શરણરાણી (. 8 એપ્રિલ 1929, દિલ્હી) : ભારતનાં વિખ્યાત અને પ્રથમ મહિલા સરોદવાદક અને સંગીતકાર. રૂઢિવાદી હિંદુ પરિવારમાં જન્મ. બાળપણથી નૃત્ય તથા સંગીતની સાધના પરિવાર તથા સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરતાં કરતાં ચાલુ રાખી. સ્વ. અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી કથક અને નવકુમાર સિંહા પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી. 7 વર્ષની ઉંમરે રજૂ કરેલ કાર્યક્રમ દ્વારા સારી ખ્યાતિ મેળવી. પછી કંઠ્ય સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.

શરણરાણી

ત્યારપછી સરોદ શીખવાની તીવ્ર ઇચ્છા જાગી. તેમના મોટાભાઈ પાસેથી તેઓ થોડો વખત સરોદ વગાડવાનું શીખવા લાગ્યાં. 8 વર્ષની ઉંમરે તો તેમણે નાટક, રેડિયો-નાટક વગેરેમાં ભાગ લીધો અને નૃત્યનાટિકાઓ માટે સંગીતરચના કરી તથા મહિલા ઑરકેસ્ટ્રાની સ્થાપના કરી. તે સાથે શાળા-કૉલેજનું શિક્ષણ મેળવ્યું અને દિલ્હી યુનિવર્સિટીમાંથી હિંદી અને અંગ્રેજી બંને વિષયો સાથે તેમણે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, પછી દિલ્હીના વ્યાપારી કુટુંબના કલાપ્રેમી, વિદ્વાન અને સમાજસેવક સુલતાનસિંગ બાકલીવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

સરોદવાદનનું શિક્ષણ અને તાલીમ તેમણે સેનિયા ઘરાણાના મહાન સંગીતજ્ઞ. પદ્મવિભૂષણ ઉસ્તાદ અલાઉદ્દીનખાં અને તેમના પુત્ર વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી લીધાં. તેમણે ‘વિષ્ણુ દિગંબર સંગીત વિશ્વવિદ્યાલય’માંથી ‘સંગીત વિશારદ’ની પરીક્ષા પાસ કરી અને 1952માં કોલકાતાની અખિલ ભારતીય તાનસેન વિષ્ણુદિગંબર પારિતોષિક સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પેટે 1,100 રૂપિયા રોકડા અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા. પ્રથમ ‘અખિલ ભારતીય યુવક સમારોહ’માં તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કર્યું અને વાદ્યસંગીતનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. હિંદુસ્તાની વાદ્યસંગીતના વધુ અભ્યાસાર્થે કેન્દ્રીય સંગીત નાટક અકાદમી તરફથી 2 વર્ષ માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ.

તેઓ આકાશવાણીનાં ‘એ’ શ્રેણીનાં કલાકાર રહ્યાં. તેઓ આકાશવાણીના કેટલાય રાષ્ટ્રીય કાર્યક્રમો અને વાર્ષિક સંગીત સંમેલનોમાં ભાગ લઈ ચૂક્યાં છે. જુદાં જુદાં સામયિકોમાં સંગીત પર લેખો અને આકાશવાણી પરથી વાર્તાલાપ પ્રસારિત કરવા ઉપરાંત કલાસંગીત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા શિક્ષણને લગતી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં છે.

1960માં તેમણે સાંસ્કૃતિક શિષ્ટ મંડળના સભ્ય તરીકે નેપાળ અને પછી મૉંગોલિયા અને સોવિયેત રશિયાનો પ્રવાસ કર્યો. 1961માં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ફિજી દ્વીપ, ફ્રાન્સ, બ્રિટન અને સ્વિટ્ઝર્લૅન્ડનો વ્યાપક પ્રવાસ ખેડી તેમના સરોદવાદનના 48 જેટલા કાર્યક્રમો દ્વારા ભારોભાર પ્રશંસા પામ્યાં.

તેમણે ભારતીય અને ફારસી સંગીતની જુગલબંધીનો પ્રથમ પ્રયાસ કર્યો. 60 વર્ષથી સંગીતને સમર્પિત શરણરાણીએ સરોદવાદન અને સંગીતકલા ઉપર ‘ડિવાઇન સરોદ’ નામના પુસ્તકની રચના કરી (1992). 1968માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નું બિરુદ મેળવનારાં તેઓ પ્રથમ મહિલા વાદ્યકાર છે. 1980માં શરણરાણી પરિવારે પોતાના વાદ્યસંગ્રહમાંથી લગભગ 300 ઉત્તમ વાદ્યો રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હીને ભેટ તરીકે અર્પણ કર્યાં અને તે આજે ‘શરણરાણી બાકલીવાલ સંગીત દીર્ઘા’ તરીકે ઓળખાય છે. ભારતના ટપાલ ખાતાએ આ સંગ્રહ પૈકી સરોદ, રુદ્રવીણા, પખવાજ અને વાંસળીની ટિકિટો પણ બહાર પાડી છે.

તેઓ ભારતનાં અગ્રણી રસિક અને રંજક કલાકાર તરીકે ઊભર્યાં છે. ભારતીય સંગીતને વિશ્વના જુદા જુદા દેશોમાં પહોંચાડવાના મહત્વના યોગદાન બદલ તેમને કેન્દ્રીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર, દિલ્હી રાજ્ય કલાપરિષદ પુરસ્કાર, ડૉક્ટરેટ ઑવ્ મ્યૂઝિક, રાજીવ ગાંધી એક્સલન્સ પુરસ્કાર ઉપરાંત ‘સંગીત-સરસ્વતી’, ‘કલામૂર્તિ’, ‘સંગીતશારદા’, ‘કલારત્ન’, ‘સરોદશ્રી’, ‘સંગીતરત્ન’, ‘ભારતગૌરવ’ જેવાં ઘણાં સન્માનોથી નવાજવામાં આવ્યાં છે.

આજે 76 વર્ષની વયે તેઓ રિયાઝ કરતા રહી નાનામોટા કાર્યક્રમો આપે છે. પસંદગીના શિષ્યોને જ્ઞાન આપવા ઉપરાંત તેઓ સંગીતસાધનાની ચતુર બાલસ્મારક સંસ્થા સાથે સંકળાયેલાં છે. ‘જાગૃતિ’ નામક સંગીતના શૈક્ષણિક કાર્યક્રમોને તેઓ પ્રોત્સાહન પણ આપે છે. આકાશવાણી પર આપેલા કાર્યક્રમોના માનમાં 1999માં તેમને ખાસ સન્માનવામાં આવેલાં અને તેમનાં જીવન અને વાદન પર એક પુસ્તિકા પણ પ્રગટ કરાયેલી.

બડે ગુલામઅલીખાં, અલીઅકબરખાન અને સુબલક્ષ્મી તેમનાં પ્રિય કલાકારો છે.

બળદેવભાઈ કનીજિયા