શહીદ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1965. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા : કેવલ કશ્યપ. દિગ્દર્શક : એસ. રામ શર્મા. કથા : બી. કે. દત્ત. સંવાદ-પટકથા : દીનદયાલ શર્મા. ગીતકાર અને સંગીતકાર : પ્રેમ ધવન. મુખ્ય કલાકારો : મનોજકુમાર, કામિની કૌશલ, પ્રાણ, પ્રેમ ચોપડા, નિરુપા રૉય, મદનપુરી, શૈલેશકુમાર, મનમોહન.

શહીદવીર ભગતસિંહના જીવન પર આધારિત બે ચિત્રો આ ચિત્ર પહેલાં પણ બની ચૂક્યા હતાં, પણ આ ચિત્રની વિશેષતા એ હતી કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન જ તે પ્રદર્શિત થયું હતું. દિલ્હીમાં આ ચિત્રનો જ્યારે પ્રીમિયર શો યોજાયો હતો ત્યારે યુદ્ધને કારણે અનેક વ્યસ્તતા વચ્ચે પણ તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આખું ચિત્ર નિહાળ્યું હતું; એટલું જ નહિ, ચિત્ર પૂરું થયા પછી પ્રવચન પણ કર્યું હતું. ભગતસિંહનાં જીવન પર બનેલાં અગાઉનાં બંને ચિત્રો ટિકિટબારી પર નિષ્ફળ ગયાં હતાં, પણ આ ચિત્ર સફળ થયું હતું. નાનપણથી માતાની પાસે દેશભક્તિનાં પાઠ ભણેલા ભગતસિંહ યુવાનવયે દેશને આઝાદ કરવાનાં સપનાં જુએ છે ત્યાંથી લઈને તેમના અન્ય સાથીઓ ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ અને સુખદેવ સાથે પોલીસ-અધિકારી જે. પી. સોન્ડર્સની હત્યા કરે છે અને બહેરી સરકાર સુધી દેશની જનતાનો અવાજ પહોંચી શકે તે માટે સંસદમાં બૉમ્બ ફેંકવા સુધીના તથા તે પછી તેમના પર ચાલેલો કેસ, અંતે ફાંસીની સજા તથા હસતે મોઢે ફાંસીએ ચઢી જવા સુધીના પ્રસંગો આ ચિત્રમાં નિરૂપાયાં છે. પ્રેમ ધવન પાસે જ મનોજકુમારે આ ચિત્રમાં સંગીત આપવાનો આગ્રહ રાખતાં આ ચિત્ર આ ગીતકાર માટે સંગીતકાર તરીકે પહેલું ચિત્ર બન્યું હતું. તેમણે લખેલાં અને સંગીતબદ્ધ કરેલાં ગીતો ‘અય વતન અય વતન… હમ કો તેરી કસમ’, ‘પગડી સંભાલ જરા’ તથા ‘મેરા રંગ દે બસંતી ચોલા’ ખૂબ લોકપ્રિય થયાં હતાં. આ ચિત્રને ત્રણ રાષ્ટ્રીય પારિતોષિકો એનાયત થયાં હતાં. આ ચિત્રનું નિર્માણ થયું ત્યારે પ્રાણની છબી એક ખલનાયકની હતી, પણ પહેલી વાર પ્રાણે આ ચિત્રમાં ફાંસીની સજા પામેલા એક ખૂંખાર ડાકુ કહેરસિંહની ભૂમિકા ભજવી હતી. આ ચિત્રે તેમના માટે ચરિત્રભૂમિકાઓ ભજવવાનો માર્ગ મોકળો કર્યો હતો.

હરસુખ થાનકી