શર્મા, સુખરામ (. ?) : ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચારના આરોપોના વારંવાર નિશાન બનેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી. કારકિર્દીની શરૂઆત હિમાચલ પ્રદેશના મંડી ખાતેની નગરપાલિકામાં સામાન્ય કારકુન તરીકે (1954). ભ્રષ્ટાચારના આરોપસર 1962માં તેમને છૂટા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ટેરિટૉરિયલ કાઉન્સિલના સભ્ય (1962-63), ત્યારપછી 1963-85 દરમિયાન રાજ્ય વિધાનસભાના સભ્ય તથા રાજ્યમંત્રીમંડળમાં સમાવેશ. 1985-96 દરમિયાન કેન્દ્રીય મંત્રી, 1996-2001 દરમિયાન લોકસભાના સભ્ય, 2001-2004 દરમિયાન ફરી રાજ્યમંત્રીમંડળના સભ્ય  આ તેમની ચાર દાયકાની (1962-2004) સક્રિય રાજકારણની કારકિર્દીનો આલેખ છે. 2004માં દેશમાં યોજાયેલ સામાન્ય ચૂંટણી પછી કેન્દ્રમાં સંયુક્ત પ્રગતિશીલ મોરચા(યુ.પી.એ.)ની સરકાર સત્તામાં આવ્યા બાદ સુખરામ ફરી કૉંગ્રેસમાં દાખલ થયા છે (2004). 1962માં પહેલી વાર તેઓને રાજ્યમંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા ત્યારે તેમનો હોદ્દો રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હતો, પરંતુ સમયાંતરે તેઓ કૅબિનેટ મંત્રી બન્યા; એટલું જ નહિ, પરંતુ તેમને નાણાં, સાર્વજનિક બાંધકામ (PWD), આરોગ્ય જેવાં મહત્વનાં ખાતાંઓ સોંપવામાં આવ્યાં હતાં જેનો તેમણે ધન ભેગું કરવા માટે પૂરેપૂરો લાભ લીધો. રાજ્ય માટે ટ્રૅક્ટરોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારમાં તેમનું નામ ટોચ પર હતું. મંડી ખાતેના તેમના નિવાસની બાજુમાં મંદિર અને નિશાળ માટે આરક્ષિત કરવામાં આવેલા બે વિશાળ ભૂખંડ તેમણે પચાવી પાડ્યા અને તેના પર સફરજનની વાડીઓ વિકસાવી. 195485ના ગાળામાં રાજ્યસ્તરે રહ્યા પછી તેઓ દિલ્હી ગયા અને રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની મંત્રી-પરિષદમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમનો સમાવેશ કરવામાં આવ્યો. રાજ્યની જેમ કેન્દ્રમાં પણ સંરક્ષણ, ઉત્પાદન અને આયોજન જેવા મહત્વના વિભાગો તેમને સોંપવામાં આવ્યા. 1988માં તેમને નાગરિક પુરવઠા ખાતાનો સ્વતંત્ર હવાલો મળ્યો. તેમના નેજા હેઠળ ખાંડની આયાતોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો. સમય જતાં પરિવહન અને વાહનવ્યવહાર ખાતાંઓ પણ તેમને સોંપવામાં આવ્યાં અને માત્ર એક વર્ષની અંદર મુંબઈની એક કંપની સાથે સાઠગાંઠ કરી કેટલીક નાણાકીય અનિયમિતતા આચરવાના આક્ષેપસર વિરોધપક્ષના 41 સભ્યોએ લોકસભામાં તેમની તપાસ કરવાની માગણી કરી.

સુખરામ શર્મા

1992માં કેન્દ્ર સરકારના સંદેશાવ્યવહાર ખાતાના મંત્રી તરીકે સુખરામે દેશભરમાં ટેલિફોન જાળનું વિસ્તરણ કરવાની યોજના તૈયાર કરી અને દેશમાં પથરાયેલા 50 લાખ ટેલિફોનમાં દર વર્ષે 30 લાખનો વધારો કરવાનો ‘સંકલ્પ’ કર્યો. તે માટે તેમણે ટેલિફોન તથા તેને લગતાં સાધનો બનાવતી કેટલીક કંપનીઓનો ખાનગી રાહે સંપર્ક સાધ્યો છે અને તે દ્વારા અંગત રીતે અયોગ્ય લાભ ઉઠાવ્યો છે એવો આક્ષેપ એક સાપ્તાહિકે તેમના પર કર્યો, જેની સામે બદનક્ષીનો દાવો માંડી સુખરામે ઉપર્યુક્ત સાપ્તાહિક પાસેથી 80 હજાર ડૉલરની નુકસાન-ભરપાઈ મેળવવામાં સફળતા મેળવી અને એ જ રકમ તેમણે પ્રધાનમંત્રી રાહત કોષને અર્પણ કરી. ત્યારબાદ દસમી લોકસભાના કાર્યકાળમાં સભાગૃહમાં તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ ફરી વાર કરવામાં આવ્યો જે ‘હિમાચલ ફ્યૂચરિસ્ટિક કમ્યૂનિકેશન ટેન્ડર કૌભાંડ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેમ છતાં, ત્યારબાદ 1996માં દેશમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં તે ફરી વાર હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી વિશાળ બહુમતી સાથે લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

કેન્દ્રમાં રાષ્ટ્રીય લોકશાહી મોરચા(એન.ડી.એ.)ની સરકારના કાર્યકાળમાં સુખરામના મંડી ખાતેના નિવાસ પર કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) દ્વારા દરોડા પાડવામાં આવતાં કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. આના પ્રતિઘોષ તરીકે સુખરામને કૉંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે નિલંબિત કર્યા હતા. ત્યારબાદ તેઓ વિરોધપક્ષમાં જોડાયા અને ફરી ઓમપ્રકાશ ચૌટાલાના રાજ્ય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. 2004ની સામાન્ય ચૂંટણીના પગલે તેઓ ફરી વાર કૉંગ્રેસ પક્ષમાં જોડાયા છે.

તેઓ હિમાચલ પ્રદેશ અને તેની બહાર કરોડોની સ્થાવર મિલકત ધરાવે છે; જેમાં મંડી જિલ્લાની 60 એકર જમીનમાં ફેલાયેલી ફળોની વાડીઓ, કુલુ ખાતે એક પંચતારાંકિત ઇમારત, દિલ્હી-ગાઝિયાબાદ માર્ગ પર કૌશંબી ખાતે એક વિશાળ પ્રાસાદ અને તે ઉપરાંત ત્રણ કરોડની રોકડ રકમનો સમાવેશ થાય છે. તેમનો પુત્ર પણ કરોડોની મિલકતનો માલિક છે એવું મનાય છે.

સત્તા અને ધન આ જ તેમના જાહેર જીવનના મુખ્ય ધ્યેયો રહ્યા હોય એમ લાગે છે. જોકે તેમની સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા નિમાયેલા તપાસપંચોની તપાસમાંથી તેઓ સહીસલામત બહાર આવ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે