડેલબર્ગને બતાવી. આમાંનું છેલ્લું ભવિષ્યમાં ઊભા થનાર સરમુખત્યારની મહત્ત્વાકાંક્ષા અને આખરે તેની અધોગતિ વિષયક ઉત્તમ નાટક હતું, પરંતુ ડેલબર્ગે તેનો સ્વીકાર ન કર્યો. નિર્વાસિત તરીકે રઝળતાં શિલરે પોતાના અગાઉના જાણીતા સહપાઠીઓની માતાની મુલાકાત લીધી અને તેમને ત્યાં આશરો મેળવ્યો. અહીં ‘કાબાલે ઉંડ લીબે’ (1784, કૅબલ ઍન્ડ લવ, 1795) નાટક પૂરું કર્યું અને ‘ડૉન કાર્લોસ’ (1787; અં. અનુ. 1798) લખવાનું શરૂ કર્યું.
જોકે ડેલબર્ગે પોતાને ત્યાં રહી નિવાસી નાટ્યકાર તરીકે મૅનહિમ થિયેટર માટે લખવાનું શિલરને નિમંત્રણ આપ્યું. આ વ્યવસ્થા પછી પણ શિલર પોતાના લેણદારોને દેવું ચૂકવી શકે તેવી આર્થિક ક્ષમતાને ન પામ્યા. વળી તેમની તબિયત પણ વધારે બગડી. વધારે પડતા ક્વિનાઇનના ‘ડૉઝ’ની આડઅસર પણ થઈ. લિપઝિગના ક્રિશ્ચિયન ગોટફ્રીડ કૉર્નર નામના એક મિત્રે શિલરને સેક્સોનીમાં આશરો આપ્યો. અહીં તેમનું ‘ડૉન કાર્લોસ’ નામનું પદ્યનાટક પ્રસિદ્ધ થયું.
દિલોજાન દોસ્ત (bosom crony) તરીકે કૉર્નર સાથેની મૈત્રી જીવનભરની બની રહી. ‘ઍઝ ડાય ફ્રોડ’(‘ઓડ ટુ જૉય’)માં પરમાનંદ અને સંતોષની આ લાગણી વ્યક્ત થઈ છે. પાછળથી મહાન સંગીતકાર બીથોવને આ કાવ્યનો ઉપયોગ તેમની ‘નાઇન્થ સિમ્ફની’ માટે કરેલો. 1787માં શિલર કૉર્નર સાથેના સંતોષભર્યા સંબંધને છોડી પોતાના અંતરાત્માની સ્વતંત્રતા માટે સાહિત્યકારો માટેનું સ્વર્ગ ગણાતા શહેર વીમારમાં રહેવા ચાલ્યા ગયા. પછીના વર્ષે અહીં ગટે પણ રહેવા આવી ગયા. એકાંતપ્રિય એવા ગટે પણ શિલરના આકર્ષક વ્યક્તિત્વથી ઘડીભર અંજાઈ ગયા. રૂબરૂ મુલાકાત અને પરસ્પરના પત્રવ્યવહારથી બંને વચ્ચે જોતજોતામાં દોસ્તી થઈ. એક રીતે પરસ્પર તદ્દન વિરોધી વિચારસરણીવાળા ગટે અને શિલરની મૈત્રી જર્મન સાહિત્ય અને તત્વચિંતનના ઇતિહાસનું પ્રોત્સાહક પ્રકરણ ગણાય છે.
યુનિવર્સિટી ઑવ્ જેનામાં ગટેની ભલામણથી શિલરની નિમણૂક ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે થઈ ત્યારે તેમણે યુનિવર્સિટીના સત્તામંડળ સમક્ષ ‘હિસ્ટરી ઑવ્ ધ રિવૉલ્ટ ઑવ્ ધ યુનાઇટેડ નેધરલૅન્ડ્ઝ અગેન્સ્ટ ધ સ્પૅનિશ ગવર્નમેન્ટ’ (1788) લખાણ રજૂ કર્યું હતું. ‘હિસ્ટરી ઑવ્ ધ થર્ટી યર્સ વૉર’ (1791-93) તેમનું ઇતિહાસકાર તરીકે નોંધપાત્ર પ્રદાન હતું. ઇતિહાસ વિશે સંશોધનાત્મક વલણ દાખવવા સાથે ઐતિહાસિક પાત્રોને સાહિત્યિક ઓપ આપનાર શિલરનાં અંગ્રેજ કવિ અને વિવેચક કોલરિજે મુક્ત કંઠે વખાણ કર્યાં છે. શિલરનાં ઐતિહાસિક નાટકો (cronicles) શેક્સપિયરનાં તે જ પ્રકારનાં નાટકોથી હરગિજ ઊતરતી કક્ષાનાં નથી તેમ કોલરિજે કહ્યું છે.
પ્રાધ્યાપકની નોકરીમાંથી શિલરને પૂરતું આર્થિક વળતર મળતું ન હતું. 1790માં તેમણે શાર્લોટ વૉન લૅન્જફેલ્ડ સાથે લગ્ન કર્યું. તેમનાથી તેમને બે પુત્રીઓ અને બે પુત્રો એમ ચાર સંતાનો થયાં. પિતા અને પતિ તરીકે શિલર વાત્સલ્યથી ભર્યા ભર્યા હતા. શાર્લોટ પણ પત્ની તરીકે અતિ સ્નેહાળ અને શિલરનાં સુખદુ:ખનાં પરમ સાથી બની રહ્યાં. જોકે શિલરની તબિયત લગ્નના બીજા વર્ષથી બગડતી ચાલી તે તેમની જિંદગીના અંત સુધી એમ જ રહી. નોંધપાત્ર વાત તો એ છે કે નાદુરસ્ત તબિયત સાથે અને પ્રકાશકોના સહકાર વગર તેમણે પોતાની સર્જનપ્રક્રિયા અવિરત ચાલુ રાખી. પ્રિન્સ ફ્રેડરિક અને હીનરિચ અર્ન્સ્ટના આર્થિક ટેકાથી તેમણે જર્મન ફિલસૂફ કાન્ટનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસના પરિણામે 1793થી 1801ના સમયગાળામાં શિલરે કેટલાક અભ્યાસપૂર્ણ નિબંધો લખ્યા. સાહિત્યસર્જનની પ્રક્રિયા અને તેનું સમાજમાં મહત્વ અને તેનો નૈતિકતા સાથેનો સંબંધ સમજવામાં તેમણે કરેલો ઉદ્યમ સાર્થક થયો.
આ અરસામાં તેમણે ‘લાઇફ ઍન્ડ ધી આઇડિયલ’, ‘ધ વૉક’, ‘ધ પાવર ઑવ્ સૉન્ગ’ જેવાં ચિંતનાત્મક કાવ્યો લખ્યાં. શિલરના તત્વચિંતનને તેમના ઉત્તમ ગણાતાં આ કાવ્યોમાં ઊર્મિનો રંગ ભળ્યો છે. 1797માં તેમણે લખેલાં કથાકાવ્યો (ballads) ‘ધ ગ્લવ’, ‘ધ ડાઇવર’, ‘ધ ક્રેન્સ ઑવ્ આઇબિક્સ’ અને ‘ધ સૉન્ગ ઑવ્ ધ બેલ’ નોંધપાત્ર છે.
‘વૉલેન્સ્ટાઇન’નું લેખન ભવ્ય સર્જનના પ્રવેશક (prologue) તરીકે લખાયું છે. તેના પશ્ચાદ્ભાગ તરીકે નાટ્યાત્મક એકોક્તિ (dramatic monologue) અને બે પાંચ અંકનાં નાટકો લખાયાં છે. શિલરનો આ સર્જનકાળ તેમનો વસંતોત્સવ છે. મૅકબેથના વસ્તુ ઉપરનું એક નાટક, ઇટાલિયન નાટ્યકાર કાર્લો ગોઝીનું ‘ત્તુરાન્દોત’ જ્યા રેસિનના નાટક પરથી ‘મારિયા સ્ટુઅર્ટ’, ‘ધ મેડ ઑવ્ ઓર્લિયન્સ’ (અં. અનુ. 1835 : જૉન ઑવ્ આર્કના જીવન પરની કરુણાંતિકા) વગેરે ઉત્તમ સર્જનના નમૂના છે. આ પ્રમાણે ‘વિલ્હેમ ટેલ’ (1829) અને ગ્રીક નાટકના જેવું ‘ધ બ્રાઇડ ઑવ્ મેસિના’ (1837) તેમનાં ખૂબ લોકપ્રિય નાટકો છે. ‘ડિમેટ્રિયસ’ (1805) તેમનું રશિયન વસ્તુ પરનું છેલ્લું પણ અધૂરું રહી ગયેલ સર્જન છે.
શિલર ભૌતિક અને આધ્યાત્મિક સ્વાતંત્ર્યના હિમાયતી મોટા ગજાના નાટ્યકાર છે. શરૂઆતની કૃતિઓમાં તેમનો વિરોધ જડ સામાજિક પરંપરા અને જુલમ સામે હતો. જોકે પાછળથી લખાયેલ નાટકોમાં તેમણે મનુષ્યના આંતરસ્વાતંત્ર્યની વાત છેડી છે. આમાં આત્માની મુક્તિ વાત છે. અહીં ભૌતિક ઇચ્છાઓથી ઉપરવટ જઈને પોતાના ‘સ્વ’ને સાચા અર્થમાં ઓળખવાનું ચિંતન છે. તેમનો નાયક દુન્યવી સુખથી પર જઈને નૈતિક મૂલ્યોને પામવાની મથામણ કરે છે. આ એક પ્રકારનું, મનુષ્યના ચિત્તમાં ઊઠતું જબરદસ્ત તુમુલ યુદ્ધ છે. શિલરને અંતે તો એમ કહેવું છે કે કલા આંતરસંવાદિતા અને સાચા સુખને પામવાનું સાધન છે. સાહિત્ય વ્યક્તિને વધુ સુખ અને સમાજનાં માનવીય મૂલ્યોનું જતન કરવા માટેની પ્રેરણા બક્ષે છે તેવો તેમનો મત છે. જોકે તેમનું સમગ્ર સર્જન તેમના રાજકીય અને ઐતિહાસિક અનુભવ પર આધારિત હતું. આમ, શિલરનું સર્જન અને સાહિત્ય માટેની તેમની સમજણ એકવીસમી સદી માટે પણ પ્રસ્તુત છે.
શિલરની તમામ કૃતિઓ અને તેમના વિશે લખાયેલું સમગ્ર સાહિત્ય (Schilleriana) માર્બેક નગરના નૅશનલ મ્યુઝિયમમાં જળવાયાં છે. ઈ. એમ. વિલ્કિન્સન અને એલ. એ. વિલોબીના ‘ઑન ધી એસ્થેટિક એજ્યુકેશન ઑવ્ મૅન’(1967)માં શિલરનાં પત્રોનું સુપેરે સંપાદન થયું છે. થૉમસ કાર્લાઇલે લખેલ ‘લાઇફ ઑવ્ ફ્રેડરિક શિલર’ (1825) નોંધપાત્ર જીવનચરિત્ર છે. ચાર્લ્સ ઈ. પાસૅજનું ‘ફ્રેડરિક શિલર’ (1975) તેમના પર લખાયેલું ઉત્તમ જીવનચરિત્ર છે. ગુજરાતીમાં શિલરના ‘વિલ્હેમ ટેલ’ નાટકનો અનુવાદ થયો છે.
વિ. પ્ર. ત્રિવેદી