શાહ, દિનેશ (. 1932, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પી. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ રાજસ્થાનની બનસ્થલી વિદ્યાપીઠમાં વધુ અભ્યાસ કરી ભીંતચિત્ર અને શિલ્પનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. પછી મુંબઈ પાછા ફરી ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી અને પ્રસિદ્ધ ન્યૂ એરા હાઈસ્કૂલમાં કલાશિક્ષણ આપવું પણ આરંભ્યું. બંગાળ-શૈલીમાં ચિત્રો સર્જવા માટે તેઓ તુરત જ જાણીતા બન્યા. દિનેશે મુંબઈ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, ભોપાલ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને ન્યૂયૉર્કમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. વારાણસીના ભારત કલા ભવન, અને દિલ્હીના નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. મુંબઈનાં વિવિધ અખબારોમાં વરસો સુધી તેમણે કલાવિષયક કટારો લખી છે. બાળકલા અંગેનું તેમનું સંશોધન ‘ઍસ્થેટિકા’ (1968) પુસ્તક રૂપે પ્રકાશિત થયું છે.

અમિતાભ મડિયા