શર્મિષ્ઠા : દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી, ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની સખી. એક દિવસ કોઈ કારણવશ શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી. રાજા યયાતિએ દેવયાનીને બહાર કાઢી અને બંનેનાં લગ્ન થયાં. શુક્રાચાર્યના આગ્રહથી અસુર જાતિના હિત માટે શર્મિષ્ઠાએ દેવયાનીની દાસી બનીને સાથે જવાનું સ્વીકાર્યું. ત્યાં યયાતિ શર્મિષ્ઠાના પ્રેમમાં પડ્યા અને તેની સાથેના સંબંધથી શર્મિષ્ઠાને ત્રણ સંતાનો થયાં. આથી દેવયાનીને બળતરા થઈ અને તેના કહેવાથી શુક્રાચાર્યે પોતાના જમાઈને શીઘ્ર વૃદ્ધ થવાનો શાપ આપ્યો. પરંતુ શર્મિષ્ઠાના પુત્ર પુરુએ પોતાનું યૌવન પિતા યયાતિને દાન કર્યું. આ યૌવનનો દીર્ઘકાળ સુધી આનંદ લીધા બાદ યયાતિએ પુરુને રાજ્ય સોંપી દીધું અને પોતે તપ કરવા ચાલ્યા ગયા. એ પુરુના વંશમાં પછીથી દુષ્યંત-પુત્ર ભરતનો જન્મ થયો હતો.

પ્રવીણચંદ્ર પરીખ