શરણસ્થાન (asylum) : એક દેશના નાગરિકને બીજા દેશે તેના રક્ષણ માટે આપેલ શરણ. શરણસ્થાન આપવાનો હક રાજ્યનો છે; તે તેની ફરજ નથી.

શરણસ્થાન ત્રણ પ્રકારનાં હોય છે : (1) પ્રાદેશિક, (2) બિનપ્રાદેશિક અને (3) તટસ્થ.

(1) પ્રાદેશિક શરણસ્થાન જે તે દેશ પોતાના પ્રદેશમાં જ આપે છે. (2) બિનપ્રાદેશિક શરણસ્થાન જે તે દેશ બીજા દેશોમાંના પોતાના એલચીખાતા, યુદ્ધજહાજ કે વાણિજ્ય કચેરીમાં આપે છે. (3) યુદ્ધ કરતા દેશોના નાગરિકોને તટસ્થ દેશો શરણસ્થાન આપે તે તટસ્થ શરણસ્થાન.

શરણસ્થાન એ પ્રત્યર્પણ(extradition)નો અપવાદ છે. શરણસ્થાન સામાન્ય રીતે રાજકીય ગુનેગારોને કે રાજકીય રીતે પીડિત અન્ય દેશના નાગિરકોને આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોના તા. 10-12-1948ના માનવીય હકોના વિશ્વઢંઢેરામાં પોતાના રાજ્યના જુલ્મમાંથી છટકેલા નાગરિકોને શરણસ્થાનના હકની ખાતરી અપાઈ છે. આ વૈયક્તિક હકને ફ્રાન્સ, ઇટાલી અને કેટલાક દક્ષિણ અમેરિકાના દેશો માન્ય રાખે છે.

પેરૂના વામપંથી નેતા હાપા દ લા તોરેને પેરૂમાંના પોતાના એલચીખાતામાં કોલંબિયાએ 1949માં શરણસ્થાન આપેલું. પેરૂએ આંતરરાષ્ટ્રીય-ન્યાયની અદાલતમાં હાપા દ લા તોરેની સોંપણી માટે માગણી કરેલી પણ તે સામાન્ય ગુનેગાર હોવાનું પુરવાર કરી શકેલ નહિ. અદાલતે ચુકાદામાં જણાવ્યું કે હાપા રાજકીય ગુનેગાર હોવાનો કોલંબિયાનો દાવો સ્વીકારવા પેરૂ બંધાયેલ નથી અને તેથી તે હાપાને સહીસલામત રીતે પેરૂની બહાર જવા દેવા માટે બંધાયેલું નથી. આ એક ચર્ચાસ્પદ ચુકાદો હતો, જેનો ઉકેલ થોડા વખત પછી બંને દેશોએ રાજદ્વારી રીતે આણ્યો.

સામાન્ય રીતે આતંકવાદીઓ, ચાંચિયાઓ, યુદ્ધ ગુનેગારો તથા શાંતિ અને માનવતા વિરુદ્ધના ગુનેગારોને શરણસ્થાનના હકથી વંચિત રાખવામાં આવે છે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી