શાલિવાહન : એક ભારતીય રાજા, જેનું વર્ણન લોકકથાઓમાં મળે છે; પરંતુ તેના સમયનો કોઈ ઐતિહાસિક અભિલેખ કે મુદ્રા હજી સુધી મળ્યાં નથી, તેથી તેની ઐતિહાસિકતા સંદિગ્ધ છે. કેટલાક લોકો તેને ગઝનીના શક જાતિના રાજા ગજનો પુત્ર માને છે, જેનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું અને તેનું પાટનગર ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર હતું. કેટલાક વિદ્વાનોના મતાનુસાર તેણે શક સંવત ચાલુ કરી હતી. સૌરાષ્ટ્રના ગોહિલ રાજાઓ પોતાને શાલિવાહન રાજાના વંશજ ગણાવે છે. આ શાલિવાહન તે સામાન્યત: દખ્ખણના પ્રતિષ્ઠાન (પૈઠણ) નગરનો પ્રસિદ્ધ પ્રાચીન રાજા શાલિવાહન મનાય છે. વળી એ મેવાડના ગુહિલ વંશનો રાજા શાલિવાહન હોવાનો સંભવ પણ મનાયો છે.

અનુશ્રુતિ પ્રમાણે, શાલિવાહન દર વર્ષે તેના શત્રુ ભરુકચ્છ(ભરૂચ)ના નભોવાહન ઉપર ચડાઈ કરતો અને હારી જતો. આખરે શાલિવાહને ભરુકચ્છના રાજા નભોવાહનને હરાવ્યો. નાગરાજ વાસુકિનો પુત્ર નાગાર્જુન પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન રાજાના કલાગુરુ તરીકે નિમાયો હતો. શાલિવાહનને ચંદ્રલેખા નામની સુલક્ષણા પદ્મિની સ્ત્રી હતી.

જયકુમાર ર. શુક્લ