શશાંક (. .. 619 પછી) : બંગાળના ગૌડ પ્રદેશનો પ્રતાપી રાજા. પ્રાચીન સમયમાં ઉત્તર અને પશ્ચિમ બંગાળ ગૌડ તરીકે ઓળખાતું. ગુપ્તોના પતન બાદ, છઠ્ઠી સદીનાં છેલ્લાં વર્ષોમાં શશાંકે ગૌડ પ્રદેશમાં શક્તિશાળી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. છઠ્ઠી સદીના અંતભાગમાં ગૌડમાં શશાંકનું શાસન હોવાના પુરાવા મળ્યા છે. તેનાં કુળ, શરૂની કારકિર્દી વગેરે વિશે માહિતી મળતી નથી. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગનાં લખાણોમાં અને બૌદ્ધ ગ્રંથ ‘મંજુશ્રી મૂલકલ્પ’માં શશાંકના ઉલ્લેખો મળે છે. રોહતાસગઢના કિલ્લામાંથી મળેલા લેખમાં તેનો ઉલ્લેખ ‘શ્રીમહાસામંત શશાંક’ તરીકે કરવામાં આવ્યો છે. તે ઉપરથી કહી શકાય કે શશાંક શરૂઆતમાં મગધમાં સામંત તરીકે કોઈ શક્તિશાળી રાજાના આધિપત્ય હેઠળ શાસન કરતો હતો. એક મતાનુસાર મગધ અને ગૌડના રાજા મહાસેનગુપ્તના આધિપત્ય હેઠળ તેણે શાસનની શરૂઆત કરી હતી.

બંગાળમાં પોતાનું સ્થાન મજબૂત કર્યા પછી, શશાંકે કામરૂપ પર વિશાળ લશ્કર સાથે આક્રમણ કર્યું અને કામરૂપનરેશ ભાસ્કર વર્માને તેણે હરાવ્યો. શશાંકે ઉત્તર ઓરિસાના માન વંશના રાજાઓને હરાવી ત્યાં સોમદત્ત નામના સામંતને નિયુક્ત કર્યો હતો.

ઈ.સ. 605 સુધીમાં શશાંક મગધ અને પૂર્વી ઉત્તર પ્રદેશનો સ્વામી બની ગયો હતો. શશાંકે માલવ જનપદના રાજા દેવગુપ્ત સાથે મળી મૌખરીઓના રાજ્ય (કનોજ) પર ચડાઈ કરી. આ સમયે કનોજના મૌખરીઓના સંબંધી પુષ્યભૂતિ વંશનો રાજા પ્રભાકર વર્ધન બીમાર હતો. તેનો મોટો પુત્ર રાજ્યવર્ધન હૂણો સામેના હુમલામાં રોકાયેલ હતો. એ દરમિયાન પ્રભાકરવર્ધન માંદગીમાં મરણ પામ્યો. માલવ રાજા દેવગુપ્તે કનોજના ગૃહવર્માને મારી નાંખ્યો અને તેની રાણી રાજ્યશ્રીને કેદ કરી. દેવગુપ્તની મદદે આવેલ શશાંકે રાજ્યવર્ધનને મારી નાખ્યો; તેથી તેના ભાઈ હર્ષવર્ધને ગૌડ પર ચડાઈ કરી, પરંતુ તેને નોંધપાત્ર સફળતા મળી ન હતી.

શશાંક શૈવધર્મી હતો. તેની મુદ્રાઓ ઉપર નંદીની બાજુમાં બેઠેલા શિવ દર્શાવાયા છે. શશાંક ધાર્મિક બાબતોમાં અસહિષ્ણુ હતો. હ્યુ-એન-ત્સાંગના જણાવવા મુજબ તેણે પાટલીપુત્રમાં શિલા ઉપર અંકિત કરેલ બુદ્ધનાં પાદચિહ્ન ભૂંસી નાખવા પ્રયાસ કર્યો હતો. તેમાં સફળ ન થવાથી તે શિલા ગંગા નદીમાં ફેંકાવી દીધી હતી. શશાંક દ્વારા થયેલ બૌદ્ધ ધર્મ પરના જુલમની આવી વાતો માની શકાય એમ નથી. શશાંકના પાટનગર કર્ણસુવર્ણ(હાલના મુર્શીદાબાદ જિલ્લામાં બરહામપુર પાસે)માં બૌદ્ધ ધર્મ વિકસતો હતો એવા હ્યુ-એન-ત્સાંગના વર્ણન સાથે ઉપર્યુક્ત આક્ષેપો સુસંગત નથી.

ફાલ્ગુની પરીખ