શાહ વજુભાઈ મણિલાલ

January, 2006

શાહ વજુભાઈ મણિલાલ (. 6 ફેબ્રુઆરી 1910, વાવડી, જિ. રાજકોટ; . 9 જાન્યુઆરી 1983, અમદાવાદ) : સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા ગાંધીવાદી રચનાત્મક નેતા. પ્રથમ પંક્તિના આગેવાન, યુવાનોના પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રભાષાના પ્રચારક તેમજ ભૂદાન ચળવળના વાહક.

વજુભાઈ મણિલાલ શાહ

માતાનું નામ સમજુબહેન. પિતા મણિલાલ ફૂલચંદ શાહ એજન્સીની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હતા. લાઠીમાં અભ્યાસનો પ્રારંભ કર્યો. 1928માં મૅટ્રિકમાં ઉત્તીર્ણ થયા બાદ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ગાંધીવિચાર પ્રવાહમાં જોડાતાં જીવનની દિશા બદલાઈ ગઈ. 1929માં લાહોરના કૉંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીની આઝાદી જંગમાં ઝંપલાવવાની હાકલ સાંભળીને તેઓ અભ્યાસ છોડીને ગાંધીપ્રેરિત પ્રવૃત્તિમાં જોડાયા. ધોલેરા સત્યાગ્રહમાં સંકલ્પ કર્યો કે અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં પડીશ નહિ. દેશ કાજે જીવન સમર્પિત કરીશ. આ સંકલ્પ જીવનપર્યંત નિભાવ્યો.

1931થી 1942ના સમય દરમિયાન રાજકીય પ્રવૃત્તિની સાથોસાથ હરિજનસેવા, ખાદી, યુવક મંડળ ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે ભાવનગરથી જૂનાગઢ થઈ પોરબંદર સુધી પદયાત્રા કરી. 1939માં રાષ્ટ્રભાષાપ્રચારનું કામ શરૂ કરીને સૌરાષ્ટ્ર હિંદીપ્રચાર સમિતિની રચના કરી અને ‘રાષ્ટ્રભાષા’ માસિક ચલાવ્યું. 1942માં ‘હિંદ છોડો’ની લડતમાં ભાવનગરમાં તેમના ભાઈઓના ‘ઇન્કિલાબ’ મકાનમાં સ્વાતંત્ર્ય લડતની છાવણી ચાલતી. વૃદ્ધ માતા-પિતા અને વડીલ બહેન સિવાય બધાં જેલમાં ગયાં. 7 એપ્રિલ 1945નાં રોજ જયાબહેન શાહ સાથે લગ્ન કર્યાં.

1952માં વિનોબાએ ભૂદાન આંદોલન શરૂ કર્યું. સૌરાષ્ટ્રમાં દોઢ મહિના સુધી ચાલેલી વિનોબાજીની પદયાત્રાનું આયોજન અને સંચાલન કરીને તેમની સાથે પદયાત્રા કરી. 1949માં સૌરાષ્ટ્રની બંધારણ સભામાં, તેમજ 1952 અને 1962માં વિધાનસભામાં ચૂંટાયા. 1963માં શ્રી બળવંતભાઈ મહેતાના મંત્રીમંડળમાં જોડાયા.

ગુજરાતના પંચાયત પ્રધાન બન્યા, અને ગાંધીજીનાં વિચાર અને દૃષ્ટિ મુજબ કામ કરવાની કોશિશ કરી. 1967થી 72 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ તરીકે કામગીરી બજાવી. 1969માં કૉંગ્રેસના ભાગલા સમયે કૉંગ્રેસનાં પાયાનાં મૂલ્યોને વફાદાર રહીને અસરકારક ભાગ ભજવ્યો. ગુજરાતના રાજકીય જીવન પર સ્વચ્છ ચારિત્ર્યની અમીટ છાપ મૂકતા ગયા. તેઓની વિશેષતા એ હતી કે રાજકારણના રાગદ્વેષમાં ઘસડાતા તો નહિ પરંતુ સહજ રીતે ઊભા થતાં અન્યના રાગદ્વેષનું પણ શમન કરી તેને નિર્મળ કરવાનું કામ કરતા.

1972માં ગંભીર માંદગીને કારણે જાહેર પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ તરીકે લોકકેળવણી અને રચનાત્મક કાર્ય સાથે મૃત્યુપર્યંત સંકળાયેલા રહ્યા. દમની બીમારી હોવાથી અમદાવાદ અને રાજકોટ વચ્ચે જ રહેતા. રાજકોટમાં રાષ્ટ્રીય શાળાના અતિથિગૃહમાં રહીને પોતાની પ્રવૃત્તિ કરતા. કાર્યકર્તાઓને તૈયાર કરવાની તથા દેશના ઘડતરમાં ઉપયોગી થાય તેવી યોજનાઓ સતત વિચારતા. આવી યોજનાઓને કાર્યાન્વિત બનાવવા ગંભીર માંદગી વચ્ચે પણ ઝઝૂમતા. પોતાના વિચારો લખીને કાર્યકર્તાઓને પહોંચાડતા. અનેક કાર્યકરો એમનું માર્ગદર્શન લેવા આવતા. તેમનું નિવાસસ્થાન જાહેર છાવણીરૂપે રહ્યું.

કોમી રમખાણ સમયે બાદશાહખાન સાથે, પંચાયત પરિષદમાં જયપ્રકાશજી સાથે, મોરારજી દેસાઈ અને એવા અનેક ભારતના અગ્રણી નેતાઓ સાથે કામ કર્યું. પાંચ દાયકાની તેમના દીર્ઘ જાહેરજીવન દરમિયાન ગાંધી-વિનોબાના જીવનમાં જે કાંઈ સત્ય, શિવ, સુંદર હતું તે બધું પોતાના જીવનમાં ઝીલીને તેને લોકો સમજે તેવી સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવા જીવનભર પ્રયત્નો કર્યા.

તેમણે યુવાનોનું સામાજિક, રાજકીય ઘડતર થાય તે ઉદ્દેશથી ‘નવરચના’ માસિક ચલાવ્યું તેમજ ‘સ્વરાજધર્મ’ પાક્ષિક દ્વારા નાગરિકોનો ધર્મ શું છે તેની કેળવણી કરતા રહ્યા. તેમણે મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર લખ્યું. સિયારામશરણજીની ‘નારી’ નવલકથાનો ‘ચિરંતન નારી’ને નામે તથા પર્લ બકની ‘ઈસ્ટ વિન્ડ, વેસ્ટ વિન્ડ’ નામની નવલકથાનો ‘અથડાતા વાયરા’ નામે અનુવાદ કર્યો.

ગુણગ્રાહી અને અજાતશત્રુ વજુભાઈની ચિત્તની પ્રસન્નતા અને અનાસક્તિ અદ્ભુત હતાં. ગાંધીજી કહેતા કે માળાથી ઈશ્વરપ્રણિધાન થઈ શકે તો રેંટિયો ફેરવતાં પણ થઈ શકે. દરેક સત્પ્રવૃત્તિ ઈશ્વરપ્રાપ્તિનું સાધન થવું જોઈએ. આ વાત એમણે જીવનમાં ઉતારી અને આધ્યાત્મિક સાધક જેવી શાંત અને મંગલભાવની સ્થિતિમાં અંતિમ વિદાય લીધી.

પ્રીતિ શાહ