શાર્ફ, કેની (. 1958, અમેરિકા) : આધુનિક અમેરિકન પૉપ-ચિત્રકાર. બાળકો માટેની અવકાશયુગીન કાર્ટૂન-સ્ટ્રિપ અને કાર્ટૂન-સિરિયલોમાંથી પ્રેરણાપાન કરીને એ કાર્ટૂન-આકૃતિઓને મોટા કદમાં ચીતરનાર તરીકે શાર્ફે નામના મેળવી છે. ‘ધ ફ્લિન્ટ્સ્ટોન્સ’ અને ‘ધ જૅટ્સન્સ’ નામની આવી બે કાર્ટૂન સિરિયલોનો તેમની કૃતિઓ પર ઊંડો પ્રભાવ છે.

તરુણાવસ્થામાં શાર્ફ ન્યૂયૉર્ક નગરની સ્કૂલ ઑવ્ વિઝ્યુઅલ આર્ટના વિદ્યાર્થી હતા અને દક્ષિણ મેન્હટ્ટનમાં ઈસ્ટ વિલેજ ખાતેના ‘ક્લબ – 57’ નામે ઓળખાતા યુવા મિલન અને પ્રવૃત્તિ કેન્દ્ર ખાતે અન્યો સાથે કલાના અવનવા પ્રયોગો કરતા. એ વખતે ન્યૂયૉર્ક નગરની સ્થાનિક રેલવે  મૅટ્રોપૉલિટન ટ્રાન્સપૉર્ટેશન ઑથૉરિટીના ડબ્બા અને સ્ટેશનો પર સોકોએ ચીતરેલ લપેડા(ગ્રાફિતી)માંથી પ્રેરણાપાન કરેલું. આ જ લપેડા તેમને પછીથી બાળકો માટેની કાર્ટૂન-સિરિયલો તરફ ખેંચી ગયા.

અમિતાભ મડિયા