શામ રાવ, ટી. એસ. (. 1906; . ?) : કન્નડ પંડિત અને ગદ્યલેખક. તેમણે બી.એ. (ઑનર્સ) કર્યા પછી મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી અને ત્યાંના કન્નડ વિભાગમાં જોડાયા. થોડો વખત ગ્રંથપાલ તરીકે કામગીરી કર્યા બાદ પ્રસંગ(પ્રકાશન વિભાગ)ના મદદનીશ નિયામક બન્યા અને 1961માં સેવાનિવૃત્ત થયા.

તેઓ જૂની અને મધ્ય કન્નડના પ્રખર પંડિત હતા અને ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. કન્નડ ઉપરાંત તેઓ સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજીના પણ વિદ્વાન રહ્યા. તેમનું ‘કન્નડ સાહિત્ય ચરિત્રે : ઓન્ડુ સમ્મિક્ષે’ (1972) અને ‘જનપ્રિય કન્નડ સાહિત્ય ચરિત્રે’ રાજેશ્વરૈયાના સહયોગમાં તૈયાર કરેલ ગ્રંથો છે. કન્નડ નાટક વિશે તેના ઉદ્ભવથી માંડીને 19મી સદીના મધ્ય સુધીનો તેમનો વિવેચનાત્મક અને સર્વગ્રાહી અભ્યાસ ‘કન્નડ નાટક’(1962)માં રજૂ થયો છે. તેમાં સંસ્કૃત નાટકનો પ્રભાવ અને અંગ્રેજી અને પશ્ચિમનાં નાટકોની કન્નડ નાટક પરની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમને તેમના ‘મૂરુ તાલેમારુ’ (‘થ્રી જનરેશન્સ’, 1987) નામક ગ્રંથથી અત્યંત ખ્યાતિ પ્રાપ્ત થઈ. તેમાં તેમણે તેમના પરિવારની ત્રણ પેઢીઓની કથા વણી લીધી છે. ગતકાલીન સામાજિક સ્થિતિની તથા પરિવર્તિત કાળની વિવિધ ભૂમિકાઓ અને તેમનાં મૂલ્યો સામેના તાલકુ પરિવારના કેટલાક સભ્યોના પ્રતિકારની રસપ્રદ પ્રતીતિ કરાવતો આ નોંધપાત્ર ગ્રંથ છે.

તેમણે ભાગવત અને રામાયણનો કન્નડ અનુવાદ ‘વચન ભાગવત’ અને ‘વચન રામાયણ’ રૂપે કર્યો છે. તેમણે ગુરુ નાનક અને શ્રી તપસ્વીજી મહારાજનાં ચરિત્રો આપ્યાં છે. તેમણે સંખ્યાબંધ કન્નડ પ્રશિષ્ટ ગ્રંથોના સંક્ષિપ્ત અનુવાદો કરી સંપાદિત કર્યા છે. તેમણે મહાન કવિ કુમાર વ્યાસના મહાકાવ્યનો સારસંગ્રહ તૈયાર કર્યો છે. વળી રન્નાના ‘અજીતપૂર્ણ’; લક્ષ્મીશાના ‘જૈમિની ભારત’ અને રત્નાકરવર્ણીના ‘ભારતેશા વૈભવ’ ગ્રંથો જનસાધારણ માટે સુલભ બનાવ્યા. તેમણે ‘જૈન પરિભાષા રત્નકોશ’ અને ‘શિવશરણ કથારત્નકોશ’ જેવા સંખ્યાબંધ સંદર્ભગ્રંથોનું સંકલન કર્યું. ‘ચિદંબરલુ’, ‘લવ-કુશ’ અને ‘વાલ્મીકિ’ જેવાં બાળકો માટેના ગ્રંથો પણ તેમણે આપ્યા છે.

કન્નડ સાહિત્યમાં તેમના અનોખા પ્રદાન બદલ તેમને 1988માં કન્નડ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તરલબાલુ સ્વામીજીએ તેમને ‘ધીશ્રી’ અને શૃંગેરી સ્વામીજીએ ‘સાહિત્યરત્ન’ના ખિતાબ આપ્યા હતા. ટી. એસ. વેંકન્નૈયા સ્મારક ગ્રંથમાલાના સ્થાપક તરીકે તેમણે સંખ્યાબંધ અત્યંત ઉપયોગી ગ્રંથો પ્રકાશિત કર્યા છે અને અસંખ્ય યુવાન લેખકોને પ્રોત્સાહિત પણ કર્યા છે.

બળદેવભાઈ કનીજિયા