શહીદ : મૂળમાં ઇસ્લામ ધર્મનો એક ખ્યાલ. શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ ‘શહીદ’નો મૂળ અર્થ ‘સાક્ષી આપનાર’ થાય છે. આમાંથી બનેલ શબ્દ ‘શાહેદ’ અથવા ‘સાહેદ’ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. પવિત્ર કુરાનમાં ‘શહીદ’ તથા તેનું બહુવચન ‘શોહદા’, ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યા છે. કુરાનની રૂએ કયામતના દિવસે પયગંબરો પોતાના અનુયાયીઓ વિશે સાક્ષી પૂરશે અને દુનિયામાં જે માણસે ઈશ્વરની ખાતર, સત્યની ખાતર અથવા પોતાના ધર્મની ખાતર પ્રાણ આપ્યા હશે તે માણસ કયામતના મેદાનમાં પયગંબરોની હરોળમાં સાક્ષી આપનાર તરીકે ઊભો રહેશે. કુરાનમાં તો માત્ર ઈશ્વર-માર્ગે પ્રાણ આપે તેને જ શહીદ કહેવામાં આવ્યો છે; પરંતુ પાછળથી ‘શહીદ’ કહેવડાવવા માટેની લાયકાતો વિસ્તૃત થતી ગઈ; જેમ કે બાહ્ય હિંસાને લઈને અપમૃત્યુ થાય અને જેની ઉપર લોકોને દયા આવે; રોગચાળામાં સપડાઈને મૃત્યુ પામે; ડાકુઓ અથવા હિંસક પ્રાણીના હુમલામાં જાન ગુમાવે; હજયાત્રા જેવી પવિત્ર યાત્રાઓ દરમિયાન મૃત્યુ પામે; પરદેશમાં મૃત્યુનો ભોગ બને; નમાજ જેવી પ્રાર્થના દરમિયાન મૃત્યુ પામે; શિક્ષણ-પ્રાપ્તિ દરમિયાન મૃત્યુ પામે; લોકોને ભલાઈનાં કામ બતાવવા અને બૂરાઈથી રોકવાની ફરજ અદા કરવામાં દુશ્મનને હાથે મૃત્યુને ભેટે તેમજ સુવાવડ દરમિયાન કોઈ સ્ત્રી જાન ગુમાવે તો મોતના આ બધા પ્રકાર શહાદતના ગણાય છે.
શહીદને તેની શહાદત માટે જે બદલો મળે છે તેમાં, તેનાં પાછલાં બધાં પાપોની સંપૂર્ણ માફી, કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે.
સમાજમાં શહીદને મળતા આદર અને સ્વર્ગમાં મળતા ફળના અનુસંધાનમાં શહાદતનું વર્તુલ વિસ્તરતું રહ્યું છે. મધ્ય યુગના સુલતાનોના અવસાન પછી તેમના માટે અલ-શહીદનું માનાર્હ ઉપનામ પણ પ્રચલિત થયેલું જણાય છે. તુર્કસ્તાનમાં તો કોઈ પણ કબ્રસ્તાનને મશહદ નામ આપવામાં આવે છે, જે તુર્કી ભાષામાં શહીદ લિક તથા મિશશત (શહીદ-સ્મારક) કહેવાય છે.
મુસ્લિમ શહીદને જ્યાં દફન કરવામાં આવ્યો હોય તે સ્થળ ‘મશહદ’ કહેવાય છે; જ્યાં, સમય જતાં, લોકો પ્રાર્થના કરવા અથવા પુણ્ય પ્રાપ્ત કરવા માટે મેળા ભરે છે. ઈરાનમાં શિયા ઇમામ રઝાને જ્યાં દફન કરવામાં આવ્યા હતા તે સ્થળ ‘મશહદ’ નામના એક મોટા નગરના સ્વરૂપમાં વિકાસ પામ્યું છે.
ઇસ્લામમાં સૌથી વિખ્યાત તથા આદરણીય શહીદ ઇમામ હસન તથા ઇમામ હુસેન નામના પયગંબર સાહેબના બે દૌહિત્રો છે. તેમણે પોતાના સમયના કહેવાતા અન્યાયી રાજતંત્રનો વિરોધ કર્યો હતો અને સત્ય માટે શહીદ થયા હતા. તેમના શિયાપંથી અનુયાયીઓએ ઇમામ હસન અને ઇમામ હુસેનની વિચારસરણી તથા તેમની શહાદતની ઘટનાની આસપાસ એક લાંબી પરંપરા વિકસાવીને વિસ્તૃત સાહિત્યની રચના કરી છે. ખાસ કરીને ફારસીમાં અને ઉર્દૂ ભાષામાં મરસિયા-લેખન તથા મરસિયા-વાચનની પરંપરા ઊભી થઈ છે. અને મોહર્રમની સાથે સંકળાયેલ બધી પ્રવૃત્તિઓનો સીધો સંબંધ શહીદો સાથે જોડાયેલો રહ્યો છે.
ઇસ્લામી વિચારસરણીમાં શહાદતને મૃત્યુનો સૌથી ઉચ્ચ પ્રકાર બતાવવામાં આવ્યો છે. મૃત્યુ ત્રણ પ્રકારના હોય છે : એક કુદરતી, બીજું આકસ્મિક અને ત્રીજું સ્વૈચ્છિક. શહીદનું મૃત્યુ સ્વૈચ્છિક હોય છે. જે મુસ્લિમ ઇસ્લામ ખાતર પ્રાણ અર્પણ કરે તે જ શહીદ કહેવાય. આનો અર્થ એવો થયો કે આ સિવાયના મૃત્યુના પ્રકારને શહીદનું મૃત્યુ કહી શકાય નહિ.
ભારતમાં રાજકીય ચળવળો દરમિયાન મૃત્યુ પામનારને શહીદનું નામ આપવામાં આવે છે અને શહીદ શબ્દ ભારતની બધી આધુનિક ભાષાઓમાં વપરાય છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી