શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં.

તેમણે ઉર્દૂમાં 5 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દો આધે’ (1989) વાર્તાસંગ્રહ અને ‘મિટ્ટી બંટી સુરાતિન’ શબ્દચિત્રો છે. તેમનો ‘પ્રેમચંદ કે નવલોં મેં નિસ્વાની કિરદાર’ (1975) વિવેચનગ્રંથ તથા ‘તસ્સુરાત’ (1995) નિબંધસંગ્રહ ઉલ્લેખનીય છે. તેમણે સાંસ્કૃતિક અને સાહિત્યિક સેમિનાર અને પરિષદોમાં ભાગ લેવા મધ્ય પૂર્વના દેશો તથા પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે.

તેમને ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ, પશ્ચિમ બંગાળ અકાદમી ઍવૉર્ડ, નાયઝ ફતેહપુરી ઍવૉર્ડ (પાકિસ્તાન) અને ઇમ્તિયાઝ એ મીર ઍવૉર્ડ (1997) આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા