શાહજહાં : જાણીતા બંગાળી નાટકકાર કવિ દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક. તેમનું રામાયણ-આધારિત ‘સીતા’ નાટક પણ અત્યંત વિખ્યાત છે. રાજપૂત ઇતિહાસના આધારે તેમણે ‘પ્રતાપસિંહ’ નાટક લખ્યું છે. ગુજરાતીમાં તેનો ઝવેરચંદ મેઘાણીએ ‘રાણો પ્રતાપ’ (1923) નામથી અનુવાદ કર્યો છે. દ્વિજેન્દ્રલાલનું મૂળ ‘સાજાહન’(1910)નો ‘શાહજહાં’ (1927) નામે મેઘાણીનો જ અનુવાદ મળે છે. આ નાટક પાંચ અંકો અને અનેક દૃશ્યોમાં વહેંચાયેલું છે અને તે વખતની બંગાળી રંગભૂમિની પ્રથા અનુસાર અનેક ગીતોથી ગૂંથાયેલું છે. શેક્સપિયરની પ્રસિદ્ધ ટ્રૅજેડી ‘કિંગલિયર’નો પ્રભાવ આ નાટક પર છે. નાટકના પહેલા અંકમાં આગ્રાના કિલ્લામાંના તેના આવાસમાં વૃદ્ધ સમ્રાટ શાહજહાંને અર્ધસૂતી અવસ્થામાં હુક્કો તાણતો બતાવેલો છે. એનો સૌથી મોટો પુત્ર દારા શાહજહાંના અન્ય ત્રણ પુત્રો – સુજા, મુરાદ અને ઔરંગઝેબે સમ્રાટ વિરુદ્ધ બળવો કરી રહ્યા હોવાના સમાચાર આપે છે. શાહજહાંની તહેનાતમાં તેની અપરિણીત પુત્રી જહાનઆરા છે, જે આ બંડખોર પુત્રોને સજા આપવાનું કહે છે, પણ વૃદ્ધ અશક્ત પુત્રસ્નેહાંધ શાહજહાં ત્યાંથી દેખાતા તાજમહાલ તરફ આંગળી ચીંધી આ મા વગરના પુત્રોને પોતે સમજાવી લેશે એમ કહે છે. ગાદી મેળવવા લડતા પુત્રોમાં ઔરંગઝેબ દગાબાજી કરી વૃદ્ધ શહેનશાહને એના જ રાજમહેલમાં લગભગ બંદી બનાવી પોતે તખ્તનશીન થઈ સમ્રાટ બની બેસે છે અને રાજ્યને નિષ્કંટક બનાવવા દારાનો વધ કરાવે છે. શુજા અને મુરાદ પણ મૃત્યુને ભેટે છે. ઔરંગઝેબનું આ અપ્રત્યાશિત આચરણ વૃદ્ધ અસહાય શાહજહાંને ઉન્મત્ત અવસ્થામાં લાવી દે છે અને નાટકમાં લાંબી લાંબી ઉક્તિઓમાં પોતાના વંધ્ય ક્રોધને વ્યક્ત કરે છે. (બે પુત્રીઓથી છેતરાયેલા કિંગલિયરની એકોક્તિઓની યાદ આવે.) નાટકમાં ઔરંગઝેબને ખલનાયક તરીકે નાટકકાર ચીતરવા માગતા ન હોય એમ, એને નાટકને અંતે શાહજહાંની માફી માગતો બતાવ્યો છે. જહાનઆરા તો એની ચાલબાજી સમજી જાય છે. શાહજહાં ભલે ક્ષમા કરે પણ નાટકની અંતિમ ઉક્તિમાં નિહત દારાની બેટી જોહરત ઔરંગઝેબને અભિશાપ આપે છે કે મરતી વખતે તારા લલાટ પર ખુદાની કરુણાનો છાંટો પણ નહિ પામે. નાટકમાં મુઘલકાલીન વાતાવરણ છતાં જોધપુરના રાણી મહામાયા જેવાં પાત્રો દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત થઈ છે. મેઘાણીના અનૂદિત ગીતમાં એ જન્મભૂમિ માટેનો પ્રેમ – ‘ધન ધાન્ય ફૂલે લચકેલી / આ વસુધાના પટ માંય / કો સ્વપ્ન થકી સરજેલી / મુજ જન્મભૂમિ લહેરાય……’ જેવી પંક્તિઓમાં ઊતરેલો ગુજરાતી વાચકોને પરિચિત છે. નાટકનું સંઘટન ચુસ્ત અને સુગ્રથિત છે. તેમાંનાં બધાં પાત્રો જીવંત છે અને સંવાદો પણ પ્રભાવાત્મક છે.

ભોળાભાઈ પટેલ