શાસ્ત્રી, વી. સુબ્રમણ્ય (. 1907) : સંસ્કૃતના વિદ્વાન લેખક. સંસ્કૃતના પંડિતોના જાણીતા પરિવારમાં જન્મ. નાનપણથી જ પાંડિત્યવાળા વાતાવરણમાં ઉછેર થવાથી કિશોરાવસ્થામાં જ તેઓ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યથી સુપરિચિત થયા હતા. મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીની ‘ન્યાયશિરોમણિ’ની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા અને પિટ્ટી મુનુસ્વામી ચેટ્ટી સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. એ ઉપરાંત કાંચીના શંકરાચાર્ય, કોચિનના મહારાજા તથા ત્રાવણકોર સરકારના ચંદ્રકો પણ તેમને મળ્યા. 1940માં કોચિનના મહારાજાએ તેમને ‘પંડિતરાજા’નો ખિતાબ આપ્યો અને 1966માં કાંચીના શંકરાચાર્યે ‘શાસ્ત્રરત્નાકર’નું બિરુદ આપ્યું. અન્નામલાઈ યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે અધ્યાપન કર્યા પછી તેઓ મદ્રાસ(ચેન્નાઈ)ની સંસ્કૃત કૉલેજમાં વેદાંતના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1969માં ભારતના રાષ્ટ્રપતિ તરફથી તેમને ‘સર્ટિફિકેટ ઑવ્ ઑનર’ અપાયું.

તેમનું જીવન જ્ઞાનને સમર્પિત છે. તેમણે ‘ન્યાય’ તથા ‘અદ્વૈત વેદાંત’ અંગેની સંખ્યાબંધ કૃતિઓની સટીક આવૃત્તિઓ સંપાદિત કરી છે. પ્રાચીન જ્ઞાનભંડાર વિશે તેમણે સંખ્યાબંધ સંશોધનલેખો પ્રગટ કર્યા છે. વળી અદ્વૈત અંગેના એક ગ્રંથનું તમિળમાં ભાષાંતર પણ કર્યું છે.

‘શબ્દતરંગિણી’ (1969) નામના તેમના પુસ્તકને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1970ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. પુરસ્કૃત કૃતિ, શબ્દમાં રહેલી અસીમ શક્તિ તથા તે દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન અને બોધનાં વિવિધ પાસાંની ચર્ચા કરતો મૌલિક પ્રબંધ છે. તેમાં ‘પૂર્વમીમાંસા’ની ધારાઓ (schools) તથા સંસ્કૃત વૈયાકરણીઓની ‘ન્યાય’ની ધારાના દૃષ્ટિબિંદુથી વિવેચનાત્મક આલોચના કરી છે. ગહન વિદ્વત્તા તથા પ્રવાહી વિષયાલેખન માટે તે કૃતિ સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

મહેશ ચોકસી