શરણ, હરશરણદાસ (. 31 જાન્યુઆરી 1928, ફાલવડા, જિ. મેરઠ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે ‘સાહિત્યઆચાર્ય’: ‘સાહિત્ય-શિરોમણિ’; ‘સાહિત્યરત્ન’ અને ‘પ્રભાકર’ની ડિગ્રીઓ મેળવી. તેમણે ‘બાળગોપાળ’ અને ‘વીર ઇન્ડિયા’ના સંપાદક તરીકે તેમની કારકિર્દી શરૂ કરી. પછી શાળામાં શિક્ષણકાર્ય કરી સેવાનિવૃત્ત થયા અને ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં પરોવાયા.

તેમણે સંદર્ભગ્રંથો સહિત 253 ગ્રંથો આપ્યા છે. તેમાં બાળસાહિત્ય અને શબ્દકોશોનો સમાવેશ થાય છે. ‘શોલે’ (1947); ‘તૂટે કાંગૂરે’ (1957); ‘અંબર’ (1962); ‘શૈવાલી’ (1972); ‘વિક્રમાદિત્ય’ (1982); ‘નાના ફડનવીસ’ (1984); ‘હિમાની’ (1986) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘વિશ્વ સૂક્તિ કોશ’ (5 ગ્રંથમાં, 1976-85); ‘હિંદી મુહાવરા કોશ’ (1980); ‘હિંદી કહાવત કોશ’ (1981) જાણીતા શબ્દકોશો છે. ‘હિંદી સાહિત્ય કા ઇતિહાસ’ (2 ગ્રંથમાં, 1988) હિંદી સાહિત્યનો ખૂબ ઉપયોગી ગ્રંથ છે. આ ઉપરાંત તેમણે સંખ્યાબંધ સંદર્ભગ્રંથો અને કોશો આપ્યા છે.

બળદેવભાઈ કનીજિયા