શાહ, જગુભાઈ (. 1916, ટીંબડી, ગિરનાર નજીક, ગુજરાત; . 22 મે 2001, અમેરિકા) : ગુજરાતના ચિત્રકાર અને કલાગુરુ. માતા લાધીબાઈ અને પિતા ભીમજીભાઈ આઝાદીના લડવૈયા હતા; પરંતુ જગુભાઈના બાળપણ દરમિયાન જ તેમનાં માબાપનું મૃત્યુ થયું; તેથી માંગરોળ(સૌરાષ્ટ્ર)માં રહેલાં તેમનાં માશીએ તેમને પોતાને ત્યાં જ બોલાવી લઈને તેમને અંગ્રેજી ધોરણ પાંચ સુધી શાળામાં ભણાવ્યા. આ શાલેય અભ્યાસ દરમિયાન જ જગુભાઈને ગેરુના ગાંગડા, કોલસા, ચાક અને પેન વડે ભીંતો ઉપર ચિત્રો ચીતરવાનો નાદ લાગ્યો હતો. ત્યારબાદ મૂળજી ડુંગરશી નામના  એક જૈન સદ્ગૃહસ્થ તેમને પોતાની સાથે મુંબઈ લઈ ગયા અને મુંબઈમાં પરેલ ખાતેની લેડી નૉર્થકોટ ઑર્ફનેજ નામના અનાથ કિશોરો માટેના ગૃહમાં તેમને દાખલ કર્યા. ત્યાં ‘કલાબ્ધિ’ તખલ્લુસ ધરાવતા ચિત્રકાર દુર્ગાશંકર જટાશંકર પંડ્યા સાથે જગુભાઈનો પરિચય થયો. જગુભાઈની કલાપ્રતિભા પિછાણીને દુર્ગાશંકરે તેમને મુંબઈની વિખ્યાત કળા શાળા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાવિદ્યાર્થી તરીકે પ્રવેશ અપાવ્યો. અભ્યાસકાળ દરમિયાન તેમનાં કેટલાંક ચિત્રો લંડનમાં એક પ્રદર્શનમાં પ્રદર્શિત થયેલાં. ઉત્તમ ચિત્રો ચીતરવા બદલ અભ્યાસકાળ દરમિયાન જ તેમને ‘ડૉલી ખોરશેદજી ખિતાબ’ મળ્યો. 1934માં કલાઅભ્યાસ પૂરો થયો અને તેમને સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ડિપ્લોમા પ્રથમ વર્ગ સાથે મળ્યો. 1937માં ભીંતચિત્રોની પદ્ધતિ શીખવા માટે મુંબઈ સરકારની શિષ્યવૃત્તિ મળી તથા એ જ વર્ષે તેમને ‘લૉર્ડ વિલિન્ગ્ડન ઍવૉર્ડ’ પણ મળ્યો. 1937માં તેમણે અજંતા-ઇલોરા સહિત દક્ષિણ ભારતનાં પ્રાચીન કલાધામોની યાત્રા કરી. ત્યારબાદ તેમણે કાઠિયાવાડ, કોલકાતા અને કન્યાકુમારીની મુલાકાત લીધી. 1938થી 1940 સુધી તેમણે મુંબઈની નૅશનલ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ ઍન્ડ કૉમર્શિયલ આર્ટમાં આર્ટ-ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું. 1940માં તેઓ એક વરસ માટે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને પ્રસિદ્ધ ચિત્રકાર અને શિલ્પી દેવીપ્રસાદ રાયચૌધરી પાસે ચિત્રકલા અને શિલ્પકલાની તાલીમ લીધી. ત્યારબાદ 1941માં તેઓ વેડછી આશ્રમમાં કલાશિક્ષક તરીકે જોડાયા. વેડછીમાં ગાંધીવાદનો તેમની ઉપર પ્રભાવ પડ્યો. 1942માં તેમણે વેડછી આશ્રમ છોડી અસહકાર આંદોલનમાં ઝુકાવ્યું. તેમની ધરપકડ થઈ અને જેલનિવાસ કર્યો. જેલમાંથી છૂટ્યા પછી 1943થી 1948 સુધી તેમણે ભાવનગરની પ્રસિદ્ધ શાળા ‘ઘરશાળા’માં કલાશિક્ષણ આપ્યું.

1949માં જગુભાઈ નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને બે વરસ બાદ 1951માં તેમણે  અહીંથી જ કલાશિક્ષણનો ડિપ્લોમા મેળવ્યો. 1951થી 1952 સુધી તેમણે જયપુર ખાતેની વનસ્થલી વિદ્યાપીઠમાં જોડાઈ ભીંતચિત્રની તાલીમ લીધી. 1952થી 1976 સુધી તેમણે દિલ્હી ખાતેની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં ચિત્રકલા અને ભીંતચિત્રકલાના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. આ યુનિવર્સિટીમાં એક ચિત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક વનલીલાબહેન સાથે તેમને પરિચય થયેલો. જે પછી લગ્નમાં પરિણમ્યો.

બંગાળ શૈલીની વૉશ ટૅક્નિકથી જળરંગોમાં ચીતરેલાં જગુભાઈનાં ચિત્રોમાં ગાયોનાં ધણ, ગોવાળિયા, ભરવાડો અને ઘેટાં-બકરાં, રાધાકૃષ્ણ, કવિ સૂરદાસ તેમજ પૌત્રપૌત્રીઓને રમાડતાં વૃદ્ધો વારંવાર દેખાય છે. પરંતુ 1950 પછી તેમણે વૉશ ટૅક્નિક અને જળરંગોનો ત્યાગ કર્યો અને તૈલચિત્રણા અપનાવી. પ્રકૃતિ પ્રત્યે પણ તેમને અમોઘ આકર્ષણ જાગ્યું. કાશ્મીર, નૈનિતાલ, કૌસાની, કસોલી, રાનીખેત, મનાલી, કુલુ, બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાત લઈ હિમાલયની પ્રકૃતિના સૌન્દર્યને તેમણે તૈલચિત્રણા વડે કૅન્વાસ પર ઉતાર્યું. તેમાં ચાકુથી આલેખિત જાડા રંગોના લાંબા લસરકા તુરત ધ્યાન ખેંચે છે. પછી તો પ્રતીકવાદી, પરાવાસ્તવવાદી અને અમૂર્ત પ્રયોગો પણ તેમણે ચિત્રોમાં કર્યા. વેડછી, જયપુરની વનસ્થલી, ભાવનગરની ગાંધી સ્મૃતિ, સણોસરાની લોકભારતી સંસ્થાઓમાં તેમજ અમદાવાદના સરદાર સ્મૃતિભવન(જૂના રાજભવન)માં, નવી દિલ્હીની સાહિત્ય અકાદમી અને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં તેમનાં ચિત્રો  ભીંતચિત્રો કાયમી ધોરણે સચવાયાં છે.

જગુભાઈનાં ચિત્રોનાં 1940માં ચેન્નાઈમાં એક, 1956થી 1997 સુધીમાં અમદાવાદમાં ત્રણ અને નવી દિલ્હીમાં સાત વૈયક્તિક પ્રદર્શનો યોજાયેલાં.

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીએ 1978માં ગૌરવ પુરસ્કાર વડે જગુભાઈનું સન્માન કરેલું.

બળદેવભાઈ કનીજિયા