શાહજહાનપુર : ઉત્તરપ્રદેશના ઉત્તર ભાગમાં નૈર્ઋત્ય નેપાળની દક્ષિણે રોહિલખંડ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 28´થી 28° 28´ ઉ. અ. અને 79° 17´ થી 80° 23´ પૂ. રે. વચ્ચેનો 4,575 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદ રાજ્યના બીજા છ જિલ્લાઓ સાથે જોડાયેલી છે. તેની ઉત્તરે પીલીભિત, પૂર્વમાં ખેરી, દક્ષિણે હરદોઈ અને ફારૂખાબાદ, પશ્ચિમે બદાઉન અને બરેલી જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક શાહજહાનપુર જિલ્લાની અગ્નિદિશામાં આવેલું છે.

શાહજહાનપુર જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ અસંખ્ય નદીઓથી છેદાયેલું, આછું અસમતળ, મેદાની પ્રકારનું છે. નદીઓ અગ્નિ તરફના જળપરિવાહવાળી છે. અહીં ટેકરીઓ કે પર્વતો નથી. મેદાની વિસ્તાર ઘણાં ગર્ત અને થાળાંમાં વહેંચાયેલો છે. નીચી ભૂમિના વિસ્તારો કાંપ(ખદર)થી અને ઊંચાણવાળા ભાગો ભાંગરથી છવાયેલા છે. ઈશાની ભાગમાં આવેલો તરાઈ વિસ્તાર પંકભૂમિવાળો, ગીચ જંગલો અને ઓછી વસ્તીવાળો છે. અહીંનાં જંગલો પીલીભિત અને ખેરી જિલ્લાહસ્તક ગણાય છે.

આ જિલ્લાના પશ્ચિમ અને પૂર્વભાગમાં અનુક્રમે ગોમતી અને કતના વહે છે. અન્ય નાની નદીઓ પણ છે. અહીંની નદીઓ હિમાલયના ઢોળાવો પરથી મેદાનમાં પ્રવેશતી હોઈ તેમાં પૂર આવે છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલો જલાલાબાદ તાલુકો ગંગા, રામગંગા અને બાહગુલ નદીથાળાંથી બનેલો છે. અહીં ધાકનાં જંગલો આવેલાં છે.

ખેતી-પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી આધારિત છે. અહીંની 82 % વસ્તી ખેતીના વ્યવસાયમાં રોકાયેલી છે. જિલ્લાની વધુ ભૂમિ ખેતી હેઠળ લાવી શકાય તેમ નથી. કૃષિપાકોમાં ફેરફાર કરવાથી, વધુ પાકો એકસાથે વાવવાથી, સુધારેલાં સાધનોથી ખેતી કરવાથી કૃષિઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકાય તેમ છે. જિલ્લામાં ખરીફ અને રવી બંને પાકો લેવાય છે. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, ચણા, વટાણા અને મસૂર અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત શેરડી, જુદાં જુદાં કઠોળ, બટાટા, તમાકુ, મગફળી, અફીણ જેવા રોકડિયા પાકો પણ લેવાય છે. ગ્રામીણ લોકો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. ગાયો, ઘેટાં-બકરાં અહીંનાં પાલતુ પશુઓ છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો કાર્યરત છે. પશુઓની ઓલાદ-સુધારણાનાં, ઉછેરનાં કેન્દ્રો-ઉપકેન્દ્રો આવેલાં છે.

શાહજહાનપુર જિલ્લામાં મુખ્યત્વે ખેતી થાય છે. 19મી સદીની મધ્યમાં તે એક સમૃદ્ધ જિલ્લો હતો. 1853માં રોઝા મુકામે ખાંડનું એક કારખાનું અને દારૂ ગાળવાની ભઠ્ઠી નાખવામાં આવ્યાં હતાં. તે લશ્કરનું અગત્યનું મથક પણ હતું.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં કોઈ મહત્વનાં ખનિજો નથી. નદીપટમાંથી મળતી રેતી બાંધકામના ઉપયોગમાં લેવાય છે. ઔદ્યોગિક દૃષ્ટિએ આ જિલ્લો પછાત છે. ભારત સરકાર તરફથી ચાલતી ઑર્ડિનન્સ ક્લોધિંગ ફૅક્ટરી અહીંનો એકમાત્ર મોટો ઉદ્યોગ છે. મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં આલ્કોહૉલ અને દારૂનું ઉત્પાદન કરતા બે ઉદ્યોગો પણ અહીં આવેલા છે. આ ઉપરાંત અહીં ચોખા, તેલ અને ખાંડસરીની મિલો; જનરલ ઇજનેરી, કાસ્ટિંગ તથા કૃષિઓજારોનાં કારખાનાં અને શીતાગારો પણ છે. 15 હેક્ટર ભૂમિને શેતૂરના ખેડાણ હેઠળ લાવવામાં આવી છે. ગાલીચા-ઉદ્યોગ તથા હાથસાળ-ઉદ્યોગ અહીંના પરંપરાગત ચાલ્યા આવતા હસ્તઉદ્યોગો છે.

અહીંનાં નગરોમાં ડાંગર, લાકડાંનો તથા પિત્તળનો માલસામાન, રાઈનું અને સુખડનું તેલ, તૈયાર પોશાકો, રોલિંગ દરવાજા, બીડીઓ તેમજ તમાકુનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ચોખા, બટાટા, ઘઉં, ખાંડ, રાઈનું તેલ, પોશાકો, અફીણ, છાપેલી સાડીઓ, બીડી-તમાકુ, સુખડનું તેલ – તે સર્વની અન્યત્ર નિકાસ થાય છે; જ્યારે કાપડ, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, કોલસો, ઘઉં તેમજ અન્ય અનાજ, લોખંડ, સિમેન્ટ, સુખડનું લાકડું, બીડીનાં પાનની આયાત થાય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાં આશરે 670 કિમી.ના રસ્તા આવેલા છે; પરંતુ અંતરિયાળ ભાગોમાં પરિવહનની સુવિધા પ્રમાણમાં ઓછી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 24 અહીંથી પસાર થાય છે. આ જિલ્લામાં તેની લંબાઈ 54 કિમી. જેટલી છે. હાવરાઅમૃતસર અને શાહજહાનપુર-સીતાપુર બ્રૉડગેજ(71 કિમી.)નો અને શાહજહાનપુર-પીલીભિત મીટરગેજ(35 કિમી.)નો રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

અહીં કોઈ વિશિષ્ટ મહત્વ ધરાવતાં પ્રવાસી સ્થળો આવેલાં નથી. અહીંનાં જોવાલાયક સ્થળોમાં બાંખડીનાથ બાબા વિશ્વનાથ અને શ્રી કોપેશ્વરનાં મંદિરો; શાહજહાનપુરમાં પરશુરામ(પરાશીવરમ)નું મંદિર તથા જલાલાબાદમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલાં છે. જલાલાબાદમાં નિઝામશાહની દરગાહ આવેલી છે. અહીં વારતહેવારે મેળાઓ અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 25,49,458 જેટલી છે તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ લગભગ સરખું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. હિન્દી, પંજાબી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ અને જૈનોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ 25 % છે. શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ ઓછું છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ નગરોમાં આવેલી છે. જિલ્લામાં તબીબી સેવાની ઉપલબ્ધિનું પ્રમાણ ઓછું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં અને 14 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 11 નગરો અને 2425 (295 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : શાહજહાંના રાજ્યઅમલ દરમિયાન દિલેરખાન અને બહાદુરખાન નામના બે જાણીતા ઉચ્ચ અધિકારીઓ હતા. તેઓ અનુક્રમે કનોજ તથા કાલ્પીના જાગીરદારો હતા. તેઓએ શાહજહાનપુર નામનું નગર વસાવ્યું હતું. શાહજહાંએ દિલેરખાનને 14 ગામો આપ્યાં અને તેને કિલ્લો બાંધવાનો હુકમ કર્યો. તે માટે યોગ્ય જગા પસંદ કરવામાં આવી. દિલેરખાને તે સ્થળે દિલેરગંજ અને બહાદુરગંજ નામનાં ગામો વસાવીને ત્યાં પઠાણોને રહેવા માટે સગવડો કરી આપી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ