શર્મા, ગૌતમવ્યથિત’ (. 15 ઑગસ્ટ 1938, રાજમંદિર નેર્તિ, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : પહાડી કવિ અને લોકસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., બી.એડ. તથા ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ સરકારી પી. જી. કૉલેજ, ધરમશાલામાંથી સિનિયર પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી બારોહ ખાતે એસ.ડી. કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા. તેઓ 1973થી કાંગરા લોકસાહિત્ય પરિષદના માનાર્હ નિયામક; 1983થી 1987 સુધી ડોગરી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય; 1980-88, 1992-96 દરમિયાન હિમાચલ પ્રદેશ એકૅડેમી ઑવ્ આર્ટ્સ કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝ, સિમલાના સભ્ય રહ્યા.

તેમની માતૃભાષા પહાડી હોવા છતાં તેઓ હિંદીમાં પણ લેખનકાર્ય કરે છે. તેમણે અત્યાર સુધીમાં 26 ગ્રંથો આપ્યા છે. પહાડીમાં : ‘ચેતે’ (1969) કાવ્યસંગ્રહ; ‘ઢોલરુ’ (લોકગીતસંગ્રહ); ‘લૂના દે પલ્લે પાર’ (1993) વાર્તાસંગ્રહ છે. હિંદીમાં : ‘અનુભૂતિ કા દર્દ’ (1980) કાવ્યસંગ્રહ; ‘હિમાચલ પ્રદેશ : લોકસંસ્કૃતિ ઔર સાહિત્ય’ (1980), ‘ઝૂમે ધરતી ગાયે લોક’ (1978); ‘કાંગરા કે લોકગીત : સાહિત્યિક વિશ્ર્લેષણ ઔર મૂલ્યાંકન’ તેમના લોકપ્રિય લોકગીતસંગ્રહો છે. ‘બાબા કાંસીરામ’ (1997) પ્રબંધ છે.

તેમના ડોગરી અને હિંદી સાહિત્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ તેમને હિમાચલ અકાદમી ઍવૉર્ડ  બે વખત; 1986માં હિમાચલ કેસરી ઍવૉર્ડ; 1987માં હિમોત્કર્ષ ઍવૉર્ડ અને 1996માં ડોગરી સંસ્થાન સન્માન પ્રાપ્ત થયાં છે.

બળદેવભાઈ કનીજિયા