શાહ, શાંતિલાલ અમૃતલાલ

January, 2006

શાહ, શાંતિલાલ અમૃતલાલ (. 13 જાન્યુઆરી 1920; . 27 ફેબ્રુઆરી 2006, અમદાવાદ) : ‘ગુજરાત સમાચાર’ દૈનિકના તંત્રી. વ્યાવસાયિક કારકિર્દી જાહેરખબરની એજન્સીથી શરૂ કરનાર શાંતિલાલ શાહે પત્રકારત્વ અને પ્રકાશનગૃહના એક સંચાલકની ભારોભાર ક્ષમતા દાખવી છે.

શાંતિલાલ અમૃતલાલ શાહ

અમદાવાદના રેલવે સ્ટેશન પાસે આવેલા રેવડી બજાર વિસ્તારમાં આવેલું ‘ગુજરાત સમાચાર’ કાર્યાલય ખાનપુર વિસ્તારમાં 1950માં નવા ‘ગુજરાત સમાચાર’ ભવનમાં ખસેડાયું. દરમિયાન ‘ગુજરાત સમાચાર’ આર્થિક કટોકટીમાં આવી ગયું અને છાપું બંધ કરવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ. તે સમયે લોકપ્રકાશન લિમિટેડના ચૅરમૅન દાદાસાહેબ માવલંકરે શાંતિભાઈમાં વિશ્ર્વાસ મૂકી તેમને સુકાન સોંપ્યું. શાંતિલાલ શાહે ‘ગુજરાત સમાચાર’ને કટોકટીમાંથી ઉગારી લેવાનું બીડું ઝડપ્યું. તેમણે સાહસપૂર્વક ‘ગુજરાત સમાચાર’નું સુકાન સંભાળી લીધું. આર્થિક વિટંબણાઓ તો અનેક હતી પણ ભારે કુનેહપૂર્વક શાંતિભાઈ તેમાંથી માર્ગ કાઢતા ગયા.

શાંતિભાઈમાં એક ઉદ્યોગપતિની કોઠાસૂઝ અને દૂરંદેશી હતી. તેમણે છાપાના સ્ટાફમાં ઉત્તમ પત્રકારોની પસંદગી કરી અને ‘ગુજરાત સમાચાર’ને એક એવા મુકામ પર લઈ ગયા કે તે ગુજરાતનું એક લબ્ધપ્રતિષ્ઠ અખબાર બની ગયું. પ્રજાના હૈયામાં ‘ગુજરાત સમાચાર’ની એક આગવી મુદ્રા અંકિત થઈ. તેમણે છાપાનું સુકાન હાથમાં લીધું ત્યારે ફેલાવો નવ હજાર હતો તે વધીને લાખોની સંખ્યામાં થયો. ગુજરાતી ભાષાનું પ્રથમ પંક્તિનું અખબાર બન્યું.

ગુજરાતી પત્રકારત્વને નવા આયામ આપ્યા. નવા ચીલા ચાતરવાની તેમનામાં હિંમત હતી. સમય જતાં ‘ઝગમગ’, ‘ચિત્રલોક’, ‘શ્રી’ જેવાં સાપ્તાહિકો તેમજ રવિવાર અને બુધવારની પૂર્તિઓ શરૂ થયાં. ત્યારબાદ દૈનિક સાથે રોજેરોજની પૂર્તિ પ્રગટ કરવાની પહેલ પણ તેમના થકી થઈ. પૂર્તિઓ અને નવા વિભાગો દ્વારા દરેક સ્તર, ક્ષેત્ર અને વર્ગના વાચકોને સંતુષ્ટ કરવા તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા. જિલ્લા સ્તરની આવૃત્તિઓ શરૂ કરી સ્થાનિક પ્રશ્નોને વાચા આપી. આજથી 50 વર્ષ પહેલાં માત્ર 1 રૂપિયામાં 200 પાનાંનું પુસ્તક આપી બાળસાહિત્યમાં પણ તેમણે નવો ચીલો પાડ્યો. એમના પુત્રો – પરિવાર દ્વારા એ સિલસિલો આજેય ચાલુ છે.

ગુજરાતની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિનું નજદીકથી નિરીક્ષણ કરવામાં અને તેનું સમીક્ષણ-પરીક્ષણ કરવામાં ‘ગુજરાત સમાચાર’ પત્રનો સિંહફાળો રહ્યો છે. આ સમાચારપત્રના કેન્દ્રમાં શાંતિભાઈ શાહ હોવા છતાં તેઓ પ્રસિદ્ધિથી દૂર રહેતા. 87 વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય હતા.

પોતાના છાપા માટે તેજસ્વી પત્રકારોની પસંદગી, તેમના યોગક્ષેમની નિસબત રાખવામાં અને છાપા સાથે સંકળાયેલા લેખકવૃંદની સંવેદનશીલતાને સાચવીને તેમણે માલિક-કર્મચારીના અનોખા સંબંધો પ્રસ્થાપિત કર્યા છે. અનેક પત્રકારો, લેખકો અને કલાકારોની સુષુપ્ત શક્તિ પ્રકાશમાં લાવવામાં શાંતિભાઈનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.

રજની વ્યાસ