શામળાજી : એક પ્રાચીન ભારતીય યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીને કાંઠે  2૩° 41´ ઉ. અ. અને 7૩° 2૩´ પૂ. રે. પર શામળાજી આવેલું છે. પ્રાચીન કાળમાં તે હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. અહીંથી બૌદ્ધ સ્તૂપ, વિહાર, શૈવમંદિરો તેમજ વૈષ્ણવ મંદિરો તથા શિલ્પો પ્રાપ્ત થયાં છે.

શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી એક બૌદ્ધ સ્તૂપ અને વિહારના અવશેષો પ્રાપ્ત થયા છે. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ તરફથી અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. 48 x 45 મીટર વિસ્તારનો વિહાર ઈંટેરી બાંધણીનો હતો અને તેનું પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં હતું. વિહારમાં સાધુઓને રહેવાની આઠ ઓરડીઓ હતી. વિહારની પાસેથી ઈંટેરી સ્તૂપ મળી આવ્યો છે. બે સમચોરસ પીઠિકાની ઉપર સ્તૂપનો ખંડ રચવામાં આવ્યો હતો. કદમાં નીચેની પીઠિકા મોટી હતી અને ઉપરની પીઠિકા નાની હતી. નીચેની પીઠિકાનો ઉપયોગ પ્રદક્ષિણાપથ તરીકે થતો હશે. બીજી પીઠિકાની દીવાલમાં ગવાક્ષોમાં બુદ્ધોની પ્રતિમાઓ હતી. સ્તૂપના અંડના મધ્યમાંથી એક અસ્થિપાત્ર મળી આવ્યું છે. અસ્થિપાત્રના ઢાંકણાની અંદરના અને બહારના ભાગ પર ત્રિપિટકનું સૂત્ર કોતરેલું હતું. અગ્નિવર્મા અને સુદર્શન નામના બૌદ્ધ સાધુઓએ આ મહાસ્તૂપ બંધાવ્યો હતો. આ અવશેષો પુરવાર કરે છે કે ઈ. સ.ની ચોથી સદીમાં આ સ્થળ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હશે. આ સ્તૂપના અવશેષો એમ. એસ. યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના મ્યુઝિયમમાં સચવાયેલા છે.

શામળાજીનું મંદિર

શામળાજી ત્યાંના વૈષ્ણવ સંપ્રદાયના દેવગદાધરના મંદિરને લીધે વધુ પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે લોકોમાં તે શામળાજીના મંદિર તરીકે વધુ ઓળખાય છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત વિષ્ણુની પ્રતિમા ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની છે. આ મંદિરનું બાંધકામ સોળમી સદીની આસપાસ થયું હોવાનું મોટાભાગના વિદ્વાનોનું માનવું છે. પંદરમી સદી પછી ગુજરાતમાં બંધાયેલાં મંદિરોમાં આ એક સર્વોત્તમ મંદિર છે. ઉત્તર બાજુએ મંદિરના મુખ્ય દ્વારની સામે બલાણક એટલે કે પ્રવેશદ્વાર આવેલું છે. બલાણકની બાજુમાં બહારની બાજુએ બે વિશાળ કદના હાથીઓનાં શિલ્પો કંડારેલાં છે. જીર્ણોદ્ધાર દરમિયાન બલાણકના ઉપરના ભાગમાં શેષશાયી વિષ્ણુની પ્રતિમા મૂકવામાં આવેલી છે. મંદિરને ફરતું વિશાળ પ્રાંગણ છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને શૃંગાર-ચોકીઓ આવેલી છે. મંડપની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ બાજુએ આ શૃંગાર-ચોકીઓ આવેલી છે. મંદિર મહાપીઠ પર ઊભું છે. આ મહાપીઠ ગજથર અને નરથર વગેરે થરો વડે અલંકૃત છે. ગર્ભગૃહની બહારની દીવાલ (મંડોવર) વિવિધ થરો વડે અલંકૃત છે. મંદિરના બાંધકામ વખતે તે મંડપ ખુલ્લો હશે પરંતુ પાછળથી તે કાણાંવાળી દીવાલોથી આવૃત્ત કરવામાં આવ્યો છે. મંડપની અંદરની છતને પણ સુંદર થરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા 16 ટેકાઓ નૃત્યાંગનાઓના આકારે મૂકવામાં આવ્યા છે. મધ્યમાં કૃષ્ણની મૂર્તિ છે. મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. આ શિલ્પોમાં ભૂમિતિની, ફૂલવેલ અને પ્રાણીઓની તથા માનવોની આકૃતિઓનાં તથા દેવ-દેવીઓનાં આલેખનો છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત-પુરાણના પ્રસંગોનાં તેમજ ભોગાસનોનાં શિલ્પો કંડારેલાં છે. દેવ-દેવીઓનાં શિલ્પોમાં વિષ્ણુ, ગરુડ, કુબેર, ઈશાન, ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, નિઋતિ, શિવ, ગણેશ, વાયુ, વૈષ્ણવી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, સરસ્વતી, ચંડિકા, યમી વગેરેનો સમાવેશ થાય છે.

ગદાધરના મંદિર ઉપરાંત અહીં ત્રિલોકીનાથ, રણછોડજી મંદિર, રઘુનાથજી ગણેશ અને કાશી વિશ્વનાથનાં મંદિરો, હરિશ્ર્ચંદ્રની ચૉરી વગેરે આવેલાં છે. હરિશ્ર્ચંદ્રની ચૉરી નામના પ્રાચીન મંદિરની સન્મુખે આવેલું તોરણ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. અહીંનું પ્રાચીન તળાવકરામ્બુ તળાવ (લોકોમાં કરમાબાઈના તળાવ તરીકે પ્રચલિત) હાલ પુરાઈ ગયું છે. મેશ્ર્વો અને પીંગા નદીના સંગમ આગળ નાગધરા નામે ઓળખાતું સ્થળ અહીંની પ્રજામાં ઘણું મહત્વનું છે. લોકમાન્યતા એવી છે કે અહીં સ્નાન કરવાથી ભૂતપ્રેતના વળગાડમાંથી મુક્ત થવાય છે. પ્રાચીન કિલ્લો, પ્રાચીન વાવ અને ભિલોડા તરફ જવાના માર્ગે 2 કિમી. દૂર આવેલો સર્વોદય આશ્રમ જોવાલાયક છે. શામળાજીની આસપાસથી ક્ષત્રપકાલ અને ગુપ્તકાલનાં છૂટાં શિલ્પો પ્રાપ્ત થયાં છે. તેમાં ઊભા ગણેશ, માતા અને શિશુ, ગંગા, શિવ, માતૃકાઓ, નંદિ વગેરે શિલ્પો ઉલ્લેખનીય છે. ઍટલાસનું શિલ્પ પણ પ્રાપ્ત થયું છે, પરંતુ તે અહીં તૈયાર થયું હશે કે બહારથી આવ્યું હશે તે સ્પષ્ટ થતું નથી. વિશ્રામઘાટ પરના રણછોડજીના મંદિરમાં વિશ્વરૂપ વિષ્ણુની એક આકર્ષક પ્રતિમા આવેલી છે. અહીંના આદિવાસી લોકો તેને ‘કળશી છોકરાંની મા’ તરીકે પૂજે છે. શામળાજીમાંથી આવી જ એક બીજી પ્રતિમા મળી છે જે હાલ વડોદરાના મ્યુઝિયમમાં સચવાયેલી છે.

શામળાજીમાં દર વર્ષે કારતકની પૂનમના રોજ મેળો ભરાય છે. પૂનમ અગાઉ સાતેક દિવસ પહેલાંથી આદિવાસીઓની નાનીમોટી ટોળીઓ નાચતી અને પાવા વગાડતી મેળામાં આવવા માંડે છે. સાબરકાંઠા, ખેડા, પંચમહાલ ઉપરાંત ઉદયપુર, ડુંગરપુર અને વાંસવાડામાંના આદિવાસીઓ આ મેળામાં ઉત્સાહથી આવે છે. આ મેળાનું લોકપ્રિય ગીત ગવાય છે :

શામળાજીના મેળે રમઝણિયું ને પીંઝણિયું વાગે,

હાલ કટુરી હાલ રે રમઝણિયું ને પીંઝણિયું વાગે.

થૉમસ પરમાર