શાહૂ-2 (. ?; . 4 મે 1808, સાતારા, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ (ઈ.સ. 1777-1808). તારાબાઈએ છત્રપતિ રામરાજાને ધૂર્ત અને કપટી જાહેર કરીને કેદી તરીકે રાખ્યો હતો. રામરાજાએ તેના મૃત્યુ પહેલાં જેલમાં જ એક કિશોરને દત્તક લીધો, જે શાહૂ બીજા તરીકે સાતારાનો છત્રપતિ બન્યો. છત્રપતિ શાહૂ(1682-1749)ના અવસાન પછી મરાઠા સામ્રાજ્યની તમામ સત્તાઓ પેશવાઓના હાથમાં જ કેન્દ્રિત થઈ હતી.  છત્રપતિઓ તો નામ માત્રના જ હતા અને વાસ્તવિક શાસકો તો પેશવાઓ જ હતા.

શાહૂબીજાના સમયમાં સવાઈ માધવરાવ (1774-95) અને બાજીરાવ બીજો (1796-1818) પેશવાઓ થઈ ગયા. પેશવા સવાઈ માધવરાવના સમયમાં પુણે સરકારના સર્વોચ્ચ નાના ફડનવીસે સાતારાના છત્રપતિ શાહૂબીજાની સત્તા નામશેષ કરી નાખી હતી. તેના સમયમાં નાના ફડનવીસ એકમાત્ર સર્વોચ્ચ વહીવટકર્તા હતો. માત્ર પેશવાપદનાં વસ્ત્રો મોકલવા સિવાય તેનો કોઈ માન-મરતબો કે જવાબદારી રહી નહોતી. છત્રપતિને લગભગ કેદી જેવું જીવન ગુજારવું પડતું હતું. શાહૂ-2ના ભાઈ છત્રસિંહને છત્રપતિની આ સ્થિતિ નાપસંદ હતી. તે શક્તિશાળી, ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી હતો. તે બંને ભાઈઓએ, પેશવાના બંધનમાંથી છૂટવા, પેશવાએ નીમેલા સાતારાના વહીવટદારો આપ્ટે તથા અભ્યંકરને કેદ કર્યા. કોલ્હાપુરના છત્રપતિની મદદ લઈને પેશવાના સેનાપતિને અને તે પછી પેશવાએ મોકલેલા પરશુરામ ભાઉને હરાવ્યો; પરંતુ છેવટે સાતારાના છત્રપતિનો મુક્તિ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.

જયકુમાર ર. શુક્લ