શાહ, જયાબહેન વજુભાઈ

January, 2006

શાહ, જયાબહેન વજુભાઈ (. 1 ઑક્ટોબર 1922, ભાવનગર) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર.

જયાબહેન વજુભાઈ શાહ

પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને રચનાત્મક કાર્યકર શ્રી વજુભાઈ શાહ સાથે 7 એપ્રિલ 1945ના રોજ લગ્ન કર્યાં.

1948માં દ્વારકા તેમજ બેટનાં મંદિરોમાં હરિજનપ્રવેશ માટે છાવણી નાખીને રહ્યા. લોકોના વિરોધ અને પથ્થરમારા વચ્ચે પણ હિંમતથી મંદિરોમાં હરિજનપ્રવેશ કરાવ્યો. 1949માં સૌરાષ્ટ્ર બંધારણસભાનાં સભ્ય તરીકે કામગીરી બજાવી. 1952માં સૌરાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયાં તથા શિક્ષણ અને સમાજસુધારણા ખાતાના નાયબમંત્રી બન્યાં. 1957માં લોકસભામાં ચૂંટાયાં અને પછીની બે ચૂંટણીમાં સતત ચૂંટાતાં 1970 સુધી સંસદસભ્ય તરીકે રહ્યાં. સંસદસભ્ય તરીકે ગરીબો, મહિલાઓ, ગ્રામજનતા અને પછાતવર્ગના પ્રશ્નોને વાચા આપી. પાર્લામેન્ટની અંદાજ સમિતિ અને જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે મહત્વપૂર્ણ કામગીરી કરી. સંસદમાં ખાદી ગ્રામોદ્યોગ મંચ અને નશાબંધી મંચની રચનામાં મહત્વની કામગીરી બજાવી. 1969ના ગાંધી શતાબ્દી વર્ષમાં ભંગીકષ્ટમુક્તિનો કાર્યક્રમ હાથ ધરી ભારતમાં સર્વપ્રથમ બાબરા ગામને ભંગીકષ્ટમુક્ત કર્યું. 1975થી 1980 સુધી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડના અધ્યક્ષપદે રહ્યાં. 1980થી નશાબંધી મંડળનાં અધ્યક્ષ રહીને વ્યસનમુક્તિક્ષેત્રે ષ્ટાંતરૂપ અભિયાન ચલાવ્યું. બહેનો અને બાળકોના કલ્યાણ અર્થે વિકાસગૃહો, મહિલાપરિષદ અને બાળવિકાસ-સમિતિઓની સ્થાપના કરી.

સૌરાષ્ટ્રની હિન્દી પ્રચાર સમિતિ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, ગ્રામ-સ્વરાજ મંડળ (પારડી), સર્વોદય સેવા સંઘ (વાંકાનેર), ગ્રામ દક્ષિણામૂર્તિ (આંબલા-મણાર), શારદાગ્રામ (માંગરોળ), ગંગાજળા ગ્રામવિદ્યાપીઠ(અલિયાબાડા)માં હાલ (2006) તેઓ મહત્વના હોદ્દાઓ સંભાળી રહ્યા છે. હાલ તેઓ લોકભારતી સંસ્થાનાં મૅનેજિંગ ટ્રસ્ટી છે. કુદરતી ઉપચાર, નેત્રયજ્ઞ, ક્ષયનિવારણ જેવાં આરોગ્યનાં ક્ષેત્રોમાં તથા કુદરતી આપત્તિ વખતે રાહત કૅમ્પોમાં તેમણે મહત્વની સેવા આપી  છે.

રાષ્ટ્રભાષાપ્રચાર, ખાદીપ્રવૃત્તિ અને હરિજનસેવાથી જાહેરજીવનની શરૂઆત કરનાર જયાબહેને સૌરાષ્ટ્રનાં શિક્ષણપ્રધાન તરીકે દરેક ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરાવી તથા સાક્ષરતાકેન્દ્રોની સ્થાપના કરી. સ્ત્રીઓની આત્મહત્યાનાં કારણો શોધવાની તપાસસમિતિનો એમનો હેવાલ સમાજ માટે માર્ગદર્શક બની રહ્યો. ભૂદાનપ્રવૃત્તિમાં એક અગ્રગણ્ય કાર્યકર તરીકે પદયાત્રામાં પણ જોડાયાં. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મુખપત્ર ‘સ્વરાજધર્મ’નાં સંપાદક જયાબહેને ‘સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસૈનિકો તેમ જ લડતો’ તથા પ્રાચીન-અર્વાચીન ભજનસંગ્રહ ‘તવ ચરણે’નું સંપાદન કર્યું છે. ‘અમેરિકા અને અમેરિકન જનજીવન’ પુસ્તક લખનાર જયાબહેને ઇંગ્લૅન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ, હોલૅન્ડ, લેબેનોન, કૅનિયા, કૅનેડા, અમેરિકા જેવા દેશોનો પ્રવાસ કર્યો છે. તેમના પ્રદાન બદલ શ્રી મોરારજી દેસાઈ મેમૉરિયલ સંસ્થા તરફથી ઍવૉર્ડ (1996), ગાંધી નૅશનલ મેમૉરિયલ, પુણે દ્વારા શ્રી કસ્તૂરબાની સ્મૃતિમાં અપાતો ગાંધી સેવા પુરસ્કાર (1999), 60 વર્ષની રાષ્ટ્રભાષાની સેવા માટે ગુજરાત રાજ્ય હિંદી અકાદમી તરફથી ‘હિન્દીસેવી’ પુરસ્કાર (2000) અને પૂજ્ય રવિશંકર મહારાજ વ્યસનમુક્તિ પુરસ્કાર (2000) મળ્યા છે.

પ્રીતિ શાહ