શાર્યાતો : મનુના દશ પુત્રોમાંના એક શર્યાતિના વંશજો. પૌરાણિક અનુશ્રુતિ મુજબ વૈવસ્વત અર્થાત્ વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના દશ પુત્રોમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય મળ્યું હતું. વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિનો ઉલ્લેખ શાર્યાત તરીકે આવે છે. રાજવંશોના નિરૂપણમાં પુરાણો અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ શાર્યાત વંશની માહિતી આપે છે. પ્રથમ પરંપરા અનુસાર શાર્યાતોની વંશાવળીમાં આનર્ત પછી રેવનું નામ આવે છે. બીજી પરંપરા આનર્ત પછી એના પુત્ર રોચમાનનું અને રોચમાન પછી એના પુત્ર તરીકે રેવ કે રેવતનું નામ જણાવે છે. રેવના સો પુત્રોમાં રેવત કકુદ્મી જ્યેષ્ઠ હતો. એ કુશસ્થલીનો સ્વામી થયો હતો. પૌરાણિક વંશાવળીમાં રૈવત કકુદ્મી શાર્યાત વંશનો અંતિમ રાજા છે. હૈહયોની એક શાખા પછીના સમયમાં સંભવત: શાર્યાત નામે ઓળખાઈ. એ પરથી શાર્યાતો સમય જતાં હૈહય પ્રદેશમાં વસી એમના કુલની શાખા રૂપે વિલીન થયા લાગે છે. શાર્યાત રાજાઓના વંશજો નાશ પામેલી કુશસ્થલી નજીક આવેલા રૈવતક ગિરિના પ્રદેશમાં રહ્યા લાગે છે.

જયકુમાર ર. શુક્લ