શાહ, અંબુભાઈ (જ. 19 જાન્યુઆરી 1919; અ. 24 ડિસેમ્બર 2002) : મુનિ સંતબાલજીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને શુદ્ધિ પ્રયોગો કરનાર.
અંબુભાઈ મલુકચંદ શાહ આડંબરરહિત સાદગીપૂર્ણ જીવન જીવીને વંચિત અને નબળા વર્ગો માટે કામ કરીને શ્રેયમાર્ગી પ્રવાસી બની રહ્યા હતા. ક્રાંતિકારી મુનિશ્રી સંતબાલજીના પરિચયને કારણે એમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. ધર્મ એટલે સાંપ્રદાયિક ધર્મ નહિ, પણ માનવધર્મ. સમગ્ર જીવસૃષ્ટિને આ ધર્મદૃષ્ટિથી જોઈને તેમણે પોતાનું કાર્ય કર્યું.
ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના મૂળ ગામ માણકોલમાં સંતબાલજીના સાંનિધ્યમાં જે વિશાળ સંમેલન મળેલું તેમાં 15 જૂન, 1947ના દિવસે ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના કરી. રવિશંકર મહારાજ તેના પ્રથમ પ્રમુખ, પરીક્ષિતલાલ મજમુદાર તથા છોટુભાઈ વસનજી મહેતા મંત્રીઓ. ગુંદી ખાતે કાર્યાલય રાખ્યું. ત્યાં જ મહાદેવને ટેકરે પત્ની કમળાબહેન સાથે વસવાટ શરૂ કરી ખેડૂતોના કામમાં જોડાયા. પ્રેરકબળ સંતબાલજી. અંબુભાઈએ ‘વિશ્વવાત્સલ્ય’ અને ‘પ્રયોગદર્શન’ નામની પત્રિકાઓમાં પોતાના અનુભવ અને ચિંતનને વાચા આપી છે. એ વિસ્તારમાં ત્યારે વીંછી જેવાં ઝેરી જીવજંતુઓ પુષ્કળ હતાં. તેમણે ગામની ગંદકી દૂર કરી. જૈન હોવા છતાં ટીકા વ્હોરીને જંતુઓના નાશની સફાઈમાં લાગી ગયા. અરણેજમાં વાલ્મીકિ સમાજનાં કુટુંબોનાં કલ્યાણની કામગીરી કરી.
ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના સમાજ પરિવર્તનના પ્રયોગના ત્રણ પાયા હતા : ગામડું, પછાત ગણાતો વર્ગ અને સ્ત્રીજાતિ. ત્રણ આગ્રહો હતા : 1. અન્યાયનો અહિંસક પ્રતિકાર, 2. નૈતિક ગ્રામસંગઠન, 3. લોકશાહી શાસન- વ્યવસ્થાની શુદ્ધિ. અંબુભાઈ શરૂઆતથી સંઘમાં જોડાયેલા, 1957માં સહમંત્રી, 1970થી 1994 સુધી મંત્રી તરીકે જવાબદાર રહ્યા. ખેડૂત મંડળ, નઈ તાલીમની સંસ્થાઓ, ખાદી ગ્રામોદ્યોગ, શ્રમજીવી મજૂરમંડળ, જળસંગ્રહ યોજનાઓ જેવી અનેક પ્રવૃત્તિઓ અંબુભાઈએ સ્થાપી અને ચલાવી. રચનાત્મક અને વિકાસકાર્યો ઉપરાંત સમાજ પરિવર્તનના પ્રયોગો હાથ ધર્યા. મુનિ સંતબાલજી, શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીના વિચાર અને કાર્યને ધર્મ સમજીને આગળ ચાલ્યા.
એવા ઘણા કિસ્સા છે જેમાં સમાજ અને પોલીસ નિષ્ફળ નીવડ્યાં હોય ત્યારે હૃદયપરિવર્તનના માર્ગે અંબુભાઈએ પરિણામ મેળવ્યાં હોય ! અનેક પ્રકારના શુદ્ધિપ્રયોગો તેમણે કરેલા. શુદ્ધિના માધ્યમ તરીકે પ્રભાતફેરી, ઉપવાસના પ્રયોગો કર્યા. આશ્ચર્યજનક રીતે સમાજ પર એનો વિધાયક પ્રતિભાવ જોવા મળતો. મહાગુજરાત આંદોલન દરમિયાન શાંતિસૈનિકોની કામગીરી વિકસાવેલી. લોકશાહીમાં ભિન્ન મત ખરો પણ હિંસાખોરી નહિ એ એમનો જીવનમંત્ર હતો. મહારાષ્ટ્રના ચિંચણ ખાતે તેમણે જળસંગ્રહના અને ભૂમિ સંરક્ષણનાં ઘણા વિકાસકાર્યો કર્યાં.
ગાંધીજી પછી શુદ્ધિપ્રયોગોનું સઘનકાર્ય અને પરિણામ મેળવનાર એકમાત્ર અંબુભાઈ હતા એમ કહેવાયું છે. જે સંસ્થાઓ સાથે સંકળાયા હતા તે બધામાંથી છેલ્લાં વર્ષોમાં રાજીનામું આપી દીધેલું. એમનું ચારિત્ર્ય ઘણું ઊંચું. અડગ મનોબળ તથા નિર્ભયતા એવાં કે વિઠલાપુર શુદ્ધિપ્રયોગ વખતે ખુલ્લી તલવારની ધમકી સામે અહિંસક રીતે નિર્ભીકતાથી ઊભા રહેલા. એમનાં કાર્યો જોતાં એમને એક મહામાનવ કહી શકાય.
ડંકેશ ઓઝા
