શાહૂ (. 1682 રાયગઢ, મહારાષ્ટ્ર; . 15 ડિસેમ્બર 1749, શાહુનગર, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ. તે શિવાજીના પુત્ર સંભાજી અને યેશુબાઈનો જ્યેષ્ઠ પુત્ર હતો. તે સાત વર્ષનો હતો ત્યારે મુઘલોએ રાયગઢ જીતી લીધું અને નવેમ્બર 1689માં શાહૂ અને તેની માતા યેશુબાઈને કેદ કરી ઔરંગઝેબ પાસે દિલ્હી લઈ જવામાં આવ્યાં. મુઘલ કારાવાસમાં ઔરંગઝેબની પુત્રી ઝિન્નત-ઉન-નિશાની દેખરેખ હેઠળ શાહૂનો એશઆરામપૂર્વક ઉછેર થયો. ઈ. સ. 1707 સુધી એટલે કે 17 વર્ષ સુધી શાહૂને તેની માતા સાથે મુઘલોની કેદમાં રહેવું પડ્યું. તેથી તેને રાજ્યના વહીવટને લગતું શિક્ષણ મળ્યું નહિ; પરંતુ બાલાજી વિશ્વનાથ શાહૂના કારાવાસ દરમિયાન વખતોવખત તેને મળતો અને આર્થિક મદદ કરતો. બાલાજી વિશ્વનાથે શાહૂની મુક્તિ માટે મુઘલ અધિકારીઓ તથા સેનાપતિઓ દ્વારા ઘણા પ્રયાસો કર્યા હતા.

ઔરંગઝેબના અવસાન (1707) બાદ મરાઠાઓમાં ભાગલા પડાવવાના હેતુથી શાહૂને છોડી મૂકવામાં આવ્યો. તેને નીચેની ત્રણ શરતો સાથે છોડવામાં આવ્યો હતો.

(1) શાહૂએ તેના પિતાના સ્વરાજ્ય પર મુઘલોના ખંડિયા રાજવી તરીકે રાજ્ય કરવું, (2) મુઘલ સમ્રાટને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ આપવી, (3) શાહૂએ મુઘલો વિરુદ્ધ વર્તન નહિ કરવાની ખાતરી રૂપે, માતા યેશુબાઈને મુઘલ દરબારમાં રાખવી.

કેદમાંથી મુક્ત થયા પછી શાહૂએ તારાબાઈ પાસે રાજ્યની માગણી કરી; પરંતુ તારાબાઈએ રાજ્યનો થોડો હિસ્સો પણ આપવાનો ઇનકાર કર્યો. તેથી મરાઠા લશ્કર બે વિભાગોમાં વહેંચાઈ ગયું. બાલાજી વિશ્વનાથની બુદ્ધિ અને સેનાપતિ ધનાજી જાધવની વીરતાના સંગમે શાહૂ માટે વિજયનો માર્ગ મોકળો કરી દીધો. ધનાજી અને બીજા મરાઠા સરદારો પણ શાહૂ સાથે જોડાયા. ખેડના યુદ્ધમાં શાહૂ જીત્યો. તે પછી 1708ની 12મી જાન્યુઆરીએ સાતારામાં શાહૂનો રાજ્યાભિષેક થયો. તે સાથે તારાબાઈએ કોલ્હાપુરમાં બીજી મરાઠી સત્તા સ્થાપી.

શાહૂ પોતાના અમાત્યો તથા અધિકારીઓના ગુણ અને શક્તિનો પારખુ હતો. તેથી કાર્યદક્ષ, વિશ્ર્વાસુ અને યોગ્યતાવાળા અમાત્યો અને ઉચ્ચ અધિકારીઓના કામમાં હસ્તક્ષેપ કરતો નહિ. મુઘલ છાવણીમાં ઘણાં વર્ષો રહેલા શાહૂનું જીવન વિલાસી અને પ્રમાદી બન્યું હતું.

શાહૂ 1749 સુધી જીવિત હોવા છતાં, 1713થી રાજ્યનો સંપૂર્ણ કારોબાર પેશવા હસ્તક હતો. શાહૂના સમયમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ 1લો અને બાલાજી બાજીરાવ – એમ ત્રણ પેશવાએ રાજ્યનો વહીવટ કર્યો. શાહૂ અપુત્ર હતો. તેથી તેણે તારાબાઈના પુત્ર શિવાજી બીજાના પુત્ર રામરાજાને દત્તક લીધો.

શાહૂ ચતુર રાજનીતિજ્ઞ કે શૂરવીર સેનાપતિ નહોતો; પરંતુ તેનામાં વિવેકબુદ્ધિ, ઉદારતા, પરોપકારી સ્વભાવ વગેરેને કારણે લોકોમાં પ્રિય બન્યો હતો. તે ઉત્સવો, તહેવારો, લગ્નસમારંભોમાં હાજર રહેતો. લોકોનાં દુ:ખોમાં સાથ આપતો; આવશ્યકતા પ્રમાણે લોકોને મદદ કરતો. તેણે ઉજ્જડ જમીનોને ખેતીલાયક બનાવી, બાગ-બગીચાના નિર્માણને ઉત્તેજન આપ્યું; ગરીબોનાં દુ:ખ દૂર કરવા પ્રયાસો કર્યા અને કરવેરા ઘટાડ્યા. તેને નૃત્ય, સંગીત, શિકાર તથા માછીમારીનો શોખ હતો. તેના જનાનખાનામાં અનેક રખાતો હતી. તેના મૃત્યુ પછી છત્રપતિ નામનું જ રહ્યું અને પેશવા મરાઠાઓના વાસ્તવિક શાસકો બન્યા.

જયકુમાર ર. શુક્લ