શાલિગ્રામ : ભગવાન વિષ્ણુનું કાળા અને લીલા ગોળ પથ્થરનું સ્વરૂપ. ગંડકી અને ગોમતીમાંથી ઉત્પન્ન થયેલી વજ્રકોટિએ કોરેલી ચક્રયુક્ત શિલાને શાલગ્રામ કે શાલિગ્રામ કહે છે. આ સિવાય દ્વારકામાં પણ આવી શિલા મળે છે. આ શિલામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. આ શિલામાં દેવની પ્રતિષ્ઠા કરવાની હોતી નથી. આ શિલાને વિષ્ણુ ગણી અભિષેકપૂર્વક વિવિધ ઉપચારથી દરરોજ પૂજવી જોઈએ. શાલગ્રામમાં બધા જ દેવોની પૂજા થાય છે. આમાં દેવતાનાં આવાહન અને વિસર્જન થતાં નથી.
ગંડકીતીર અને દ્વારકા જ ભગવાનની ચક્રરૂપ લીલાનાં સ્થાન છે.
‘બ્રહ્મવૈવર્તપુરાણ’ અનુસાર શંખચૂડનું રૂપ લઈ વિષ્ણુએ તુલસીને ભ્રષ્ટ કરવાથી તુલસીના શાપને લીધે વિષ્ણુ પાષાણરૂપ બન્યા. ગંડકી તીરે શિલા રૂપે રહેલા વિષ્ણુમાં વજ્રકીટ, કૃમિ અને દંષ્ટ્ર ગણ ‘ચક્ર’ કોરી કાઢે છે.
‘ધર્મસંહિતા’ અનુસાર ભગવાન હિરણ્યગર્ભ સ્વયં નારાયણ છે. વજ્રકીટ રૂપે પૃથ્વી ઉપર સુવર્ણભ્રમર બની ભમતા જોઈ દેવોએ ભ્રમરનું સ્વરૂપ લીધું. હિરણ્યગર્ભે વૈનતેયાસીને હરિને રોકતાં તે મોટા ખાડામાં છુપાઈ ગયા. દેવ-ભ્રમરો પણ તેમને અનુસર્યા. તેથી શંખ સમા નિવાસધામ સાથે ચક્રાકાર શિલા ઉત્પન્ન થઈ.
‘મેરુતંત્ર’ના પાંચમા પટલમાં શાલિગ્રામની ઉત્પત્તિ, શિલા-નિર્ણય અને તેનું માહાત્મ્ય વર્ણવાયું છે. આના પરિણામે ગિરિરાજની દક્ષિણે ગંડકીપર્યંત દશયોજન ભૂમિ મહાપુણ્યક્ષેત્ર બની અને ચક્રતીર્થ થયું. અહીં ગંડકી અને તેમાં મળતા શાલિગ્રામ પાષાણ ભુક્તિ અને મુક્તિ આપે છે.
‘પદ્મપુરાણ’(પાતાલ ખંડ અ. 10)માં શાલગ્રામની વિશિષ્ટ રેખાઓના આધારે પૂજા માટેની યોગ્યતા જણાવાઈ છે.
‘મેરુતંત્ર’માં વિશિષ્ટ વર્ણની શિલાઓનાં પૂજનનાં ફળ વર્ણવ્યાં છે. સ્નિગ્ધ અને રુક્ષ વર્ણની, પીતવર્ણની, નીલવર્ણની કે સમશિલાની પૂજાથી અનુક્રમે સિદ્ધિલાભ, પુત્રપ્રાપ્તિ, લક્ષ્મીલાભ અને સર્વાર્થસિદ્ધિ મળે છે. આ ઉપરાંત પદ્મ અને ચક્રના આધારે લક્ષ્મીહરિ, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, કેશવ, નારાયણ, હરિ, પરમેષ્ઠી, વિષ્ણુ, મહાનૃસિંહ, લક્ષ્મીનૃસિંહ, પૃથ્વીવરાહ, મત્સ્ય, કૂર્મ, હયગ્રીવ, હયશીર્ષ, વૈકુંઠ, વામન, દધિવામન, સુદર્શન, સહસ્રાર્જુન, દામોદર, રાધા-દામોદર, અનન્ત, પુરુષોત્તમ, યોગેશ્વર, ગરુડ, લક્ષ્મીનારાયણ, હૃષીકેશ, ત્રિવિક્રમ, કૃષ્ણ અને ચતુર્ભુજ જેવા નામપ્રકાર ધરાવતા શાલિગ્રામની પૂજા વિભિન્ન પ્રકારનાં ઇહલૌકિક અને પારલૌકિક અભીષ્ટ ફળ આપે છે.
તિર્યક્-ચક્રી, બદ્ધચક્રી, ક્રૂર; સ્ફોટવિશિષ્ટ; રુક્ષા, કુરૂપા, વિષ્ટરા, અનાસ્યા, કરાલા, વિકરાલા, કપિલા, વિષમાવર્તા, વ્યાલાસ્યા, કોટરયુક્તા, ભગ્ના, મહાસ્થૂલા, રુધિરાનના, એકચક્રયુતા, દર્દુરા, બહુચક્રયુતા, અધોમુખી, ભગ્નચક્રા, નક્રદ્વારા, આવૃતચક્રા, બહુરેખાયુક્તા, ભગ્નચક્રા, દીર્ઘચક્રા. પંક્તિચક્રા, મસ્તકાસ્યા અને અરિહના શિલા શાલિગ્રામ તરીકે પૂજવાયોગ્ય નથી. મેયકી, પાંડુ, મલિનવર્ણા, ઘૂમાતી, રક્તવર્ણા, ચક્રશિલા, સિંધુરાત્મા જેવી શિલાઓ પણ નિન્દિત છે.
ચક્રાદિ ચિહ્નયુક્ત શિલા પૂજવા યોગ્ય છે; ભગ્નશિલા, સુયોગ્ય લક્ષણરહિતા આદિ શિલા પૂજવા યોગ્ય નથી.
શાલિગ્રામ ઉપર એકથી બાર ચક્ર અંકિત હોય છે. એકચક્રના 16, દ્વિચક્રના 88, ત્રિચક્રના 11, ચતુશ્ર્ચક્રના 16, પંચચક્રના 6, ષટ્ચક્રના 7, સપ્તચક્રના 6, અષ્ટચક્રના 4, નવચક્રનો 1, દશચક્રના 3, એકાદશચક્રના 2, દ્વાદશચક્રનો 1 પ્રકાર છે. બહુચક્રના 8 પ્રકારો ગણાવાયા છે.
એકચક્રશિલાના વૈકુંઠ, મધુસૂદન, સુદર્શન, સહસ્રાર્જુન, નરમૂર્તિ, રામમૂર્તિ, લક્ષ્મીનારાયણ, વીરનારાયણ, ક્ષીરાબ્ધિશયન, માધવ, હયગ્રીવ, પરમેષ્ઠી, વિશ્વક્સેન, વિષ્ણુપંજર, ગરુડ, બુદ્ધ, હિરણ્યગર્ભ, પીતામ્બર અને પદ્મનાભ પ્રકારો છે. ગંડકીમાં મળતી શિલાઓ દ્વિચક્રા હોય છે. મત્સ્ય, કૂર્મ વગેરે તેનાં નામ છે. દ્વારકામાં મળતી શિલાઓને ચક્રશિલા કે દ્વારકાચક્ર કહે છે. તેમાંથી કેટલીક ત્યાજ્ય અને કેટલીક પૂજ્ય છે. આ બે શિલાઓ સાથે જ પૂજાય. ગૃહસ્થે એક શાલિગ્રામ ન પૂજવો જોઈએ. એક ચક્રવાળી શિલા પૂજા માટે ગ્રાહ્ય નથી. બે ચક્રવાળી જ શિલા પૂજામાં રખાય.
નારાયણની શાલિગ્રામ પૂજા કરવાથી કોટિયજ્ઞ કે કોટિ ગૌદાનનું ફળ મળે છે. અસંખ્ય પાપોમાંથી મુક્તિ મળે છે. શાલિગ્રામનાં દર્શન, સ્મરણ, કીર્તન પણ પાપમુક્તિ કરે છે અને સાંખ્યયોગ સિવાય મોક્ષ મળે છે.
શાલિગ્રામની સામે શ્રાદ્ધ, હોમ, દાન વગેરે કરવાં જોઈએ. સ્ત્રી, બાળક કે શૂદ્ર અશુદ્ધિપૂર્વક શાલિગ્રામને સ્પર્શ કરે તો પંચગવ્ય, પંચામૃત વગેરેથી શાલિગ્રામને અભિષેક કરી પૂજન કરવું જોઈએ.
વેંકટગિરિ કે તિરુમલૈ ઉપર આવેલું ચક્રતીર્થ પણ આવો જ મહિમા ધરાવે છે.
દશરથલાલ વેદિયા