શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle)
January, 2006
શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle) (જ. 11 ડિસેમ્બર 1968 જુવીસી-સૂર-ઑર્ગે, ફ્રાંસ) : ફ્રાંસના પ્રાધ્યાપક અને રસાયણશાસ્ત્રનો 2020નો નોબેલ પુરસ્કાર અમેરિકાના જેનિફર ડાઉના સાથે મેળવનાર તથા સૂક્ષ્મજીવશાસ્ત્ર, જનીનવિદ્યા અને જૈવરસાયણમાં સંશોધન કરનાર. તેઓ 2015થી બર્લિનમાં આવેલી મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શન બાયૉલૉજીમાં નિયામક તરીકે સેવા આપે છે. 2019માં તેમણે મેક્સ પ્લાંક એકમની સાયન્સ ફૉર પેથોજન્સ માટે નવું સ્વતંત્ર સંશોધન એકમ ઊભું કર્યું છે.
ઇમાન્યૂએલ્લેએ જૈવરસાયણ, સૂક્ષ્મજીવશાસ્ત્ર અને જનીનવિદ્યાનો અભ્યાસ ફ્રાંસમાં પૅરિસમાં આવેલી પિયરી અને મેરી ક્યૂરી યુનિવર્સિટીમાં કર્યો. 1992થી 1995માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ પેશ્ચરમાં અભ્યાસ કરતા હતા. જ્યાં તેમણે પીએચ.ડી. કર્યું. તેમનો વિષય પ્રતિજીવીઓનો પ્રતિકાર કરનારી આણ્વીય ક્રિયાવિધિ જાણવાનો હતો. ઇમાન્યૂએલ્લેએ 1993થી 95 દરમિયાન યુનવર્સિટીના સહાયક અધ્યાપક તરીકે પિયારી એન્ડ મેરી ક્યૂરી યુનિવર્સિટીમાં કામગીરી બજાવી હતી. પછી 1995–96 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ પેશ્ચરમાં. 1996–97માં તેઓ અમેરિકા જઈને રૉકફ્લેર યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં પોસ્ટ-ડૉક્ટરલ ફેલો તરીકે સંશોધનકાર્ય કરતા હતા. અહીં તેમણે ન્યૂમોનિયાના જીવાણુ (S. neumoniae) જનીન બદલવા માટે કઈ રીતે કાર્યશીલ થાય છે તેનો અભ્યાસ કરીને આ પ્રકારના જીવાણુ કઈ રીતે પ્રતિકાર માટેની વેનોકોમાઇસીન પણ વિકસાવે છે તેનું નિદર્શન પણ કરી બતાવ્યું.
ઇમાન્યૂએલ્લેએ ન્યૂયૉર્ક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં સહાયક સંશોધન-વિજ્ઞાની તરીકે 1997થી 1999 સુધી કામગીરી બજાવી. અહીં સસ્તન પ્રાણીઓમાં જનીન અંગેના કાર્ય-વ્યવહાર માટેનો વિચાર ઉદભવ્યો. ઇમાન્યૂએલ્લેએ ઉંદરમાં વાળ કેવી રીતે વિકાસ પામે છે તે અંગેનો સંશોધનલેખ પ્રગટ કર્યો. 1999થી 2002 દરમિયાન તેઓ ચિલ્ડ્રન્સ રિસર્ચ હૉસ્પિટલ અને સ્કીરબોલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયૉમૉલેક્યુલર મેડિસિનમાં સંશોધન-વિજ્ઞાની તરીકે રહ્યા.
પાંચ વર્ષ અમેરિકામાં રહીને ઇમાન્યૂએલ્લે પાછા યુરોપ આવ્યા. અહીં તેઓ યુનિવર્સિટી ઑવ્ વિએનામાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રોબાયૉલૉજી ઍન્ડ જીનેટિક્સમા પ્રયોગશાળાના અધ્યક્ષ અને આમંત્રિત પ્રાધ્યાપક તરીકે 2002માં જોડાયા. 2004માં તેમણે સ્ટ્રેપ્ટોકોક્સ પ્યોજિન્સમાં વિષાણુ-સંશ્લેષણમાં આર.એન.એ. કઈ રીતે ભાગ લે છે તે અંગેનું પોતાનું સંશોધન પ્રગટ કર્યું. ત્યારબાદ ઇમાન્યૂએલ્લે સ્વીડન ગયા. ત્યાં ઊમિય યુનિવર્સિટીમાં પ્રયોગશાળાના અધ્યક્ષ અને સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા. ત્યાંથી 2013માં તેઓ જર્મની ગયા. પરંતુ 2017 સુધી મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. બે વર્ષ જર્મનીની હનનોવૌર મેડિકલ સ્કૂલમાં વિભાગીય અધ્યક્ષ તરીકે તેઓ રહ્યા.
2015માં ઇમાન્યૂએલ્લેએ જર્મન મૅક્સ પ્લાંક સોસાયટીનું સભ્યપદ સ્વીકાર્યું.
2011માં ઇમાન્યૂએલ્લેની જેનિફર સાથે મુલાકાત થઈ. તેમણે એકબીજાના સહકારથી કામ કરવાનું નક્કી કર્યું. ઇમાન્યૂએલ્લેની પ્રયોગશાળામાં જનીનના પ્રતિરક્ષણ તંત્રનો ઉપયોગ ડી.એન.એ. શૃંખલામાં કોઈ પણ જગ્યાએ કાપ મૂકીને જરૂર હોય તેવી ડી.એન.એ. શૃંખલા બનાવી શકાય છે તે અંગેના પ્રયોગો સફળ રહ્યા. તેમણે વિકસાવેલી પદ્ધતિમાં પ્રતિરક્ષક જનીન સરળતાથી માર્ગદર્શક આર.એન.એ. તૈયાર કરી આપે છે. આ પદ્ધતિથી જનીનમાં ફેરફાર કરી જનીનનો દૂષિત ભાગ દૂર કરીને તે જગ્યાએ નવો સારો ભાગ જોડી શકાય છે. આ પદ્ધતિનો વનસ્પતિ, પ્રાણી ને પ્રયોગશાળાના કોષમાં દુનિયાભરના સંશોધકોએ આરોગ્ય સારવાર અને રોગ માટે ઉપયોગ કર્યો છે. આ કાર્યને માટે તેમને 2020ના રસાયણ-વિભાગમાં નોબેલ પુરસ્કારના સહભાગીદાર બનાવવામાં આવ્યા.
ઇમાન્યૂએલ્લેને અનેક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય માન-સન્માન પ્રાપ્ત થયાં છે. વિશ્વની જુદી જુદી દસ યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ પીએચ.ડી.થી સન્માનિત કર્યા છે. જુદા જુદા નવ દેશોની સંસ્થાઓમાં તેઓ સભ્યપદ ધરાવે છે. 2015માં તેમને આઠ, 2016માં બાર, 2017-18માં ચાર સંસ્થાઓ તરફથી માન-સન્માન પ્રાપ્ત થયાં છે. તેમાંથી કેટલાંક આ મુજબ છે : ‘લૂઇસ-જિન્ટેટ પ્રાઇઝ ફૉર મેડિસિન’ (2015); ‘બ્રેક થ્રૂ પ્રાઇઝ ઇન લાઇફ સાયન્સ’ (2015); ‘પ્રિન્સેસ ઑફ ઑસ્ટ્રિયા ઍવૉર્ડ’ (2015); ‘ટેંગ પ્રાઇઝ ઇન બાયૉફાર્માસ્યુટિકલ સાયન્સ’ (2016); ‘કૅનેડા ગાઇર્ડનર ઇન્ટરનેશનલ ઍવૉર્ડ’ (2016); ‘લેબનિજ પ્રાઇઝ’ (2016); ‘પૌર લે મેરિટે’ (2017); ‘જાપાન પ્રાઇઝ’ (2017); ‘કાવલિ પ્રાઇઝ ઇન નેનો સાયન્સ’ (2018); ‘વુલ્ફ પ્રાઇઝ ઇન મેડિસિન’ (2020).
કિશોર પંડ્યા