શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ કરેલ હોવાથી રાજાના આગમન અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નહિ. ઋષિના આવા વ્યવહારથી ગુસ્સે થયેલા રાજાએ એક મરેલો સાપ શમીકના ગળામાં નાખી દીધો. શૃંગી ઋષિને પોતાના પિતા પ્રત્યે આવો દુર્વ્યવહાર થયો છે જાણીને એમણે રાજાને શાપ આપ્યો કે તક્ષક નાગ તેને આજથી સાતમે દિવસે કરડવાથી તેનું મૃત્યુ થશે. શમીક ઋષિએ પોતાના પુત્રને આવો શાપ દેવા માટે ઠપકો આપ્યો અને રાજાને એ શાપથી સાવધાન પણ કર્યો, પરંતુ પરીક્ષિતનું મૃત્યુ ટળી શક્યું નહિ.

પ્રવીણચંદ્ર પરીખ