શકદ્વીપ : શક લોકોના વસવાટનો દ્વીપ સૌરાષ્ટ્ર.

પૌરાણિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણના પુત્ર સામ્બે શકદ્વીપમાંથી મગ લોકોને તેડાવી ઈરાની ઢબની સૂર્યપૂજા પ્રચલિત કરી. મૂળ સ્થાન (મુલતાન) મગ લોકોનું મુખ્ય કેન્દ્ર હતું. મગ લોકોને બ્રાહ્મણો તરીકે અપનાવી લેવામાં આવ્યા હતા.

મૂલત: પૂર્વ ઈરાનના શકદ્વીપના મગ લોકો ભારતમાં આવી વસ્યા અને તેમનો વસવાટનો પ્રદેશ સૌરાષ્ટ્રમાં હતો. તેઓ સંભવત: ઈ. સ.ની આરંભની સદીમાં ભારત આવ્યા. પુરાણોએ આ દ્વીપને ‘શાકદ્વીપ’ તરીકે ઓળખાવવા માંડ્યો. આમ શાકદ્વીપ એ સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રમાં શકો વસ્યા હતા. ત્યાં સૂર્યમંદિરોની સંખ્યા વધારે છે. વળી ‘સૌરાષ્ટ્ર’ શબ્દની ‘સૌર (સૂર્યપૂજકો) રાષ્ટ્ર’ એવી વ્યુત્પત્તિ પણ કરવામાં આવી છે. શકો પહેલાં ‘સે’ તરીકે ઓળખાતા અને તેઓ સૌરાષ્ટ્રદ્વીપમાં વસતાં તેમના વસવાટના સ્થાન પરથી ‘સે-રાષ્ટ્ર’ અને તે પરથી ‘સૌરાષ્ટ્ર’ બન્યું હોવાનું મનાય છે.

મગ બ્રાહ્મણોની વસ્તી શ્રીમાલ(ભિન્નમાલ)માં ઘણી હતી. અહીંના બ્રાહ્મણોની એક જ્ઞાતિ આજે પણ પોતાને મગ કે શાકદ્વીપી બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. મગ, ભોજક, સૂર્યદ્વિજ, સૂર્યવિપ્ર, ગ્રહવિપ્ર, મિહિર, સૂર્યવંશી-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે સૂર્યનો ઉપાસક-વર્ગ છે. મેવાડના બાપ્પા રાવળના વંશજો-સૂર્યવંશી રાણાઓ તેમજ સેજકપુર તથા નાંદોદના ગોહિલોએ સૂર્યોપાસના એક યા બીજા સ્વરૂપે ચાલુ રાખેલી છે.

રામજીભાઈ સાવલિયા