શામળ (ઈ. 18મી સદી) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા પદ્યવાર્તાકાર. અમદાવાદના વેગનપુર(હાલનું ગોમતીપુર)માં વસેલા માળવા બાજુના શ્રીગોડ બ્રાહ્મણ. પિતા વીરેશ્વર. માતા આણંદબાઈ. કવિ પોતાને ‘શામળ ભટ્ટ’ તરીકે ઓળખાવે છે, પરંતુ તેમાં ‘ભટ્ટ’ શબ્દ કથાકાર બ્રાહ્મણના અર્થમાં પ્રયોજાયો છે. ખરેખર તો કવિની અટક ‘ત્રવાડી’ હતી. તેઓ પોતાને ઘણી વાર ‘સામકી’ (= સામવેદી એટલે ત્રવાડી-ત્રિવેદી) એ રીતે ઓળખાવે છે. કવિ પોતાને નાહાના ભટના શિષ્ય તરીકે ઓળખાવે છે. ‘સંસ્કૃત માંહેથી શોધિયું, ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ’ આ પંક્તિ પરથી લાગે છે કે નાહાના ભટ પાસેથી સંસ્કૃત પુરાણો અને પિંગળનું જ્ઞાન તેમણે મેળવ્યું હોય તથા સંસ્કૃત-પ્રાકૃત વાર્તાભંડારોનું તેમની પાસે બેસી શ્રવણ કર્યું હોય. વાર્તાકાર તરીકે તેમની ખ્યાતિ પ્રસરતાં માતર પરગણાના સિંહુજ ગામના રખીદાસે કવિને માનપૂર્વક સિંહુજ પોતાની પાસે બોલાવીને રાખ્યા હતા. એટલે કવિનું કેટલુંક સર્જન સિંહુજમાં થયું હતું.
‘શિવપુરાણ’ અને ‘પદ્માવતી’નાં રચનાવર્ષ ઈ. 1718 અને ‘સૂડાબહોતેરી’નું રચનાવર્ષ ઈ. 1765 મળે છે. એટલે એમનો જીવન અન રચનાકાળ ઈ. 18મી સદીમાં વિસ્તરેલો માની શકાય.
કવિના જીવન વિશે કેટલીક પ્રચલિત જનશ્રુતિઓ મળે છે કે કવિએ પહેલાં પુરાણી તરીકે કારકિર્દી શરૂ કરી; પરંતુ સમવ્યવસાયીઓની ઈર્ષ્યાને લીધે એ ક્ષેત્ર છોડી તેઓ વાર્તાકાર બન્યા કે પોતાની ભાગવતકથાને શ્રોતાઓ ન મળવા દેનાર ભવાયાઓને બોધપાઠ આપવા તેમણે ભાગવતકથા છોડી બત્રીશ પૂતળીની વાર્તા શરૂ કરી કે પ્રેમાનંદ ને પ્રેમાનંદસુત વલ્લભ સાથે વ્યાવસાયિક સ્પર્ધા નિમિત્તે તેમને ઝઘડો થયેલો; પરંતુ, આ જનશ્રુતિઓને કોઈ આધાર નથી. શામળના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જનમાં મોટાભાગનું સર્જન પદ્યવાર્તાઓનું છે. આ વાર્તાઓ સંસારરસની માનવકથાઓ છે. ‘નરનારીની ચાતુરી, નરનારીનાં ચરિત્ર’ એમની વાર્તાઓનો વર્ણ્યવિષય રહ્યો છે. ‘ચરિત્ર’ એટલે વર્તનવ્યવહાર. એમાં એમની પ્રકૃતિના ઉમદા અંશો તેમજ કામ, લોભ, વેર વગેરે માનવસહજ નબળાઈઓનું વાસ્તવદર્શી પરંતુ અતિરંજિત ચિત્રણ શામળે કુશળતાથી કર્યું છે. એમાં એમની દુનિયાના જાણતલની અદાનો અનુભવ ભાવકને થાય છે. આ ચિત્રણ ઘટનાઓ અને પાત્રોના સંદર્ભે એમણે કર્યું છે. એમાં અદ્ભુત રસ અને કલ્પનાનો વૈભવ છે. એનું કારણ એ છે કે એમની વાર્તાઓનું વસ્તુ સ્મૃતિસંચિત પરંપરાપ્રાપ્ત લોકવાર્તાઓનું છે; જે મોટા પ્રમાણમાં અદ્ભુતરસિક અને કાલ્પનિક હતું.
પૂર્વભવસ્મૃતિ, પરકાયાપ્રવેશ, મૃતસંજીવન, સ્વર્ગપાતાલગમન, આકાશગમન; માણસને પોપટ, પુરુષને સ્ત્રી, અને સ્ત્રીને બિલાડી બનાવી દેતાં કામણટૂમણ અને ચમત્કારો; જાદુઈ દંડ વગેરેના વાતાવરણથી તેમજ માનવપાત્રોની સાથે એટલી જ સાહજિકતાથી કામ કરતાં સિદ્ધો, જોગણીઓ, વેતાળ જેવાં અપાર્થિવ સત્વો તથા હંસ, પોપટ, નાગ વગેરે જેવા તિર્યગ્યોનિના જીવો વાર્તાઓમાં પાત્ર તરીકે આવે છે; તેથી આ વાર્તાઓની સૃષ્ટિ અદ્ભુતરસિક બની રહી છે. વર્ણાન્તરલગ્નો, પ્રેમ, વિયોગ, સંકટો, સાહસ, પ્રવાસ ચમત્કારો વગેરેથી ભરપૂર તત્વો આ વાર્તાઓની લાક્ષણિકતાઓ છે.
શામળને પરંપરાથી ચાલી આવતી લોકવાર્તાઓનો ભંડાર સીધેસીધો મળ્યો છે. ‘સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ જેવી પંક્તિઓ દ્વારા શામળે એનો મુક્તપણે સ્વીકાર કર્યો છે. ‘સિંહાસનબત્રીશી’ અને ‘સૂડાબહોતેરી’ જેવી એમની વાર્તામાળાઓ કે એમની સ્વતંત્ર લાગતી વાર્તાઓનાં વસ્તુ કે કથાઘટકો ‘બૃહત્કથા’, ‘કથાસરિત્સાગર’, ‘દશકુમારચરિત’, ‘બિલ્હણપંચાશિકા’, ‘સિંહાસનદ્વાત્રિંશિકા’, ‘વેતાલપંચવિંશતિ’, ‘શુકસપ્તતિ’, ‘ભોજપ્રબંધ’ વગેરેમાં તથા પુરોગામી જૈન-જૈનેતર વાર્તાકવિઓની વાર્તાઓમાંથી અવશ્ય મળી આવે તેમ છે. શામળની વિશેષતા કે આવડત એ પ્રાચીન વાર્તાભંડારનો સંયોજનકૌશલથી રસપોષક અને રસવર્ધક ઉપયોગ કરવામાં છે. આ કૌશલમાં શામળ પ્રેમાનંદને મળતા આવે છે. મળેલી મૂળ કૃતિને તેઓ માત્ર પોતાની ભાષામાં ઉતારવા જેટલો જ પ્રયત્ન નથી કરતા, પરંતુ પોતાના સ્વતંત્ર રાહે ચાલી તેમાં ઘટતા ઉમેરા અને નવી ગોઠવણો કરે છે એટલે જ મૂળ કથા રૂપાંતર પામીને ભાવક સમક્ષ આવે છે.
વાર્તાઓને રસથી ભરપૂર બનાવવા શામળે મનોરંજનની સાથે સમસ્યા અને બુદ્ધિવિનોદનું તત્વ પણ રજૂ કર્યું છે. આ સમસ્યાઓ વૈવિધ્યસભર હોય છે. એમાં શબ્દરમત, ગણિતગમ્મત, ઉખાણાં, સગપણના કોયડા વગેરે આવે છે. આ સમસ્યાઓ કથાસંયોજનના એક ભાગ રૂપે આવે છે. મનોરંજનની સાથે શ્રોતાઓને ‘ડહાપણ’ શીખવવાના હેતુથી પાપ, પુણ્ય, દારિદ્ય્ર, સાહસ, મૃત્યુ, કામવૃત્તિ, વિદ્યા, દાતા વગેરે અનેક વિષયો પરનાં વ્યવહારબોધક સુભાષિતો પ્રસંગે કે અપ્રસંગે એમની વાર્તાઓમાં આવે છે. આ નીતિબોધ વ્યવહારનીતિ શીખવે છે, પણ મહદંશે ધાર્મિક-આધ્યાત્મિક ભૂમિકા સુધી પહોંચતો નથી. વધુ પડતી સમસ્યાઓ અને સુભાષિતો ક્યારેક વાર્તાપ્રવાહને આંતરે છે. વાર્તાઓમાં ઢગલાબંધ પ્રમાણમાં આવતી સમસ્યાઓ અને સુભાષિતોને લીધે નવલરામે શામળને ‘વાણિયાના કવિ’ તરીકે ઓળખાવ્યા છે.
શામળની વાર્તાઓમાં સમસામયિક લોકચિત્રણ પણ જોવા મળે છે; જેમાં વિવિધ જ્ઞાતિઓ, રિવાજો, વહેમો અને લોકાચારનો સમાવેશ થાય છે.
શામળે તેમના સમયની સાહિત્યપ્રણાલીને અનુસરીને દુહા-ચોપાઈમાં અને ક્યારેક તેની સાથે છપ્પામાં વાર્તા લખી છે. પદ્યનો માધ્યમ કે સાધન તરીકે ઉપયોગ તેમણે કર્યો છે. તેમનું સાધ્ય તો વાર્તા જ રહી છે. કવિતા તરીકે ગણાવી શકાય એવું જે તેમની કૃતિઓમાં મળે છે તે નાયિકાનાં સૌંદર્યવર્ણનો છે. આ રીતે શામળ કવિ કરતાં વાર્તાકાર તરીકે મોટા ગજાના સર્જક વિશે છે.
પ્રસ્તુત લક્ષણો ધરાવતી શામળની કૃતિઓ આ પ્રમાણે છે : 746 કડીની દુહા-ચોપાઈ-છપ્પામાં રચાયેલી ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા (મુદ્રિત) શ્રીહઠના રાજપુત્ર ચંદ્રસેનના ચંદ્રાવતી અને અન્ય સ્ત્રી સાથેના પ્રેમ અને લગ્નની, અવાંતરકથાઓ વગરની આ રચના છે. ‘પુષ્પસેનની વાર્તા’ તરીકે ઓળખાતી દુહા-ચોપાઈબદ્ધ ‘પદ્માવતી’ (રચના ઈ. 1718/સં. 1774, સુદ 5, મંગળવાર; મુ.), વાર્તારસની રીતે નોંધપાત્ર છે. 1૩17 કડીની ‘મદનમોહના’ (મુ.) કવિની ઉત્તમ રચના છે. વણિકપુત્ર મદન અને રાજાની પુત્રી મોહનાના પ્રેમલગ્નની કથાને છ જેટલી અવાંતર-કથાઓ સાથે જોડતી, પુરુષપાત્રોને મુકાબલે સ્ત્રીપાત્રોની તેજસ્વિતા અને સાહસિકતા દર્શાવતી આ રચના છે.
પ્રાચીન કથાપરંપરામાંથી વસ્તુ લઈને એ વસ્તુને પોતાની રીતે ફેરવીને મૂક્યું હોય તેવી રચનાઓમાં ‘સિંહાસનબત્રીશી’ (મુ.) છે. આમાંની 15 વાર્તાઓ કવિએ ઈ. 1721-29માં અને બાકીની 17 ઈ. 1745 સુધીમાં રચી છે. ભોજરાજા સિંહાસન પર બેસવા જાય ને બત્રીસ પૂતળી એ સિંહાસન પર બેસનાર વિક્રમરાજાના પરાક્રમની કથા વર્ણવે એ રીતે કથાનું સંયોજન થયું છે. સમગ્ર કૃતિની અદ્ભુતરસિક સૃષ્ટિ, એમાંનાં બહુરંગી પાત્રો, સમસ્યાબાજી, ચતુરાઈભર્યો વિનોદ આ સૌ તત્વોવાળી આ કૃતિ કવિની ઉત્તમ રચના છે. 580 કડીની ‘પંચદંડ’ (મુ.) વાર્તામાં વિક્રમરાજાને પાંચ દંડ કેવી રીતે મળ્યા તેની વાત છે. 2814 કડીની ‘મડાપચીશી/વેતાલપચીશી’(રચના ઈ. 1745; મુ.)માં વિક્રમનું મોં ખોલાવવા મડું દરેક વખતે કોઈ સમસ્યાપ્રધાન વાર્તા કહે ને વિક્રમને જવાબ આપવા મજબૂર કરે છે. વિક્રમ જવાબ આપી બેસે એટલે મડું ઝાડ પર લટકી જાય છે. આ બધી ઘટનાઓ વાર્તાઓનું સંયોજનસૂત્ર બની રહે છે. ચોપાઈ-દુહા-છપ્પાની 6૩5 કડીમાં રચાયેલી ‘નંદબત્રીશી’ (મુ.) પ્રમાણમાં નાની પણ કવિની નોંધપાત્ર રચના છે. 27૩2 કડીની ‘બરાસ-કસ્તૂરી’ (મુ.) પ્રસ્તારી રચના છે. મૂળ સંસ્કૃત ‘શુકસપ્તતિ’ કથાઓ પર આધારિત ‘સૂડાબહોતેરી’ (રચના ઈ. 1765/સં. 1821, શ્રાવણ સુદ 1, મુ.) કવિના કવનકાળના અંતિમ ભાગની રચના છે. 72 દિવસ સુધી જુદી જુદી વાર્તાઓ કહી વણિકની ગેરહાજરીમાં કામવિવશ બનેલી તેની પત્નીને પોપટ રોકી રાખે છે એ આ વાર્તાનું સંયોજન-સૂત્ર છે.
આ ઉપરાંત ‘ઉદ્યમ-કર્મ સંવાદ’ (મુ.), 164થી ૩84 સુધીની કડીસંખ્યા ધરાવતી ‘અંગદવિષ્ટિ’ (રચના ઈ. 174૩ કે 1752/સં. 1799 કે 1808, આસો સુદ, રવિવાર, મુ.), 204 કડીની ‘રાવણમંદોદરી સંવાદ’ (મુ.), 22 અધ્યાયની ‘શિવપુરાણ’ (રચના ઈ. 1718/સં. 1774, શ્રાવણ સુદ 5, ગુરુવાર, મુ.), ‘કાલિકાનો ગરબો/પતાઈ રાવળનો ગરબો’ (મુ.), ‘બોડાણાનું આખ્યાન’ (મુ.), 180 કડીની ‘રૂસ્તમનો સલોકો/અભરામ ભગતનો સલોકો’ (રચના ઈ. 1725; મુ.), ‘ભોજની વાર્તા’, વિદ્યાવિલાસિનીની વાર્તા/‘વિનેચટની વાર્તા’ કવિની અન્ય રચનાઓ છે.
કીર્તિદા શાહ