શાહ, લલ્લુભાઈ આશારામ (સર)

January, 2006

શાહ, લલ્લુભાઈ આશારામ (સર) (. 4 ફેબ્રુઆરી 1873; . 16 નવેમ્બર 1926) : મુંબઈની હાઈકૉર્ટના કાર્યકારી (acting) મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતાશ્રી આશારામ દલીચંદ માળિયા, લાઠી, ચૂડા અને બાંટવા રાજ્યમાં કારભારી હતા. લલ્લુભાઈએ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અભ્યાસ કરીને એમ.એ. તથા મુંબઈમાં અભ્યાસ કરીને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે 1895માં મુંબઈમાં વકીલાત શરૂ કરી.

લલ્લુભાઈ આશારામ શાહ (સર)

આ દરમિયાન 1904થી 1911 સુધી અને 1915માં તેઓ બૉમ્બે યુનિવર્સિટીમાં ફેલો હતા. 1910થી 1913 સુધી તેમણે મુંબઈમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું. 1913માં બૉમ્બેમાં હિઝ મૅજેસ્ટીઝ હાઈકૉર્ટ ઑવ્ જ્યૂડિકેચરમાં ન્યાયમૂર્તિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 1922થી 1924 સુધી બૉમ્બે હાઈકૉર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી હતી.

અમદાવાદમાં લૉ કૉલેજ સ્થાપવાની ચળવળ સૌપ્રથમ તેમણે શરૂ કરી અને અમદાવાદના આગેવાન નાગરિકોના મનમાં એ વિચાર ઠસાવ્યો. તેમનો ઉચ્ચ હોદ્દો, સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન અને તેમના પ્રભાવને કારણે આ વિચારને ખૂબ સારો ટેકો મળ્યો. તેમની સલાહ મુજબ 1 નવેમ્બર 1926ના રોજ અમદાવાદના પ્રભાવશાળી 19 નાગરિકોની એક કામચલાઉ સમિતિ રચવામાં આવી. તે પછી ગુજરાત લૉ સોસાયટીની સ્થાપના કરવાની યોજના થઈ; એટલામાં ન્યાયમૂર્તિ શાહનું અવસાન થયું. તેમની સ્મૃતિમાં જૂન 1927થી અમદાવાદમાં શરૂ થયેલી લૉ કૉલેજનું નામ ‘સર લલ્લુભાઈ આશારામ શાહ લૉ કૉલેજ’ રાખવામાં આવ્યું. બ્રિટિશ સરકાર તરફથી, તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદર કરીને, તેમને ‘સર’નો ખિતાબ એનાયત થયો હતો.

મહેશભાઈ ત્રિવેદી

જયકુમાર ર. શુક્લ