શિગા નાઓયા (. 20 ફેબ્રુઆરી 1883, ઇશિનોમાકી મિયાગી પિફેક્ચર, જાપાન; . 21 ઑક્ટોબર 1971, ટોકિયો) : આધુનિક જાપાની નવલકથાકાર. તેમની ‘શિગા શૈલી’ ખૂબ જાણીતી બની છે. સાહજિક કોમલતા અને મિતાક્ષરીપણું તેનાં નોંધપાત્ર લક્ષણો છે. સમૂરાઈ પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતૃપક્ષે દાદાદાદી પાસે ટોકિયોમાં તેમનો ઉછેર થયેલો. માંડ બે વર્ષની ઉંમર હશે તે વખતે તે ત્યાં રહેતા હતા. સમજણા થયા ત્યારે શિક્ષણશાસ્ત્રી ઉચિમુરા કાન્ઝૉના વિચારોનો તેમના પર પ્રભાવ પડેલો. જોકે ખ્રિસ્તી ધર્મની કોઈ પ્રબળ અસર તેમના પર થઈ હોય તેમ લાગતું નથી. 1906માં પિયર્સ સ્કૂલમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ ટોકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ તેમણે શરૂ કર્યો; પરંતુ બે વર્ષ પછી કોઈ પણ ઉપાધિ મેળવ્યા વગર તેમણે ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું. 1910માં શાળાના જૂના મિત્રો મુશાનોકૉ-જી સાનીત્સુ, આહિશિમા તાકિયો, સતોમી તોન અને અન્ય સાથે મળીને ‘શિરાકાબા’ (વ્હાઇટ બર્ચ) નામના સામયિકની સ્થાપના કરી. સાહિત્ય માટે વ્યક્તિવાદ અને ટૉલ્સ્ટૉયના માનવતાવાદનાં મૂલ્યો જાળવવા માટે તેમાં લેખો પ્રગટ થવા લાગ્યા.

નાઓયા શિગા

1920 સુધી આ વાદ બરોબર ચાલ્યો. જોકે શિગાને પોતાને પોતાના સાહિત્યમાં વાસ્તવિકતા વિશેના વિચારોને વ્યક્ત કરવામાં કંઈક ઊણું ઊતરતું લાગ્યું. શિગા પોતાના મિત્રોથી અલગ થવા લાગ્યા. તેમની શૈલીમાં પણ બદલાવ આવ્યો. તેમની શૈલીની સાદાઈ વધુ ને વધુ દૃષ્ટિગોચર થતી ગઈ. હવે તેઓ ભાવાત્મક ચિંતન પણ કરતા. ભાવુકતાથી અલગ એવી ધિંગી અભિવ્યક્તિમાં તેમનું મન ઠરતું. ટૂંકી વાર્તાના રચયિતા તરીકે તેમનું નામ જાણીતું થવા લાગ્યું. પોતાનાં લખાણોમાંથી તેમનું ભરણપોષણ થાય તેવું બન્યું નહિ. શિગાની નવલકથાઓમાં કુટુંબની વ્યક્તિઓના સંકુલ સંબંધોની અભિવ્યક્તિ છે. લેખકના નાયકોના મનોવ્યાપારો આત્મકથનાત્મક શૈલીમાં થયા છે. ‘વકાઈ’ (1917) (રિકન્સિલિયેશન) ટૂંકી વાર્તા છે. ‘ઍન’ યા કૉરો’ (બે ભાગમાં, 1921 અને 1937) દીર્ઘ નવલકથા છે. ‘અ ડાર્ક નાઇટ્સ પાસિંગ’(1976)માં નાયક મનની શાંતિની શોધમાં છે, કારણ કે પરિવાર અને વ્યક્તિગત સંઘર્ષમાં તે ખૂબ ખૂબ પરેશાન થઈ ગયેલ છે. ‘કિનોસાકી નાઇત’ (1917)(‘એટ કિનોસાકી’, 1975)માં લેખક પોતાના મનના સંઘર્ષની જ વાત કરે છે. ‘ઍન’ યા કૉરો’ તેમનું એક નોંધપાત્ર સર્જન લેખાય છે.

વિ. પ્ર. ત્રિવેદી