શાહજહાં (. 15 જાન્યુઆરી 1592, લાહોર; . 22 જાન્યુઆરી 1666, આગ્રા) : શહેનશાહ જહાંગીરનો પુત્ર અને પાંચમો મુઘલ સમ્રાટ. તેનું મૂળ નામ ખુર્રમ હતું. તેની માતા મારવાડના નરેશ ઉદયસિંહની પુત્રી હતી. ખુર્રમ અકબરને બહુ પસંદ હતો. તેણે સૂફી વિદ્વાનો પાસે અભ્યાસ કર્યો હતો. તેને તીરંદાજી, પટ્ટાબાજી અને ઘોડેસવારીમાં વધુ રસ હતો. 1607માં તેને 8,000 જાટ અને 5,000 સવારનો મનસબદાર નીમવામાં આવ્યો. 1612માં તેનું લગ્ન નૂરજહાંના ભાઈ આસફખાનની દીકરી મુમતાજમહાલ સાથે થયું હતું. તેણે મેવાડના રાણા અમરસિંહ સામે વિજય મેળવીને (1614) કુશળ સેનાપતિ તરીકે કીર્તિ મેળવી. તેણે અહમદનગર સામે વિજય મેળવ્યો. તેથી જહાંગીરે તેને બઢતી આપીને વીસ હજાર સવારના મનસબપદે નીમ્યો; ‘શાહજહાં’નો ખિતાબ આપ્યો અને દરબારમાં શહેનશાહની બાજુમાં સ્થાન આપ્યું. તેણે 1618માં કાંગરાનો જાણીતો મજબૂત કિલ્લો જીતી લીધો. જહાંગીરનું મૃત્યુ થતાં તે 6 ફેબ્રુઆરી 1628ના રોજ આસફખાનની મદદથી ગાદીએ બેઠો. તેણે શહરિયાર, ખુશરૂના પુત્ર દાવરબક્ષ, તેના ભાઈ ગુરશાસ્ત્ર તથા દાનિયાલના બે પુત્રોની હત્યા કરાવી.

શાહજહાં

તેણે તેના સસરા આસફખાનને 8,000 સવારના મનસબપદે નીમ્યો. મહાબતખાનને અજમેરના હાકેમ અને 7,000 સવારના મનસબપદે નીમ્યો અને તેને ‘ખાનખાનાં’નો ખિતાબ એનાયત કર્યો. તેના શાસનના પ્રથમ વર્ષે બુંદેલખંડના સરદાર જુઝારસિંહે બળવો કર્યો. સેનાપતિ મહાબતખાને તેને હરાવ્યો. શાહજહાંએ તેને માફી આપી દક્ષિણમાં મુઘલ સેવામાં મોકલ્યો. 1636માં તેણે ફરીવાર બળવો કર્યો. મુઘલ સૈન્યે તેને હરાવ્યો. શાહજહાંએ તેની રાજધાની ઓરછાનું હિંદુ મંદિર મસ્જિદમાં ફેરવી નાખ્યું અને બુંદેલખંડનાં કેટલાંક હિંદુ મંદિરોનો નાશ કરાવ્યો. 1629માં અફઘાન સરદાર ખાનજહાંએ બળવો કર્યો. તે શાહજહાંએ જાતે કચડી નાખ્યો. બંગાળમાં હુગલી નદીની પાસેના વિસ્તારમાં પોર્ટુગીઝો અત્યાચારો અને વટાળવૃત્તિ કરતા હોવાથી શાહજહાંએ તેમને અંકુશમાં લીધા.

શાહજહાંએ દક્ષિણ ભારતનાં શિયાપંથી રાજ્યો તરફ આક્રમક નીતિ અપનાવી હતી. અહમદનગરનું નિઝામશાહી રાજ્ય મુઘલ સામ્રાજ્યની દક્ષિણની સરહદથી નજીક હતું. દક્ષિણના મુઘલ સૂબા ઔરંગઝેબે ત્યાંના સુલતાનને હરાવી અહમદનગરના કિલ્લા જીતી લીધા. શાહજહાંએ ગોલકોંડાના સુલતાન પાસે મુઘલોની સર્વોપરિતા સ્વીકારાવી, તેને ખંડિયું રાજ્ય બનાવ્યું. ત્યાં રાજધર્મ શિયાને બદલે સુન્ની બન્યો. શાહજહાંએ બીજાપુરના સુલતાન આદિલશાહને હરાવવા આસફખાનની આગેવાની હેઠળ મુઘલ સૈન્ય મોકલ્યું (1631). તે નિષ્ફળ ગયું. બીજી વાર શાહજહાંએ બીજાપુરને ઘેરો ઘાલ્યો (1636). છેવટે બીજાપુરના સુલતાને મુઘલોનું આધિપત્ય સ્વીકાર્યું.

દક્ષિણના સૂબા તરીકે 1636થી 1644 દરમિયાન ઔરંગઝેબે રાજપૂત સેનાપતિ ભોજબાલ પાસેથી ઓસાનો કિલ્લો, ગોંડ પ્રદેશના વિદ્રોહી સરદારો પાસેથી અસ્ત અને કતાન્જહાર, રાજા બૈરામ શાહ પાસેથી બાગલાણનો કિલ્લો, શાહજી ભોંસલેને હરાવી જુન્નર તથા બીજા છ કિલ્લા જીતી લીધા.

દક્ષિણના સૂબા તરીકે 1653થી 1657 દરમિયાન ઔરંગઝેબની બીજી વખતની કારકિર્દી યશસ્વી હતી. તેણે મહેસલૂ-ક્ષેત્રે અનેક સુધારા કર્યા. તેથી તે પ્રદેશોની આર્થિક સ્થિતિ સુધરી અને દક્ષિણનાં રાજ્યો સમૃદ્ધ થયાં. ગોલકોંડા પર ઔરંગઝેબે આક્રમણ કર્યું; પરન્તુ શાહજહાંની સૂચનાથી સંધિ કરવી પડી.

શાહજહાંની વાયવ્ય સરહદની એટલે કે કંદહારની નીતિ સામ્રાજ્ય માટે ખતરનાક નીવડી. કંદહાર પરનાં ત્રણ નિષ્ફળ આક્રમણોને લીધે સામ્રાજ્યને વિપુલ ખર્ચ અને સૈનિકોની ખુવારી વેઠવી પડી. કંદહારના ત્રણ વારનાં આક્રમણ માટે મુઘલોને 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો; છતાં થોડો પ્રદેશ પણ ન મળ્યો, આર્થિક સ્થિતિ કથળી ગઈ અને સામ્રાજ્યની પ્રતિષ્ઠા ઘટી.

શાહજહાંએ બલ્ખ, બદક્ષન, બુખારા, સમરકંદ વગેરે મધ્યએશિયાના પ્રદેશો જીતી લેવાના પ્રયાસો કર્યા; પરન્તુ હિંદુકુશ પર્વતની હારમાળા ઓળંગીને લશ્કર લઈ જવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. તે એક મૂર્ખામીભર્યું સાહસ હતું. તે માટે મુઘલ સામ્રાજ્યને આર્થિક તથા સૈનિકોની ભારે ખુવારી ભોગવવી પડી. આમ વાયવ્ય સરહદ ઓળંગીને યુદ્ધ કરવા જતાં મુઘલોના સામ્રાજ્યવાદને ભારે કિંમત ચૂકવવી પડી.

શાહજહાં સપ્ટેમ્બર 1657માં બીમાર પડ્યો કે તુરત જ તેના ચાર પુત્રો દારા, શુજા, ઔરંગઝેબ અને મુરાદ વચ્ચે વારસાવિગ્રહ શરૂ થયો. તેમાં ઔરંગઝેબ જીત્યો. તેણે શાહજહાંને કેદ કર્યો અને તે દશામાં જ તે મરણ પામ્યો. શાહજહાં કટ્ટર સુન્ની મુસ્લિમ હતો. તેણે અસહિષ્ણુ ધાર્મિક નીતિ અમલમાં મૂકી હતી. તેણે શાહી દરબારને ઇસ્લામી સ્વરૂપ આપ્યું. તેણે રક્ષાબંધન, દશેરા, વસંતપંચમી વગેરે હિંદુ તહેવારો ઊજવવાની મનાઈ ફરમાવી. મુસ્લિમ તહેવારો શાહી તહેવારો તરીકે ઊજવવામાં આવતા. તેણે વહીવટી તંત્રમાં ફક્ત મુસલમાનોને નીમવાની નીતિ અપનાવી. શાહજહાંએ હિંદુ મંદિરોનો નાશ કરવાની જેહાદ જગાવી. તેણે અલ્લાહાબાદ પ્રાંત, બનારસ, ગુજરાત, બુંદેલખંડ તથા કાશ્મીરમાં હિંદુ મંદિરો તોડાવી, તેમના અવશેષો પર મસ્જિદો ચણાવી. તેના શાસન દરમિયાન રાજ્ય તરફથી લાલચો આપીને હિંદુઓને ઇસ્લામ ધર્મ સ્વીકારવા બાધ્ય કરવામાં આવતા. કેટલીક વાર બળજબરીથી ઇસ્લામ ધર્મ સ્વીકારાવ્યો હતો.

શાહજહાંએ હિંદુઓને મુસ્લિમોનાં જેવાં વસ્ત્રો પહેરવાની, દારૂ વેચવાની, કબ્રસ્તાન નજીક શબનો અગ્નિસંસ્કાર કરવાની અને મુસ્લિમ યુદ્ધ-કેદીઓને ગુલામ તરીકે ખરીદવાની મનાઈ ફરમાવી હતી.

તેણે આગ્રામાં, મુમતાજમહાલની યાદમાં તાજમહાલ બંધાવ્યો. તેને કલાવિવેચકો ‘સંગેમરમરમાં કંડારેલું પ્રેમકાવ્ય’ કહે છે. આ ઉપરાંત તેણે આગ્રાના કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, મોતી મસ્જિદ વગેરે ઇમારતો બંધાવી. તેણે આશરે સાત કરોડના ખર્ચે બનાવેલ ‘મયૂરાસન’ ઉત્તમ કલાકૃતિ હતી. તેણે દિલ્હી પાસે લાલ કિલ્લો અને તેમાં ઇમારતો બંધાવ્યાં હતાં.

તેનો સમય આંતરિક દૃષ્ટિએ શાંતિ અને સલામતીનો હતો. આર્થિક દૃષ્ટિએ શાહજહાંનો સમય સમૃદ્ધ હતો. યુરોપ અને એશિયાના દેશો સાથે ભારતનો વેપાર ચાલતો હતો. ઈ. સ. 1630-32માં ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો, તે ‘સત્યાશિયો કાળ’ તરીકે જાણીતો છે. તે સમયે શાહજહાંના હુકમથી અમદાવાદ, સૂરત અને બુરહાનપુરમાં લંગરખાનાં ખોલીને ગરીબોને ખોરાક આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી; આમ છતાં દુકાળમાં લાખો માણસો મરણ પામ્યા હતા.

જયકુમાર ર. શુક્લ