શારાકુ, તોશુસાઈ (Sharaku Toshusai) [. આશરે 1750, એડો (ટોકિયો), જાપાન; . 1801, એડો (ટોકિયો), જાપાન] : જાપાનની ઉકિયો-ઈ કાષ્ઠછાપ-ચિત્રકલાના પ્રમુખ છાપચિત્રકારોમાંના એક. કાબુકી રંગમંચના નાયક અને નાયિકાઓના હાસ્યપ્રેરક, ક્રુદ્ધ અને ત્રસ્ત વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. શારાકુનો જન્મ એક ધનાઢ્ય કુટુંબમાં થયેલો અને યુવાનીના પ્રારંભે તેમણે ખુદ એક કાબુકી નટ તરીકે કારકિર્દીનો પ્રારંભ કરેલો. 1794માં તેમણે રંગમંચ પડતો મૂકી કાબુકી રંગમંચના નામાંકિત નટનટીઓનાં વ્યક્તિચિત્રો કાષ્ઠછાપ-પદ્ધતિએ આલેખવાં શરૂ કર્યાં. પહેલા વર્ષમાં જ તેમણે 180થી વધુ ચિત્રો તૈયાર કર્યાં. તેમાં રેખા પરની તેમની પાકટ પકડનાં દર્શન થાય છે. મૉડલોના ચહેરા ઉપર હિંસા, આશ્ચર્ય, રૌદ્ર અને ભયાનક ભાવોની અતિશયતા જોવા મળે છે. આ પ્રકારના ભાવો ચૌદમી સદીના મધ્યમાં કામાકુરાકાળના અસ્ત પછી પહેલી જ વાર જાપાની કલામાં શારાકુ લઈ આવ્યા; પરંતુ મૉડેલ બનતાં નટો અને નટીઓ પોતાનાં વધુ પડતાં નાટ્યાત્મક ચિત્રણથી ક્રોધે ભરાયા અને શારાકુએ કાષ્ઠછાપ-ચિત્રકલા છોડી દીધી.

અમિતાભ મડિયા