શર્વવર્મા (શર્વવર્મન્)

January, 2006

શર્વવર્મા (શર્વવર્મન્) (આશરે . . 576-580) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્તના સામંત (માંડલિક) મૌખરી વંશના રાજા ઈશાનવર્મનનો (554-576) પુત્ર. તેણે હૂણોને હરાવ્યા હતા. તેણે હૂણોના પ્રદેશો જીતીને ત્યાં રાજ્ય કર્યું તથા તેમના જેવા સિક્કા પડાવ્યા હતા. મૌખરીઓ ઈ. સ. છઠ્ઠી સદીમાં ગયાની પાસેના પ્રદેશમાં રાજ્ય કરતા હતા. શર્વવર્મન્ પ્રતાપી રાજા હતો અને તેનું રાજ્ય વિશાળ હતું. તેની સરહદો વિશે ચોક્કસ માહિતી મળતી નથી; પરન્તુ તેના રાજ્યમાં મગધનો સમાવેશ થતો હતો. ઈશાનવર્મન્, શર્વવર્મન્ અને તેના પુત્ર અવંતીવર્મનના તારીખવાળા ઘણા સિક્કા મળ્યા છે; પરન્તુ કમનસીબે તેના ઉપરના આંકડા સ્પષ્ટ નથી, તેથી તેનો ચોક્કસ સમય જાણી શકાતો નથી. શર્વવર્મનનો સમય 576-580નો જણાય છે.

જયકુમાર ર. શુક્લ