શાહ, શાંતિભાઈ (જ. 30 ઑગસ્ટ 1897, આમોદ; અ. 5 એપ્રિલ 1984) : ગાંધી આંદોલનમાં ભાગ લેનારા અને મુંબઈ રાજ્યના પૂર્વ મંત્રી.
પિતાનું નામ હરજીવન શાહ. શાંતિભાઈ શાહ મોટા વિદ્વાન, બુદ્ધિજીવી અને મૂલ્યનિષ્ઠ લોકસેવક. હોશિયાર હતા તેથી તે જમાનાની ભાઈશંકર કાંગા ઍન્ડ ગિરધરલાલ સૉલિસિટર કંપનીમાં જોડાઈને જાતમહેનતથી સૉલિસિટર બની કંપનીમાં ભાગીદાર બનેલા.
આઝાદી પૂર્વે દેશી રજવાડામાં જવાબદાર રાજ્યતંત્રની ચળવળના અનન્ય લડવૈયા એવા અમૃતલાલ શેઠના પરિચયમાં આવ્યા. ઉપરાંત સરદાર પૃથ્વીસિંહ ભાવનગરમાં જે વ્યાયામપ્રવૃત્તિ ચલાવતા હતા તેમાં પણ જોડાયા. ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી પરત આવ્યા પછી જે અસહકારનું આંદોલન ચાલ્યું તેમાં ભાગ લેવા બદલ શાંતિભાઈને પંદર મહિનાની સજા થઈ હતી. તે પછી તો ટુકડે ટુકડે પાંચેક વર્ષ માટે શાંતિભાઈએ જેલવાસ વેઠ્યો હતો.
1935-36માં શાંતિભાઈ ધારાસભાની ચૂંટણી જંબુસર વિસ્તારમાંથી લડ્યા હતા. ગામના પટેલે દલિતોને ધમકી આપેલી કે આ મોટા શેઠને મત નહિ આપો તો ચામડાં ચીરી નાખીશ. શાંતિભાઈને ખબર પડી ત્યારે તેમણે જાહેર સભામાં કહ્યું કે તમે મત આપજો પણ તમારા ચામડાં કોઈ ચીરી ન નાખે એ માટે કૉંગ્રેસનું રાજ લાવવાનું છે. પટેલ ડઘાઈ ગયેલા પણ શાંતિભાઈ મક્કમ અને સ્પષ્ટ વક્તા હતા.
અમૃતલાલ શેઠે 1921માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સ્થાપીને ‘જન્મભૂમિ’ દૈનિક શરૂ કર્યું. તેમાં પ્રારંભથી શાંતિભાઈ કાયદાના સલાહકાર અને ડિરેક્ટર તરીકે જોડાયા. અમૃતલાલ શેઠની નિવૃત્તિ પછી શાંતિભાઈએ જવાબદારી સંભાળી. અવસાન સુધી ટ્રસ્ટી તરીકે ચાલુ રહ્યા. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વેળાએ ‘ફૂલછાબ’ અને ‘નવજીવન’ પ્રેસ વતી હાઈકોર્ટમાં રીટ કરીને સફળતા મેળવેલી. ધારાસભામાં ગયા પછી સરદારના વિશ્વાસુ અંતેવાસી બની રહ્યા. 1952થી 1966 દરમિયાન મુંબઈ રાજ્યના શ્રમ અને કાયદા મંત્રી રહ્યા. કામદારોનાં હિતોની રક્ષા અર્થે કાયદા ઘડવામાં એમનો ઘણો ફાળો રહ્યો.
બાળપણથી થોડા ઉદ્દામવાદી હતા. કોઈ સાધુ મહારાજના પગ ધોઈ તે પાણીનું આચમન કરવાનો ઇન્કાર કરી દીધેલો. પરિણામે 40 વર્ષ સુધી કુટુંબનો બહિષ્કાર થયો, પણ યુવાન શાંતિભાઈ નિર્ભયતાથી પોતાના વિચારોને વળગી રહેલા.
સિદ્ધાંતનિષ્ઠ રાજપુરુષની છાપ ઊભી કરનાર શાંતિભાઈની વિચારસરણી સમાજવાદી હતી. જાહેર કાર્યોથી ખ્યાતિ મેળવવાની કે નાણાકીય લાભ મેળવવાની તેમણે કદી ખેવના રાખી ન હતી. તેથી જ નિસ્વાર્થ લોકસેવક તરીકે જાણીતા બનેલા.
ડંકેશ ઓઝા
