શાહ, ધરમશી મૂળજીભાઈ

January, 2006

શાહ, ધરમશી મૂળજીભાઈ (. 5 એપ્રિલ 1920, ભાવનગર) : ગુજરાતના નૃત્યકાર અને વાદ્યવિશારદ. રાષ્ટ્રીય સંસ્થા દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાંથી વિનીત (1939); 1940-41માં શાંતિનિકેતન (પં. બંગાળ)માં સંગીત અને નૃત્યનો અભ્યાસ; 1943-44 દરમિયાન ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, અલમોડામાં નૃત્યનો અભ્યાસ. પછી તેમણે પંડિત સુંદરલાલ ગાંગાણી પાસેથી કથક નૃત્ય, જી. રામગોપાલ (ચેન્નાઈ) પાસેથી ભરતનાટ્યમ્, કુંજુનાયક વાલંકડા (મલબાર) પાસેથી કથકલી અને (પદ્મશ્રી) કેલુચરન મહાપાત્ર અને રઘુનાથ દત્ત (કટક) પાસેથી ઓડિસી તથા પંડિત ઉદયશંકર પાસેથી વિવિધ સર્જનાત્મક નૃત્યોની સઘન તાલીમ લીધી.

ધરમશી મૂળજીભાઈ શાહ

1944માં ભાવનગર ખાતે તેમણે નૃત્યનાટિકા ‘મેઘલીલા’થી પ્રથમ રંગમંચ પ્રસ્તુતિ કરી. ત્યારબાદ ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં શહેરોમાં ભગવાન બુદ્ધની 2500મા જયંતી-વર્ષની ઉજવણીના ભાગ-રૂપે ‘પ્રેમલ જ્યોત’ નૃત્યનાટિકા રજૂ કરી. 1961માં ભાવનગર ખાતે ભરાયેલ રાષ્ટ્રીય કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં તેમણે ‘વસંત ઉત્સવ’ નામક નૃત્યનાટિકા રજૂ કરી. વળી કવિ મૈથિલીશરણ ગુપ્તનાં 2 પ્રસિદ્ધ કથાકાવ્યો ‘યશોધરા’ અને ‘કામાયની’ના આધારે પણ તેમણે નૃત્ય-નાટિકાઓ પ્રસ્તુત કરી અને અમદાવાદ દૂરદર્શન ઉપરથી ‘નવરસ’ તથા પં. ઉદયશંકરની નૃત્યશૈલીનાં નિદર્શન-નૃત્યો રજૂ કર્યાં.

નૃત્ય અને સંગીતનાં શિક્ષણ અને તાલીમ માટે 1945માં તેમણે ભાવનગરમાં ‘કલાક્ષેત્ર’ નામની સંસ્થા સ્થાપી. 2002માં તેમાં 300 વિદ્યાર્થીઓ શિક્ષણ અને તાલીમ લઈ રહ્યા હતા. 1962થી 2001 સુધીમાં તેમની આ સંસ્થામાંથી 130 વિદ્યાર્થીઓ ‘વિશારદ’, 50 વિદ્યાર્થીઓ ‘શિક્ષાવિશારદ’, 20 વિદ્યાર્થીઓ અલંકાર (M. Mus.) અને 3 શિક્ષાપારંગત (M.Ed.)ની પદવી પ્રાપ્ત કરી ચૂક્યા છે. વિવિધ વર્ષની વાર્ષિક પરીક્ષા આપનાર વિદ્યાર્થી-સંખ્યા 4,000થી વધુ છે.

1993માં તેઓ દૂરદર્શન, અમદાવાદમાં નૃત્ય પસંદગી સમિતિના સભ્ય હતા. 1997માં ‘નર્તન-દર્શન’ નામના પુસ્તકનું પ્રકાશન. 1944માં ચેન્નાઈ ખાતે ભરતનાટ્યમ્ માટે સુવર્ણચંદ્રક એનાયત. 1984માં ત્રિવેણી પુરસ્કાર, વડોદરા. 1988માં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગેના પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી તરફથી ‘ગૌરવ પુરસ્કાર’. રંગમંચલક્ષી કલાક્ષેત્રના તેમના ચિરંજીવી યોગદાન બદલ ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા 2000-2001ના વર્ષના પંડિત ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડથી તેમનું સન્માન કરાયું.

બળદેવભાઈ કનીજિયા