શાહદોલ : મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો ડમરુ આકારનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 40´થી 24° 20´ ઉ. અ. અને 80° 30´થી 82° 15´ પૂ. રે. વચ્ચેનો 14,028 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સતના, ઈશાનમાં સિધી, પૂર્વમાં સરગુજા (છત્તીસગઢ), અગ્નિ દિશામાં બિલાસપુર (છત્તીસગઢ), દક્ષિણ તથા નૈર્ઋત્યમાં માંડલા તથા પશ્ચિમમાં જબલપુર જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક જિલ્લાની મધ્યમાં આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પાડેલું છે. સ્થાનિક લોકવાયકા મુજબ સોહાગપુર ગામના શાહ  દૌલવા આહિરે તે વસાવેલું હોવાથી તેની યાદમાં શાહદોલ નામ પડેલું છે.

ભૂપૃષ્ઠ-જંગલો-જળપરિવાહ : આ જિલ્લો વિંધ્ય પર્વતો અને સાતપુડા ટેકરીઓ વચ્ચે કડીરૂપ બની રહેલો છે. મૈકલ અહીંની મુખ્ય હારમાળા છે. વિંધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓ આ જિલ્લા માટે બંને બાજુ દીવાલોનું કામ કરે છે. અમરકંટક આ જિલ્લાની અગ્નિ દિશામાં માંડલા, શાહદોલ અને બિલાસપુર જિલ્લાઓની સરહદોને ત્રિભેટે આવેલું છે, જ્યારે મૈકલ હારમાળા અગ્નિ-વાયવ્ય દિશામાં વિસ્તરેલી છે.

આ જિલ્લામાં સાલ, સાગ અને મિશ્ર વૃક્ષોથી બનેલાં ત્રણ પ્રકારનાં સૂકાં ખરાઉ જંગલો આવેલાં છે. અહીં સાલ, સાગ, સાજ, બીજા, ખાખરો, હલ્દુ, સલાઈ, ટેન્ડુ, બોર, ટિનસા, શિરીષ, ખેર અને વાંસનાં વૃક્ષો તથા ક્ષુપો ધરાવતાં જંગલો જોવા મળે છે.

શાહદોલ જિલ્લો

જિલ્લાની સરહદો પર વહેતી નર્મદા અને બનાસ ઉપરાંત સોન અને ગોહિલ્લા અહીંની મુખ્ય નદીઓ છે.

ખેતી : જિલ્લાની કુલ ભૂમિનો આશરે 53 % વિસ્તાર ખેડાણ હેઠળ આવરી લેવાયેલો છે. ઘઉં, ડાંગર, જુવાર અને બાજરી અહીંના મુખ્ય કૃષિપાકો છે. કૂવા અહીંની સિંચાઈનો મુખ્ય સ્રોત છે. ગાયો-ભેંસો આ જિલ્લાનાં મુખ્ય પશુઓ છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લો અમલાઈ પેપર મિલ, અમરકંટક થર્મલ પાવર સ્ટેશન તથા કોલસાની ખાણો માટે જાણીતો છે. અહીંના નાના પાયા પરના ઉદ્યોગોમાં રાચરચીલું, બીડી, કાગળ, માટલાં, ગોળ, સિંગતેલ, સ્ટ્રૉબૉર્ડનો સમાવેશ થાય છે. કુદરતી કોલસો, લાકડાંમાંથી બનાવેલો બળતણ માટેનો કોલસો, લાકડાં, કાગળ, માટલાં, ડાંગર અને ટેન્ડુ પાંદડાંની નિકાસ તથા કરિયાણું, કાપડ, અનાજ અને દવાઓની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : શાહદોલ એ કટની-બિલાસપુર રેલમાર્ગ પરનું આ જિલ્લાનું અગત્યનું રેલમથક છે. આખોય જિલ્લો સડકમાર્ગોથી ગૂંથાયેલો છે.

અમરકંટક એ આ જિલ્લાનું ધાર્મિક, ઐતિહાસિક અને પુરાતત્વ-દૃષ્ટિએ મહત્વનું સ્થળ છે. નર્મદા નદીનું તે ઉદ્ગમસ્થાન હોવાથી ધાર્મિક યાત્રાધામ બની રહેલું છે. ભારતના મધ્ય ભાગમાં આવેલું અમરકંટકનું ભૂપૃષ્ઠ આ વિભાગની નદીઓ માટે જળવિભાજક બની રહેલું છે; તેમાંથી નર્મદા, સોન અને ગોહિલ્લા નદીઓ નીકળે છે. નર્મદાના ઉદ્ગમસ્થાન પર નર્મદા-ઉદ્ગમ મંદિર બાંધવામાં આવ્યું છે. તે વિંધ્યપ્રદેશમાં 1,065 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અમરકંટક જબલપુરથી 245 કિમી. અને ભોપાલથી 575 કિમી.ને અંતરે આવેલું છે. અહીં વારતહેવારે મેળા અને ઉત્સવો યોજાતા રહે છે. શિવરાત્રિ, નાગપંચમીના તહેવારો અહીં રંગેચંગે ઊજવાય છે. ગોદાવરી મેળો, શિવરાત્રી મેળો, રામનવમીનો મેળો અને એ રીતે સંક્રાન્તિ, વસંતપંચમી, મહાવીર જયંતી વગેરે પ્રસંગે અહીં મેળા ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 15,72,748 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 52 % અને 48 % જેટલું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 80 % અને 20 % જેટલું છે. અહીં હિન્દુમુસ્લિમોની વસ્તી વધુ છે, જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ લોકોની વસ્તી ઓછી છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે.

જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કૉલેજો અને વ્યાવસાયિક શિક્ષણ-સંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. અહીં 12 જેટલી કૉલેજો આવેલી છે. તબીબી સેવાની સુવિધા નગરોમાં અને 108 જેટલાં ગામડાંઓમાં ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકા અને 12 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 20 જેટલાં નગરો અને 2,106 (129 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : સોહાગપુર, બંધોગઢ વગેરે સહિત વિવિધ સ્થળોએથી ઇમારતોના અવશેષો મળ્યા છે, તેના ઉપરથી જણાય છે કે શાહદોલ જિલ્લાનો પ્રાચીન ઇતિહાસ ગુપ્ત યુગથી શરૂ થાય છે. નર્મદાની ખીણના પ્રદેશમાં મેકલા પાસે પુષ્યમિત્રો તરીકે ઓળખાતા લોકોએ પોતાની સત્તા સ્થાપીને, ઘણી સમૃદ્ધિ ભેગી કરી હતી અને ગુપ્તોની સત્તાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. શાહદોલ જિલ્લાના કેટલાક પ્રદેશો આ લોકોના રાજ્યમાં આવેલા હતા. 7મી સદીના અભિલેખમાં ઉલ્લેખિત ‘માનપુરમ્’ – બંધોગઢ તેહસિલનું માનપુર હોઈ શકે. તે જોતાં, રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ ત્યાં રાજ્ય કરતા હતા. 10મી તથા 11મી સદીઓ દરમિયાન આ જિલ્લાના મોટાભાગના પ્રદેશનો કલચુરી રાજ્યમાં સમાવેશ થતો હતો. 13મી સદીમાં રેવાના બાથલ વંશના કર્ણદેવને કલચુરી વંશના શાસક દ્વારા પહેરામણીમાં બંધોગઢનો કિલ્લો આપવામાં આવ્યો હતો. તેનું પાટનગર બદલીને રેવા લઈ જવામાં આવ્યું ત્યાં સુધી, એટલે કે 1597 સુધી બંધોગઢ સ્થળ બાઘલોની રાજધાની હતું. 19મી સદીની શરૂઆતમાં (1808), આ જિલ્લાનો ઘણો મોટો પ્રદેશ, સોહાગપુર અને બંધોગઢ તેહસિલોમાં હતો. તે મરાઠાઓની સત્તા હેઠળ ગયો અને તેમની પાસેથી 1826માં અંગ્રેજોએ કબજે કર્યો.

રામગઢ (મંડલા જિલ્લો) અને બીજાં સ્થળોએ 1857ના વિપ્લવકારીઓને દબાવી દેવામાં રેવાના રાજાએ મદદ કરી હતી. તેથી સોહાગપુર અને અમરકંટક જિલ્લા રેવાના રાજાને આપવામાં આવ્યા હતા. તે પછી આ જિલ્લો બાઘલ રાજ હેઠળ 1947 સુધી રહ્યો હતો.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ