શિખાચક્રણ (nutation) : સ્થાયી વનસ્પતિઓનાં અંગોમાં અસમાન વૃદ્ધિને કારણે થતું વળાંકમય હલનચલન. આવું હલનચલન સ્વયંપ્રેરિત (autonomous) હોય છે. સહેજ ચપટું પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ(twinning plants)ની અગ્રકલિકા એક સમયે અક્ષની એક બાજુએ બાકીના ભાગ કરતાં વધારે પડતી વૃદ્ધિ દાખવે છે અને થોડાક સમય પછી તેની વિરુદ્ધની બાજુએ વધારે પ્રમાણમાં વૃદ્ધિ સાધતાં પ્રરોહાગ્ર એકાંતરિક રીતે પહેલાં એક બાજુએ અને પછી વિરુદ્ધની બાજુએ વળાંક દર્શાવે છે. તેથી વાંકુંચૂકું હલનચલન (સંચલન) થાય છે, તેને શિખાચક્રણ કહે છે. વનસ્પતિઓમાં આ પ્રકારનું હલનચલન સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને નોંધ્યું હતું. શિખાચક્રણ પ્રકાંડ, મૂળ અને પુષ્પદંડના અગ્રભાગે પણ જોવા મળે છે.

પ્રકાંડ-અગ્રનું શિખાચક્રણ અંશત: ગુરુત્વાકર્ષણનું પરિણામ છે. વેષ્ટનશીલ વનસ્પતિઓનાં પ્રકાંડ-અગ્ર સામાન્યત: લાંબાં, પાતળાં અને પર્ણહીન હોય છે. તેમની આધારપેશીઓ સુવિકસિત હોતી નથી. એટલે પ્રકાંડ-અગ્ર સામાન્ય રીતે વત્તેઓછે અંશે અનુપ્રસ્થ સ્થિતિમાં રહે છે. પ્રકાંડની બહારની નીચેની બાજુએ વૃદ્ધિ વધારે ઝડપી રીતે થવાથી અગ્રનું ઊર્ધ્વવર્તી વળાંકરૂપ હલનચલન થાય છે. આ વૃદ્ધિ સાથે પ્રકાંડ અમળાય છે. આ અમળાવાની ક્રિયા અગ્રભાગના જુદા જુદા ખંડો એક પછી એક પ્રકાંડની નીચલી બાજુએ જતાં થતી અસમાન વૃદ્ધિને કારણે ઉદ્ભવે છે. આમાં અનુપ્રસ્થ સ્થિતિમાં રહેલાં પ્રકાંડોનાં નીચલાં અર્ધમાં ઑક્ઝિન જેવા વૃદ્ધિ-પદાર્થોની જમાવટ થતી હોવાની શક્યતાને લીધે શિખાચક્રણ પ્રકારનું હલનચલન થતું હોય છે. આવું હલનચલન નરી આંખે જોઈ શકાતું નથી; કારણ કે તેમાં પ્રકાંડ-અગ્રનો વૃદ્ધિદર ખૂબ જ ધીમો હોય છે; જ્યારે નળાકાર પ્રકાંડ ધરાવતી વનસ્પતિના પ્રરોહાગ્રમાં ક્રમિક રીતે અને નિયમિતપણે વર્તુલાકાર – કુંતલમય વૃદ્ધિ થાય છે. આ હલનચલનને પરિશિખાચક્રણ (circumnutation) કહે છે; દા. ત., મધુમાલતી જેવી કાષ્ઠમય વેષ્ટનશીલ લતામાં આ સ્થિતિ જોવા મળે છે.

યોગેશ ડબગર