શિરોરોગ (આયુર્વેદ) : મસ્તકના રોગો. આ રોગમાં મસ્તકમાં અનેક સ્થળે અનેક જાતની પીડા-વેદના (pain) થાય છે. તે તેનું સામાન્ય લક્ષણ છે.

શિરોરોગ થવાનાં કારણો : આયુર્વેદના મતે શિરોરોગ ઉત્પન્ન થવામાં અનેક કારણો ભાગ ભજવે છે : ધુમાડો, તાપ, તુષાર (ઝાકળ, હિમ), વધુ પડતી જળક્રીડા (સ્નાન, તરણ), અતિનિદ્રા, અતિજાગરણ, ઊંચા સ્થાનેથી આવતો પૂર્વ દિશાનો પવન, આંસુ અટકાવવાં કે વધુ પડતું રડવું, ખૂબ જ પાણી પીવું કે વધુ દારૂ કે આલ્કોહૉલિક પ્રવાહી પીવાં, પેટમાં કૃમિ (worms) થવા, ઝાડા-પેશાબના કુદરતી વેગો પરાણે અટકાવવા; વધુ પડતું દોડવું કે કૂદવું, એકીનજરે ઝીણું બારીક કામ (વાચન-લેખન, ચિત્રકામ, ભરત-ગૂંથણ, હીરા ઘસવા, કમ્પ્યૂટર પર વધુ કલાકો બેસવું) કરવું, ખરાબ દુર્ગંધ, સડેલું કે વાસી-વિકૃત અન્ન ખાવું, ખૂબ મોટેથી વધુ કલાકો સુધી ભાષણ દેવાં; ખૂબ ચિંતા, વિચારો કે ઉપાધિ કરવાં; શોક કે આઘાતજનક સમાચારો મળવા, શરીરમાં કોઈ ગંભીર રોગ પેદા થવો, મસ્તકમાં ગાંઠ થવી કે વધુ જલીય અંશનું ભરાવું, માથામાં ઠંડો પવન વધુ લાગવો કે ભારે તાપથી લૂ લાગવી, ભારે અવાજો (બૉમ્બ-ધડાકા, કારખાનાંના મોટા અવાજો) વધુ સમય સાંભળવા; કોઈ પ્રતિકૂળ ઔષધિના સેવનથી થતી આડઅસર અને કંટાળાજનક કામ પરાણે કરવાં વગેરે. આ બધાંને કારણે માથાનાં દર્દો કે શિરોરોગ થાય છે. એને ‘શિર:શૂલ’ પણ કહે છે.

શિરોરોગના પ્રકારો : આયુર્વેદના મતે 11 જાતના શિરોરોગ છે : વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ, રક્તજ, ક્ષયરોગજન્ય, કૃમિરોગજ, સૂર્યાવર્ત, અનંતવાત, અર્ધાવભેદક અને શંખક.

વિવિધ શિરોરોગનાં લક્ષણો : (1) વાતજ : દેખીતા કોઈ કારણ વિના માથામાં તીવ્ર પીડા, શૂળ, સબાકા થાય અને જે પીડા રાત્રે વધુ થાય અને સવારે સ્વત: શાંત થાય, જેમાં માથે કપડું જોરથી બાંધવાથી કે માથે માલિસ કરવા કે દબાવવાથી કે વરાળ લેવાથી પીડા શાંત થાય કે જેમાં તેલ-માલિસ કરવાથી કે પીડાનાશક મલમ (પેઇન બામ) લગાડવાથી દર્દ શાંત થાય તે વાતજ શિરોરોગ છે.

(2) પિત્તજ : જેમાં માથું બળતા અંગારા જેવી પીડાવાળું અને ગરમ થાય, આંખ લાલ થાય, નાકમાંથી ધુમાડા જેવું નીકળે, બપોરે કે મધ્યરાત્રિએ જેમાં પીડા સૌથી વધુ થાય અને ઠંડા ઉપચારથી કે રાત્રે-સવારે જેની પીડા શાંત થાય, તે પિત્તજ શિરોરોગ છે.

(3) કફજ : જેમાં માથું કફદોષથી ભરાઈને ભારેખમ થઈ જાય, માથું ખૂબ જકડાઈ જાય કે બહેરા જેવું (સંજ્ઞાશૂન્ય) થઈ જાય, માથું સ્પર્શમાં ઠંડું જણાય, મોં અને આંખના ખાડામાં સોજો જણાય, ઠંડાં પવન-પાણીથી જેમાં દર્દ વધે અને ગરમ ઉપચારોથી દર્દ-પીડા શાંત થાય, તેને કફજ શિરોરોગ કહે છે.

(4) ત્રિદોષજ કે સન્નિપાતજ : આ પ્રકારમાં વાયુ, પિત્ત અને કફ  આ ત્રણેય દોષોનાં મિશ્ર લક્ષણો જોવા મળે છે; દા.ત., વાયુદોષથી શૂળ, ચક્કર તથા કંપન; પિત્તથી દાહ, મદ (ઘેન) અને તૃષા તથા કફદોષથી અંગ ભારે થવું, તંદ્રા કે વધુ ઊંઘ જેવાં લક્ષણો થાય છે. આ પ્રકાર ખૂબ કષ્ટસાધ્ય ગણાય છે.

(5) રક્તજ : આ શિર:શૂલમાં બધાં લક્ષણો પિત્તજ શિરોરોગ જેવાં હોય છે. આ પ્રકારમાં મસ્તક-પીડા એવી તીવ્ર હોય છે કે સ્પર્શ પણ સહી શકાતો નથી.

(6) સૂર્યાવર્ત : આ પ્રકારના શિર:શૂલ રોગમાં મસ્તક-પીડાનો પ્રારંભ સૂર્યોદય સાથે શરૂ થાય છે અને સૂર્ય જેમ ઊંચે આકાશમાં ચડે તેમ પીડાની તીવ્રતા આંખ અને ભ્રમર પર વધુ જણાય છે; પરંતુ સૂર્ય અસ્તાચળ તરફ નમતાં પીડા ધીરે ધીરે ઘટતી જાય છે અને સૂર્યાસ્ત થતાં પીડા સાવ શાંત થઈ જાય છે. આ પ્રકાર વાતપિત્તોલ્બણ ત્રિદોષજ શિર:શૂલનો છે.

(7) અનંતવાત : આ શિરોરોગને વાતપ્રધાન ત્રિદોષજ પ્રકાર મનાય છે. આ પ્રકારમાં પ્રકુપિત વાયુ, પિત્ત અને કફ – આ ત્રણેય દોષો ગરદનની મન્યા નાડીઓને પીડિત કરીને, ગ્રીવા પાછળના ભાગમાં ભયંકર પીડા પેદા કરે છે. આ પીડા શીઘ્ર જ ફેલાઈને આંખ, ભ્રૂકુટિ અને શંખપ્રદેશ(લમણાં)માં સ્થિર થાય છે. તેથી ખોપરીનાં પડખાંમાં કંપન, હડપચી જકડાવી (હનુગ્રહ) તથા નેત્રના અનેક રોગ પેદા થાય છે. આ રોગને નંદવાયુ (trigeminal neuralgia) પણ કહે છે.

(8) અર્ધાવભેદક (આધાશીશી  migrain કે hemicrania) : પોતાનાં કારણોથી પ્રકુપિત થયેલો વાયુ એકલો અથવા કફ સાથે ભળીને બળવાન થઈ મસ્તકના અર્ધા ભાગને જકડીને ગરદન, ભ્રૂકુટિ, શંખ (લમણાં), કાન, કપાળ તથા નેત્ર જેવાં અંગોમાં શસ્ત્રથી કાપવા જેવી અથવા અગ્નિથી બાળવા જેવી કે વલોણીથી મથવા જેવી ખૂબ તીવ્ર પીડા પેદા કરે છે. અર્ધા મસ્તકમાં પીડા થતી હોઈ, તેને ‘અર્ધાવભેદક’ કે ‘આધાશીશી’ કહે છે.

(9) શંખક : દુષ્ટ થયેલ રક્ત, પિત્ત અને વાયુ સાથે મળીને મસ્તકના શંખપ્રદેશ(આંખના ખૂણા બહારનો, લમણાનો ભાગ)માં દાહ, લાલાશ, સોજા સાથે તીવ્ર પીડા પેદા કરે છે. વિષ સમાન તીવ્ર વેગવાન આ રોગ મસ્તક અને ગળાને અવરોધે છે અને તેની સમયસર યોગ્ય સારવાર ન થાય તો રોગીના પ્રાણ પણ હરી લે છે. આ રોગમાં પિત્તાધિક ત્રિદોષ કારણભૂત ગણાય છે. આ શિર:શૂલને cerebral apoplexy સાથે સરખાવી શકાય.

(10) ક્ષયજ શિરોરોગ (શિર:શૂલ) : આ પ્રકારનું શિર:શૂલ પાંડુ, ટી.બી. અંકુશમુખ કૃમિ (હૂકવર્મ), મધુપ્રમેહ તથા જીર્ણજ્વર જેવા સાર્વદૈહિક અને ચિરકાલીન રોગો અને અતિમૈથુન-જનિત વીર્યક્ષયથી શરીરની ચરબી, રક્ત અને કફનો ક્ષય (ઘટાડો) થવાથી પેદા થાય છે. મસ્તકમાં રહેલા રક્ત અને ચરબી-કફનો કોઈ કારણે વધુ ક્ષય (ઘટાડો) થાય તો તેથી પ્રકુપિત વાયુ ખાલી સ્થાને ભરાઈને આખા માથામાં તીવ્ર પીડા કે દુખાવો પેદા કરે છે. આચાર્ય વિદેહના મતે આ પ્રકારમાં વાયુ અને પિત્તનો દોષ વધુ રહે છે; જેથી ભ્રમ (ચક્કર), સોય ભોંકાવા જેવી પીડા, શિર:શૂન્યતા (ખાલી લાગવું), મૂર્ચ્છા તથા અંગાવસાદ જેવાં લક્ષણો પ્રગટે છે. અહીં ‘ક્ષય’ને ‘દેહધાતુક્ષય’ના અર્થમાં સમજવાનો રહે છે.

(11) કૃમિજ શિરોરોગ : ઘણીવાર અયોગ્ય આહારને કારણે મસ્તકમાં કૃમિ (જંતુ) પેદા થાય છે. આ કૃમિઓ માથાના રક્તનું પાન કરીને મસ્તકમાં ભયંકર પીડા (શિર:શૂલ) પેદા કરે છે. તેમાં સોય ભોંકાવા જેવી પીડા, માથામાં કંઈક ખવાતું હોય તેવો અનુભવ અને મસ્તક(લમણાં)ની નાડીઓમાં સ્ફુરણ કે ગતિનો અનુભવ થવો તથા નાકમાંથી પરુયુક્ત જળનો સ્રાવ થવા સાથે અસહ્ય પીડા થાય છે. કદી કદી આ સ્રાવમાં કૃમિ (જંતુ) અને લોહી પણ પડે છે. આ જંતુઓ રક્તાધીન હોઈ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. આ ખૂબ ભયંકર પ્રકારનો શિરોરોગ છે. તેની તીવ્ર અવસ્થામાં ચિત્તવિભ્રંશ, તાવ, ખાંસી, બલહાનિ, શિરમાં રુક્ષતા, સોજો, દાહ, ભોંકાવાની પીડા, ફાટવા જેવી પીડા તથા દુર્ગંધ પેદા થાય છે. કપાળ, તાળવાં અને માથાંમાં ખૂજલી અને શુષ્કતા થાય છે. ઘણીવાર નાકમાંથી લાલ રંગનો લોહી જેવો સ્રાવ અને કાનમાં ઝણઝણાટી થાય છે. પેટમાં ગંડૂપદ કે અંકુશમુખ કૃમિ (worms) પેદા થવાથી પણ ક્વચિત્ રક્તાલ્પતા થઈ માથામાં શિર:શૂલ થાય છે. પરંતુ તેનો સમાવેશ વાતજ કે ક્ષયજ શિરોરોગમાં થઈ જાય છે. આ ઉપરાંત અમ્લપિત્ત, કબજિયાત, નેત્રરોગ, રક્તદબાણ, તાવ જેવા રોગોથી પણ શિર:શૂલ થાય છે.

શિરોરોગ ચિકિત્સા : શિરોરોગમાં સર્વપ્રથમ ‘નિદાનપરિવર્જન’ અર્થાત્ રોગ પેદા કરતા કારણનો ત્યાગ અને બીજી દોષોની પ્રબળતા અનુસાર સારવાર જરૂરી છે. ચિકિત્સામાં શીતોપચાર (રક્તજ કે પિત્તજ પ્રકારમાં) અને ઉષ્ણોપચાર (વાતજ કે કફજ પ્રકારોમાં) મુખ્યત્વે થાય છે. હવે પ્રકારો મુજબ સારવાર નીચે પ્રમાણે થાય છે :

(A) વાતજ શિર:શૂલ : (1) સૂંઠ કે તજનું ચૂર્ણ પાણીમાં ગરમ કરી, કપાળે તેનો લેપ કરવામાં આવે છે અથવા પેઇન બામ કે સરસિયું તેલ ગરમ કરી કપાળે ઘસાય છે. વળી કઠ, સૂંઠ અને એરંડાના મૂળનું ચૂર્ણ છાશમાં વાટી, ગરમ કરી તેનો લેપ પણ કપાળે થાય છે. (2) રાતે સૂંઠ, તજ, ગોળના ગરમ ઉકાળામાં દિવેલ 1થી 2 ચમચી 3થી 4 દિવસ રોજ લેવામાં આવે છે. ઉપરાંત લસણ તેલમાં કકડાવી, નમક ભભરાવીને ખવાય છે. (3) શ્વાસકુઠારરસની ભૂકીનું અથવા સૂંઠ, ગોળ, દૂધનું પ્રવાહી બનાવી, તેનું કે ગરમ દિવેલનું નસ્ય (ટીપાં) લેવાય છે. (4) નગોડ ને વજ, તલ કે સરસિયાના તેલમાં ઉકાળાય છે, એ પછી તે તેલ જરા ગરમ રહે ત્યારે આખા માથે સારી રીતે તેનું માલિસ કરાય છે.

(B) પિત્તજ શિર:શૂલ : આ પ્રકારમાં ઠંડા પદાર્થો અને ઠંડાં હવા-પાણીનો ખાસ ઉપયોગ કરવાનો હોય છે. (1) સો વાર પાણીમાં ધોયેલા અથવા સાદા ગાયના ઘીનું કપાળે-માથે માલિસ કરાય છે. એ રીતે ભાંગરા, દૂધી, આમળાં, ચંદન જેવી ઠંડી ઔષધિઓથી સિદ્ધ કેશતેલનું પણ આખા માથે (વાળમાં) માલિસ કરી શકાય છે. (2) આ રોગમાં રક્તમોક્ષણ (લોહી ખેંચાવવું) પણ લાભપ્રદ થાય છે. (3) પથ્યાદિ ક્વાથ કે અભયાદિ ક્વાથમાં સાકર ઉમેરી રોજ સવાર-સાંજ લેવામાં આવે છે. (4) ગોદંતી ભસ્મ, પ્રવાલપિદૃષ્ટિ અને કામદૂધા રસ 11 રતી ઘી અથવા માખણ અને સાકર સાથે ચાટણ તરીકે લેવાય છે. (5) સાદો કે સુવર્ણયુક્ત સૂતશેખર રસ દૂધ કે ઘી સાકર સાથે લેવાય છે. (6) કપાળે ચંદન, વાળો, કમળપાંદડી, જેઠીમધ અને આમળાના ચૂર્ણનો ઠંડો લેપ કરાય છે. (7) ગાયના ઘૃત કે શતાવરી ઘૃતનું નસ્ય લેવામાં આવે છે.

(C) કફજ શિરોરોગ : (1) આ પ્રકારના શિર:શૂલમાં ઉપવાસ કરાય છે. વરાળનો બાફ, સૂંઠવાળું ગરમ પાણી તથા એકદમ હળવો, સૂકો, લૂખો, કડવો, તૂરો, તીખો ખોરાક લેવાય છે. (2) કપાળ ઉપર સૂંઠનો લેપ કરાય છે અથવા વાતજ શિર:શૂલમાં બતાવેલા ઉપચારો કરાય છે. (3) નવસાર, ચૂનો અને કપૂરનું મિશ્રણ શીશીમાં ભરી ધીરેથી સૂંઘાય છે. (4) પથ્યાદિ ક્વાથ અને મહાલક્ષ્મીવિલાસરસની ટીકડી લેવાય છે. (5) જૂના ઘીથી સ્નેહન કરાવ્યા પછી તીખા-કડવા ઔષધોથી ઊલટી કરાવાય છે. (6) આદાનો કે તુલસીનો રસ મધ નાખીને પિવાય છે અને કાયફળના ચૂર્ણને છીંકણીની જેમ સૂંઘાય છે. વળી ષડબિંદુ તેલનું નસ્ય પણ લઈ શકાય છે.

(D) ત્રિદોષજ શિરોરોગ : આ પ્રકારમાં જૂનું ઘી યોગ્ય માત્રામાં દર્દીને અપાય છે. તે સાથે નાકમાં ષડબિંદુ તેલનાં ટીપાં નંખાય છે. તે ઉપરાંત દોષની પ્રધાનતા અનુસાર યોગ્ય ઉપચારો યોજવામાં આવતા હોય છે.

(E) રક્તજ શિર:શૂલ : (1) આ પ્રકારમાં પિત્તજ શિરોરોગમાં દર્શાવેલા ઉપચારના પ્રયોગો કરાય છે. વળી તેમાં ખાસ કરી માથે શીતળ કે ગુલાબજળવાળા જળની ધાર કરવામાં આવે છે. વળી દૂર્વા(ધરો)ના પાનનો લેપ કપાળે કરાય છે. ધરોનો કે સાકર નાંખીને ગળોનો રસ પિવાય છે. (2) ઠંડા અને ગરમ ઉપચાર વારાફરતી કરવામાં આવે છે. (3) નસમાંથી લોહી ખેંચાવાય છે કે રક્તાવસેચન કરાવાય છે. (4) દૂધમાં ચપટી સૂંઠ તથા સાકર નાંખી, તેનું નસ્ય લેવાય છે અથવા કમળ અને રાસ્ના પાણીમાં વાટી તેનો કપાળે લેપ કરાય છે કે કપાળે શતધૌત ઘૃત ઘસવામાં આવે છે. (5) ઉદુમ્બરાવલેહ 2-2 ચમચી સવાર-સાંજ પિવાય છે. પથ્યાદિ ક્વાથ સાથે સૂતશેખરરસ અને કામદૂધારસની 1-1 ટીકડી પણ લઈ શકાય છે. (6) રીંગણીનાં ફળોનો રસ કાઢીને કપાળે મસળી શકાય છે.

(F) ક્ષયજ શિરોરોગ : (1) રોગીને પથારીમાં સંપૂર્ણ આરામ આપવામાં આવે છે. તેને શ્રમથી બચાવાય છે. તેને પૌદૃષ્ટિક અને સુપાચ્ય હળવો ખોરાક દેવાય છે. (2) વળી તેને છાગલાદ્ય ઘૃત કે કાશ્મર્યાદિ ઘૃત કે અશ્વગંધા ઘૃતનું સેવન કરાવાય છે. (3) શતાવરી તેલ કે ચંદનબલા તેલનું માથે માલિસ કરાવાય છે. (4) વાતનાશક મધુર અને સ્નિગ્ધ (ઘીમાં બનાવેલા) ખોરાક લેવાય છે અને ઘીનું નસ્ય પણ લેવામાં આવે છે. દર્દીને ઘી, ગોળ અને પૂરી ખાવા દેવાય છે. (5) દર્દીને દૂધમાં ઘી નાંખી નસ્ય દેવાય છે. દૂધમાં બદામ, ચારોળી, સાકર ને ચોખા નાંખી, ખીર બનાવી, તેમાં ઘી નાંખી લેવાય છે. વળી કપાળે બદામના તેલનું માલિસ કરવામાં આવે છે. (6) વાસાદિ ઘૃત, જટામાંસી ઘૃત, ચ્યવનપ્રાશાવલેહ તથા લક્ષ્મીવિલાસ રસ ઘી + મધ સાથે લેવાય છે. જીવનીય ગણ તથા વાત-પિત્તહર ઔષધિઓથી બનેલા ઉકાળામાં ઘી સિદ્ધ કરી તેનું પાન કરાય છે.

(G) કૃમિજ શિરોરોગ : (1) સૂંઠ, મરી, લીંડીપીપર, કરંજની છાલ અને સરગવાની છાલના ચૂર્ણમાં બકરીનું મૂત્ર નાંખી, વાટીને, તેના પ્રવાહીનું અથવા કાંટાસરિયાનાં પાનનો રસ અને ઘી મેળવી તેનું નસ્ય લેવાય છે. વળી લીમડાનાં પાન અને મરી વાટી, તેના રસનાં નાકમાં ટીપાં પાડવામાં આવે; જેથી કૃમિ નાક વાટે બહાર પડશે. આ રોગમાં રક્તમોક્ષણ કરાવવું હિતાવહ નથી. (2) અઘેડાના કલ્કમાં તેલ સિદ્ધ કરી તેનું અથવા સરગવાનાં બી મોરથૂથાના દ્રાવણ સાથે વાટીને તેનું નસ્ય લેવાથી કૃમિ મરી જાય છે અને શિર:શૂલ મટે છે. (3) અરીઠાના પાણીનાં 2થી 4 ટીપાં નાકમાં પાડવાનો પણ એક ઉપાય છે. (4) વાવડિંગ, સાજીખાર, દંતીમૂળ અને હિંગને ગોમૂત્રમાં વાટી, તે કલ્કમાં સરસવ તેલ નાંખી, ઉકાળીને સિદ્ધ કરી તે નાકમાં નંખાય છે. (5) આ નસ્ય સાથે પથ્યાદિ ક્વાથ રોજ સવાર-સાંજ આપવો જરૂરી છે.

(H) સૂર્યાવર્ત : (1) સૂર્યોદય થતાં પહેલાં જ દર્દીને જલેબી અને દૂધ કે ઘી-સાકરનો શીરો કે લાડુ ખવડાવાય છે. (2) દૂધને જરાક ગરમ કરી, તેમાં થોડું ઘી મેળવી તેનું નસ્ય લેવાય છે. એ રીતે 2થી 3 પતાસાં સળગતા અંગારા પર નાંખી તેની ધુમાડી પણ લેવાય છે. ભાંગરાના રસમાં થોડું બકરીનું દૂધ મેળવી તેનું નસ્ય પણ લઈ શકાય છે. (3) સૂર્યોદય પૂર્વે ગોદંતી ભસ્મ, પ્રવાલ ભસ્મ અને કામદુધા રસ 250-250 મિગ્રા. લઈ, તેમાં એલચી દાણાનું ચૂર્ણ તથા સાકર ઉમેરી ઘી સાથે તે દર્દીને ચટાડાય છે. કદીક ઘીના બદલે દહીં પણ લેવાય છે. (4) આ રોગમાં શિરાવેધ દ્વારા રક્તમોક્ષણ કરાવવું લાભપ્રદ બને છે. તે સાથે જુલાબ પણ લાભદાયી છે. દર્દીએ ભોજનમાં ગરમ પદાર્થો ત્યજવા જરૂરી છે. (5) ગરમાળાનાં પાનનો રસ 1 લિટર તપેલીમાં લઈ, તેમાં 100 ગ્રામ જીરાનું ચૂર્ણ તથા 200 ગ્રામ માખણ મેળવી, ઘી પકાવી, તેનું નસ્ય લેવાથી તથા તે ખાવામાં લેવાથી સૂર્યાવર્તમાં લાભ થાય છે. (6) પથ્યાદિ ક્વાથ સાથે લઘુ કે સુવર્ણ સૂતશેખર રોજ સવાર-સાંજ લેવો લાભપ્રદ છે.

(I) અનંતવાત (ટ્રિજેમિનલ ન્યૂરેલ્જિયા) શિરોરોગ : (1) આ રોગમાં સૂર્યાવર્ત રોગમાં બતાવેલા ઉપચારો કરી શકાય છે. (2) દર્દીને મધ, દહીંની મલાઈ (તર), ઘેબર, ઘી તથા પૂરી જેવા વાતપિત્તનાશક ખોરાક અપાય છે. (3) અરીઠાના પાણીનું આંખે અંજન કરાય છે. દરરોજ પથ્યાદિ ક્વાથ સવાર-સાંજ ગોળ નાંખીને દર્દીને પિવડાવાય છે. (4) 1 ચમચી ઘીમાં કેસરની 4-5 પાંખડીઓ ખરલમાં ઘૂંટી, તેમાં થોડી સાકર મેળવી, તે દ્રાવણનું નસ્ય લેવાય છે. (5) આ રોગમાં વૈદ્યની સલાહાનુસાર નિદ્રોદયરસ, ભલ્લાતકાવલેહ, દ્રાક્ષાવલેહ, સર્પગંધા ઘનવટી, વાતવિધ્વંસક રસ, સમીરપન્નગ રસ, બૃહદ્વાત ચિંતામણિરસ તથા બ્રાહ્મી ઘૃતનો ઉપયોગ લાભપ્રદ બને છે. (6) આ રોગમાં હાથની શિરામાંથી લોહી કઢાવવું (રક્તમોક્ષણ) લાભપ્રદ છે. (7) પથ્યાદિ ક્વાથ, ત્રયોદશાંગ ગૂગળ, મહાનારાયણ તેલનું માલિસ તથા સ્વાદિષ્ટ વિરેચન જેવાં ઔષધોનો પ્રયોગ પણ લાભપ્રદ બને છે.

(J) અર્ધાવભેદ (આધાશીશી) : (1) બકરીના દૂધમાં સૂંઠનું બારીક ચૂર્ણ ભેળવી, ગોળ કે સાકર મેળવી, તેનું નસ્ય લેવાય છે. (2) સરગવાનાં પાનનાં રસમાં મરી ખરલ કરી તેનો અથવા ઉપલેટ (કઠ), એરંડમૂળ અને કુંવાડિયાનાં મૂળનું ચૂર્ણ કાંજીમાં વાટી તેનો કપાળે લેપ કરાય છે. ઘીમાં કેસર ખરલમાં ઘૂંટીને તેનાં નાકમાં ટીપાં પાડવામાં આવે છે. વળી ધરોનો અને તુવેરના પાનનો રસ એકત્ર કરી તેનું નસ્ય પણ લઈ શકાય છે. (3) મરી અને ચોખા ભાંગરાના રસમાં વાટી તેનો કપાળે લેપ કરાય છે. (4) રાસ્ના, સૂંઠ, વાવડિંગ, એરંડાનાં મૂળ, ત્રિફળા અને દશમૂળ તથા હરડેનો ઉકાળો કરી તેનું અથવા પથ્યાદિ ક્વાથનું રોજ પાન કરાય છે. (5) દૂધનો માવો સાકર મેળવી સવારમાં ખાવો કે આમળાનું ચૂર્ણ ઘી-સાકર સાથે રોજ સવાર-સાંજ ચાટવું કે ચોખ્ખું ઘી નાકમાં રોજ ટપકાવવું જરૂરી છે. (6) દૂધમાં બદામ, ખસખસ, ચારોળી, કિસમિસ અને સાકર નાંખી ઉકાળીને તે દૂધ રોજ પી શકાય છે. (7) ઘી કે દિવેલ પાઈને જુલાબ કરાવાય છે. ષડબિંદુ તેલ કે ઘૃતનું નસ્ય લેવાય છે. (8) મહાલક્ષ્મીવિલાસ રસની 1-1 ગોળી સાથે શિર:શૂલાદિ વજ્રરસની 1-1 ગોળી લેવાય છે. સિતોપલાદિ ચૂર્ણમાં ગોદંતી ભસ્મ તથા સૂતશેખર રસ મેળવી ઘી કે મધમાં તે ચટાડાય છે. રાતે શિવાક્ષાર પાચનચૂર્ણ 1 નાની ચમચી જેટલું પાણીમાં લેવાય છે. (9) કફપ્રધાન દર્દમાં – ત્રિભુવન-કીર્તિરસ, સૂતશેખર, વાતવિધ્વંસ રસ, સર્પગંધા ચૂર્ણ અને વસંતમાલતી રસની 1-1 ગોળી મધ સાથે બે વાર લેવાય છે.

(K) શંખક શિરોરોગ : (1) કેસર અને સાકર સમભાગે લઈ, તે બંને જેટલું ઘી અને ઘીથી ચાર ગણું પાણી લઈ ઉકાળાય છે. ઘી બાકી રહે ત્યારે તે ઉતારીને તેનું રોજ નાકમાં નસ્ય નાખવામાં આવે છે. (2) લીમડો, દારુહળદર, મજીઠ અને પદ્મકાષ્ઠનો લેપ કપાળે કરાય છે. કરંજ અને સરગવાનાં બિયાં, તમાલપત્ર, સરસડો અને તજના ચૂર્ણનું નસ્ય લેવાય છે. દેવદાર, તગર, કઠ, વાળો અને સૂંઠનું ચૂર્ણ કાંજીમાં વાટી, તેમાં તેલ નાંખી તેનો કપાળે લેપ કરાય છે. તે સાથે રોજ પથ્યાદિ ક્વાથ સવાર-સાંજ પીવો જરૂરી છે. (3) આ રોગમાં વૈદ્યની સલાહ મુજબ ગુંજાદિલેપ, પાઠાદિલેપ, કાળા મરીનો લેપ; ષડ્બિંદુ તેલ, દશમૂળ તેલ, ધત્તૂરપત્રાદિ તેલ કે કુમારી તેલનું નસ્ય અપાય છે. મયૂરાદ્ય ઘૃતનો ઉપયોગ ખાવામાં કરાય છે. રસૌષધિઓમાં શિર:શૂલાદિ વજ્રરસ, મહાલક્ષ્મીવિલાસ રસ, દન્તીપ્રવાલ યોગ કે બૃહદ્વાત ચિંતામણિ રસ કે દશમૂળ ક્વાથ લેવાથી લાભ થાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા