શર્વવર્મન્ : કાતંત્ર નામના સંસ્કૃત ભાષાના વ્યાકરણના લેખક. તેમના જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેઓ આશરે સાતમી સદીમાં થયેલા રાજા સાતવાહનના રાજદરબારના કવિ ગુણાઢ્યના સમકાલીન હતા. તેઓ પાણિનીય વ્યાકરણના અભ્યાસી હતા. પાણિનીય વ્યાકરણની કઠિનતાને દૂર કરવા ‘કાતંત્ર’ અથવા ‘કૌમાર’ નામના વ્યાકરણની રચના કરેલી. બાળકોને સમજાય તેવા સરળ વ્યાકરણની રચના કરવા માટે તેમણે અભિયાન કર્યું હોવાથી તેનું નામ ‘કાતંત્ર’ આપ્યું છે અને શિવપુત્ર કુમાર કાર્તિકેયે આ વ્યાકરણ લખવાની પ્રેરણા કરી હોવાથી શર્વવર્માએ તેને ‘કૌમાર’ એવું નામ પણ આપ્યું છે.

પ્રારંભિક અને સામાન્ય કક્ષાના વિદ્યાર્થીઓને વ્યાકરણ સુગમ બને તે માટે શર્વવર્માએ પાણિનીય વ્યાકરણને પદ્ધતિસર રીતે ટૂંકાવ્યું છે. સર્વપ્રથમ પાણિનિના આઠ અધ્યાયને બદલે ચાર અધ્યાયમાં જ પોતાના વ્યાકરણની રચના કરી છે. પાણિનિનાં ચાર હજાર સૂત્રોના બદલે 1,412 સૂત્રોમાં પોતાનું વ્યાકરણ રચ્યું છે. તેનાથી તેમણે કેટલો સંક્ષેપ કર્યો છે તે જણાય છે. પાણિનિના સૂત્રક્રમને પણ તેમણે બદલ્યો છે. વળી વૈદિકી પ્રક્રિયાનાં અને વૈદિક સ્વરનાં સૂત્રોને તેમણે બાદ કર્યાં છે. પ્રારંભિક વિદ્યાર્થી માટે મહત્વનાં ન હોય તેવાં સૂત્રોને પણ કાઢી નાખ્યાં છે. વળી તેમણે અનેક સૂત્રોનો મેળ બીજાં સૂત્રો સાથે વ્યવસ્થિત રીતે ઝટ સમજાય તેમ બેસાડ્યો છે. તેમનું વ્યાકરણ ‘કાલાપ’ વ્યાકરણની સાથે સામ્ય ધરાવે છે. શર્વવર્માના ‘કાતંત્ર’ વ્યાકરણ પર ઘણી ટીકાઓ લખાઈ છે. આથી લેખકે પાણિનિ જેવી જ નવી વ્યાકરણપરંપરા ખડી કરવાનું માન મેળવ્યું છે. એક કાળે ગુજરાત, બંગાળ અને બિહારમાં અભ્યાસકોમાં આ વ્યાકરણનો પ્રચાર અને પ્રસાર હતો.

પ્ર. ઉ. શાસ્ત્રી