શિલાચૂર્ણ (detritus) : તૂટેલા ખડકોનો સ્થૂળ-સૂક્ષ્મ ચૂર્ણજથ્થો. ઘસારો, ધોવાણ અને ખવાણ(વિભંજન તેમજ વિઘટન)ની ક્રિયાઓ જેવાં વિવિધ પરિબળોની અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો તૂટે છે અને ક્રમશ: નાનામોટા ટુકડાઓ કે સ્થૂળ-સૂક્ષ્મ ચૂર્ણ-સ્વરૂપમાં ફેરવાય છે. શિલાચૂર્ણના જથ્થા મોટેભાગે સ્વસ્થાનિક હોતા નથી. ખડકોની પોતાની મૂળ જગાએથી સ્થાનાંતરિત થઈને અન્યત્ર એકત્રિત થયેલા આ પ્રકારના દ્રવ્યજથ્થાને શિલાચૂર્ણ કહે છે. તે નદીજન્ય કે હિમનદીજન્ય હોઈ શકે, આર્થિક રીતે ઉપયોગી કે બિનઉપયોગી હોઈ શકે; દા.ત., હિમઅશ્માવલિ એ એક પ્રકારનું શિલાચૂર્ણ જ છે. જે દ્રવ્યો રાસાયણિક ક્રિયાનો કે ભૌતિક ઘર્ષણનો પ્રતિકાર કરે અને સ્થાયી રહી શકે એવાં હોય, જે ખનિજો સંભેદવિહીન હોય એવાં દ્રવ્યો શિલાચૂર્ણનો જથ્થો રચી શકે. આર્થિક દૃષ્ટિએ ઉપયોગી ગણાય એવાં ઉદાહરણોમાં દુનિયાનો મોટાભાગનો કલાઈ-પુરવઠો કૅસિટરાઈટની કણજન્ય પેદાશમાંથી બને છે; સુવર્ણકણો, હીરા, ઇલ્મેનાઇટ, રુટાઇલ અને મૅગ્નેટાઇટ, મૉનેઝાઇટના કણો જે ભૌતિક સંકેન્દ્રણો રૂપે મળી આવે છે તે શિલાચૂર્ણ-સ્વરૂપી પેદાશ છે. સિંધુ-ગંગાનાં મેદાનમાંનો કાંપ પણ શિલાચૂર્ણ જ છે. નદીપટમાં કે સમુદ્રકંઠારપટમાં જોવા મળતો સ્થૂળ-સૂક્ષ્મ દ્રવ્યજથ્થો પણ શિલાચૂર્ણ જ હોય છે.

ગિરીશભાઈ પંડ્યા